ગુજરાતમાં અતિવૃષ્ટિ નુકસાન પર કેંદ્ર સરકારની 600 કરોડની સહાય…
ગાંધીનગર: ભારતમાં પડેલા ભારે વરસાદના લીધે પુર અને વરસાદથી પ્રભાવિત થયેલા ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યો માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)માંથી રૂ. 675 કરોડની આગોતરી સહાય પૂરી પાડવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફરી અતિવૃષ્ટિથી નુકસાની અંગે સર્વે કર્યો હતો. નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી આપવામાં આવી છે.
આ વર્ષે ચોમાસાની સિઝનમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પડેલા વરસાદને કારણે ભારે નુકસાની થઈ છે. દેશના અનેક રાજ્યોમાં પૂરના પાણીમાં કારણે ઘરવખરીથી લઈને ખેતીના પાકોને નુકશાન પહોંચ્યું હતું. સરકારે વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા તમામ વિભાગોને આદેશ આપ્યા હતા. કેંદ્ર સરકારની ટીમ નુકસાની સર્વે કરવા માટે ગૂજરાત પણ આવી હતી.
કેંદ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ સહાયમાં 600 કરોડ જેટલી સૌથી વધુ રકમ ગુજરાતને ફાળવવામાં આવી છે. આ વર્ષે ગુજરાતે ખૂબ જ અતિવૃષ્ટિનો સામનો કર્યો હતો. ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત વડોદરામાં પડેલા વરસાદને કારણે ભારે વિકટ પરિસ્થિતિ સર્જાય હતી. જેમા લોકોએ જાન અને માલ બન્નેનુ નુકસાન ભોગવ્યું હતુ.
આ સિવાય મણિપુરને રૂ. 50 કરોડ અને ત્રિપુરાને રૂ. 25 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. આ બન્ને રાજ્યોએ ચોમાસાની ઋતુમાં અતિભારે વરસાદના કારણે પૂર તેમજ ભૂસ્ખલન જેવી કુદરતી આફતોનો સામનો કર્યો હતો. કુદરતી આફતોના કારણે જનજીવન અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે.