એકસ્ટ્રા અફેર

સુનિતાને પાછાં લાવવાનું મિશન સફળ થાય એ જરૂરી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર છેલ્લા ત્રણ મહિનાથી અવકાશમાં એટલે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં ફસાયેલાં છે. નાસાના અવકાશયાત્રી સુનિતા અને બુશનું શું થશે તેના પર આખી દુનિયાની નજર છે. બંનેને અવકાશમાંથી પૃથ્વી પર પાછાં લાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી સતત પ્રયાસો ચાલી રહ્યા છે પણ કોઈ નિવેડો નહોતો આવતો. છેવટે એલન મસ્કની કંપની સ્પેસએક્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર ફસાયેલા આ બંને અવકાશયાત્રીને પાછા લાવવા માટે રેસ્ક્યૂ મિશન શરૂ કર્યું છે.

સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન મિશન નામના આ મિશન હેઠળ સ્પેસએક્સ ફાલ્કન ૯ રોકેટ અને ડ્રેગન અવકાશયાનને કેપ કેનેવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનના લોન્ચ કોમ્પ્લેક્સ ૪૦ માંથી લોન્ચ કરવામાં આવ્યા છે. મિશન કમાન્ડર નિક હેગ અને એલેકઝાન્ડર ગોરબુનોવ આ મિશન પર રવાના થયાં છે અને બંને સુનિતા અન બુશને પાછાં લાવવામાં સફળ થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. બધાં ઈચ્છે છે કે, આ મિશન સફળ થાય કેમ કે સુનિતા અને વિલ્મોર છેલ્લા ત્રણ મહિનાથી ફસાયેલાં છે.

સુનીતા વિલિયમ્સ અને વિલમોર જૂન ૨૦૨૪ માં બોઇંગના સ્ટારલાઈનર અવકાશયાનમાં આઠ દિવસના મિશન પર ગયાં હતાં. બંને જૂનમાં જ પાછાં આવી જવાનાં હતાં પણ બોઈંગના સ્પેસક્રાફ્ટના થ્રસ્ટર્સ અને હિલિયમ લીકમાં ખામી સર્જાતાં પૃથ્વી પર પાછા ફરવાનો કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો. તેના કારણે વિલિયમ્સ અને વિલ્મોર હજી પણ અંતરિક્ષમાં આવેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્પેશન પર ફસાયેલા છે.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ આ નિર્ણય લીધો હતો કેમ કે નાસાને અવકાશયાનની પૃથ્વી તરફની સફક જોખમી લાગતી હતી. સાવચેતીને ખાતર સ્ટારલાઇનર કેપ્સ્યુલને પૃથ્વી પર સુનિતા અને વિલ્મોર વિના મોકલાયું હતું. સ્ટારલાઈનર યાન આ મહિને ક્રૂ વિના પૃથ્વી પર પાછું ફર્યું છે તેના કારણે ઘણાંને લાગે છે કે, સુનિતા અને વિલ્મોર પણ સ્ટારલાઈનમાં હોત તો સહીસલામત પાછાં આવી ગયાં હોત. જો કે નાસાનું માનવું છે કે, ખાલી સ્ટારલાઈનર પૃથ્વી પર પાછું ફરે તેમાં અને બે વ્યક્તિને લઈને પાછું ફરે તેમાં બહુ મોટો ફરક છે. જબરદસ્ત સ્પીડે ભાગતા અવકાશયાનમાં વજન હોય ત્યારે તેની ગતિ પર અસર થતી હોય છે ને તેના કારણે સમસ્યા સર્જાઈ શકે છે. આ સમસ્યા ક્યારેક એટલી ગંભીર થઈ જાય કે, આખું અવકાશયાન જ બળીને રાખ થઈ જાય.

ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ બનેલી છે. ભારતીય મૂળનાં અવકાશયાત્રી કલ્પના ચાવલાએ ૧૯ નવેમ્બરથી ૫ ડિસેમ્બર ૧૯૯૭ દરમિયાન પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરી ત્યારે તેમની અવકાશયાત્રા નિર્વિઘ્ને પાર પડી હતી. કલ્પના ચાવલા ૧૬ દિવસ સુધી અવકાશમાં રહ્યાં હતાં અને વિવિધ સંશોધનો હાથ ધર્યાં હતાં. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૩ ના રોજ કલ્પના ચાવલા બીજી વાર અવકાશ યાત્રા માટે રવાના થયાં હતાં. કલ્પનાના કોલંબિયા શટલે ઉડાન ભરી ત્યારે કોઈને કલ્પના નહોતી કે આ મિશન સફળ નહીં થાય.

