નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. નેતન્યાહુ સાથે પીએમ મોદીની આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુથી વિદ્રોહીઓના સ્થાનો પર જોરદાર હુમલો કરી રહ્યું છે.
આ પણ વાંચો :નેતન્યાહુએ આ દેશોને ગણાવ્યા વિશ્વ માટે વરદાન અને શાપરૂપ દેશો: ભારતનો પણ કર્યો ઉલ્લેખ….
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નેતન્યાહુ સાથેની તેમની વાતચીતની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ અંગે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ સાથે વાત કરી. આપણી દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. પ્રાદેશિક તણાવને રોકવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. ભારત શાંતિ અને સ્થિરતાની શીઘ્ર પુનઃસ્થાપના માટેના પ્રયાસોને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખની છે કે ઇઝરાયેલે તાજેતરમાં લેબનોનમાં હિઝબુલ્લાહને નિશાન બનાવીને હુમલા તેજ કર્યા છે. હજુ થોડા દિવસો પહેલા જ ઈઝરાયેલે હવાઈ હુમલામાં હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ સહિત અનેક કમાન્ડરોને મારી નાખ્યા છે. ત્યારપછી ઈઝરાયલને હિઝબુલ્લાહ અને ઈરાન દ્વારા પણ ધમકીઓ મળી રહી છે.
બીજી તરફ ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ સોમવારે ઈરાનના લોકોને સંદેશ આપ્યો કે મધ્ય પૂર્વમાં એવી કોઈ જગ્યા નથી કે જે ઈઝરાયેલની પહોંચની બહાર હોય. તેમણે ઈરાનને કહ્યું કે આ એક મહત્વપૂર્ણ સમય છે કારણ કે તેમનો દેશ તેમને ભાંગવાની અણી નજીક લાવી રહ્યો છે. નેતન્યાહુએ કહ્યું હતુ કે “દરરોજ તમે એક શાસન જુઓ છો જે તમને તેના નિયંત્રણમાં લઈ જાય છે, લેબનોનની રક્ષા કરવા, ગાઝાના બચાવ વિશે ભડકાઉ ભાષણો આપે છે,”. તેમણે કહ્યું હતું કે તમારો દેશ તમને દરરોજ અંધકાર તરફ લઈ જઈ રહ્યો છે અને તમને યુદ્ધ તરફ ધકેલી રહ્યો છે.