આપણું ગુજરાત

Ahmedabad માં ડેન્ગ્યુના કેસમાં વધારો, આરોગ્ય તંત્રએ કામગીરી હાથ ધરી

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 100 કેસનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ડેન્ગ્યુના 494 તથા ચિકનગુનિયાના 51 કેસ નોંધાયા હતા. જયારે કોર્પોરેશન તરફથી શહેરીજનોને આપવામાં આવતા પાણીના સેમ્પલ તપાસાતા 403 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. પાણીના 113 સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.

એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 100 કેસ

સપ્ટેમ્બરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બિમારીના 662 કેસ નોંધાયા હતા. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 100 કેસ વધવાની સાથે મેલેરિયાના 102 કેસ નોંધાયા છે. ઝેરી મેલેરિયાના આઠ કેસ નોંધાયા હતા. ચિકનગુનિયાના 58 કેસ નોંધાયા હતા. પાણીજન્ય રોગના કેસમાં ટાઈફોઈડના 521 કેસ સપ્ટેમ્બર અંત સુધીમાં નોંધાયા હતા.

કમળાના 445 કેસ જયારે ઝાડા ઉલટીના 418 અને કોલેરાના ત્રણ કેસ નોંધાયા હતા. ખાનગી હોસ્પિટલોમાં આવેલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસનો આમાં સમાવેશ થતો નથી. મચ્છરજન્ય રોગને કાબુમાં લેવા સપ્ટેમ્બરમાં જ મનપાએ અંદાજે એક લાખ બ્લડ સેમ્પલ લઈ ટેસ્ટ કરાવ્યા હતા. ડેન્ગ્યુની તપાસ માટે 12507 સિરમ સેમ્પલ લેવાયા હતા. 29731 એકમને મચ્છરના ઉપદ્રવ બદલ નોટિસ આપઈ હતી.

ઘરોમાં મચ્છરની ગીચતા માપવા ઝુંબેશ
 
સતત વાદળ છાયા વાતાવરણ અને કયારેક હળવા વરસાદને લઈ શહેરના વિવિધ વિસ્તારમાં શરદી, ખાંસી ઉપરાંત વાઈરલ ફીવર સહિતના રોગના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો ઉપરાંત ખાનગી દવાખાનામાં પણ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોર્પોરેશને રોગચાળો ડામવા ઘરોમાં મચ્છરની ગીચતા માપવા ઝુંબેશ ચલાવી હતી. સૌથી વધુ મચ્છર રાણીપ, વાસણા, સરખેજ અને બહેરામપુરા વોર્ડમાં જોવા મળ્યા હતા.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button