દાદરના સ્વિમિંગ પૂલમાં પહેલા સાપ, અજગર ને હવે મગર
નજીકના પ્રાણી સંગ્રહાલયમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો છાપો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદરના શિવાજી પાર્કમાં મુંબઈમહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલમાં મંગળવારે વહેલી સવારના બે ફૂટ લાંબુ મગરનું બચ્ચું મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. નિષ્ણાતની મદદથી બચ્ચાને પકડીને વનવિભાગ ખાતાને તે સોંપવામાં આવ્યો હતો. મગરનું બચ્ચું સ્વિમિંગ પૂલમાં ક્યાંથી આવ્યું તેની તપાસ કરીને આવશ્યક પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવશે એવું પાલિકાના ડેપ્યુટી કમિશનર (ઉદ્યાન) કિશોર ગાંધીએ જણાવ્યું હતું.
દાદરમાં આવેલા ઓલમ્પિક સાઈઝના મહાત્મા ગાંધી જલતરણ તળાવને દરરોજ સવારના સભ્યો માટે ખોલવા પહેલા તેની એક વખત તપાસ કરવામાં આવે છે. મંગળવારે સવારના સફાઈ કર્મચારી દરરોજ મુજબ સ્વિમિંગ પૂલની તપાસ કરી રહ્યો હતો ત્યારે તેને 5.30 વાગે તેમાં મગરનું બચ્ચું દેખાયું હતું.
સ્વિમિંગ પૂલ અને નાટ્યગૃહના
કૉ-ઑર્ડિનેટર સંદીપ વૈશંપાયનના જણાવ્યા મુજબ રોજના મુજબ રૂટિન ચેકિંગ દરમિયાન સફાઈ કર્મચારીને તેમાં મગરનું બચ્ચું જોવા મળ્યું હતું. તેથી તુરંત નિષ્ણાતને બોલાવીને તેને સુરક્ષિત રીતે પકડીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો.
મહાત્મા ગાંધી સ્વિમિંગ પૂલની બાજુમાં રહેલા ખાનગી મરીન એક્વા પ્રાણીસંગ્રહાલય પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા છાપો મારીને તપાસ ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. એક ચર્ચા મુજબ આ પ્રાણી સંગ્રહાલયમાંથી મગરનું બચ્ચું સ્વિમિંગ પૂલમાં પહોંચી ગયું હોવું જોઈએ.
મળેલ માહિતી મુજબ થોડા દિવસ પહેલાં જ આ સ્વિમિંગ પૂલના પંપ હાઉસના પરિસરમાં એક ધામણ જાતિનો પાંચ ફૂટ લાંબો સાપ મળી આવ્યો હતો. કર્મચારીની નજર પડતાં સર્પમિત્રને બોલાવીને તેને પકડવામાં આવ્યો હતો. તો એ અગાઉ જૂન મહિનામાં અજગર જાતિનો સાપ અહીં દેખાયો હતો. સર્પમિત્રને બોલાવીને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હાથ લાગ્યો નહોતો.