કલ્પના ચાવલા અવકાશ યાત્રા પરથી પાછાં ફરી રહ્યાં હતાં અને સ્પેસક્રાફ્ટ કોલંબિયા શટલ જઝજ-૧૦૭ પૃથ્વીથી લગભગ ૨ લાખ ફૂટની ઊંચાઈ પર હતું ત્યારે જ તૂટી પડ્યું હતું. કોલંબિયા સ્પેસ શટલને પૃથ્વી પર પહોંચવામાં ૧૬ મિનિટથી પણ ઓછો સમય લાગવાનો હતો પણ આર ૧૬ મિનિટ પૂરી થઈ જ નહીં. અચાનક સ્પેસક્રાફ્ટ સાથે નાસાનો સંપર્ક તૂટી ગયો અને કોલંબિયા તૂટી ગયું. કોલંબિયા અમેરિકાના ટેક્સાસના ડેલસ વિસ્તારમાં પડ્યું હતું. આ ઘટનામાં કલ્પના ચાવલા સહિત બધા અંતરિક્ષયાત્રીઓનાં મોત થઈ ગયાં હતાં.

કોલંબિયાના અનુભવ પછી નાસા સતર્ક થઈ ગઈ છે અને કોઈ જોખમ લેવા તૈયાર નથી. આ કારણે સુનિતા અને વિલ્મોરને પાછાં સ્પેસલાઈનરમાં પૃથ્વી પર મોકલવાનું જોખમ ના ઉઠાવાયું. તેના બદલે સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરને પરત લાવવા માટે ખાસ મિશન હાથ ધરાયું છે. આ મિશનમાં જે યાન મોકલાયું છે તેમાં બે સીટ ખાલી રાખવામાં આવી છે. આ સ્પેસ મિશન પહેલાં પણ સફળ રહ્યું છે. આ અવકાશયાનમાં બે અવકાશયાત્રીઓને નાસાએ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર મોકલ્યા હતા અને બંને આ વરસના ફેબ્રુઆરીમાં પાછા ફર્યા હતા. એ જ રીતે સુનિતા અને વિલ્મોરને પણ પાછું લઈ અવાશે એવી આશા રખાય છે.

સુનિતા અને વિલ્મોર સહીસલામત આવી જશે પણ સ્ટારલાઈનરના અનુભવે સાબિત કર્યું છે કે, આપણા એટલે કે માનવજાત માટે અવકાશની સફર ધારીએ છીએ એટલી સરળ નથી. આપણે બીજાં ગ્રહો પર વસવાનાં સપનાં જોઈએ છીએ, અવકાશમાં નિવાસ એટલે કે સ્પેસ કોલોની બનાવવાની વાતો કરીએ છીએ પણ આ સપનાંને સાકાર કરવા માટે બહુ મહેનત કરવી પડે એમ છે.

આપણે સૌથી પહેલાં તો અવકાશમાં પહોંચવા માટેની એવી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવવી પડે કે જેની મદદથી ગમે ત્યારે અવકાશમાં આવી જઈ શકાય. ભારત જેવા દેશોના તો ગજા બહારની આ વાત છે પણ અમેરિકા સહિતના વિકસિત દેશો પણ જેના પર આંખ મીંચીને ભરોસો કરી શકાય એવી સ્પેસ ટ્રાવેલ સિસ્ટમ નથી વિકસાવી શક્યા. અમેરિકા, રશિયા, ચીન, યુરોપિયન યુનિયન સહિતની સરકારી એજન્સીઓ પાસે આ ક્ષમતા છે પણ તેની મદદથી પાંચ-સાત અવકાશયાત્રીને મોકલી શકાય, સ્પેસ કોલોની ના બનાવી શકાય. ભવિષ્યમાં સ્પેસમાં વસવું હોય તો મોટા પ્રમાણમાં માણસોને મોકલવા પડે ને બીજી ચીજો પણ મોકલવી પડે. તેના માટેની સિસ્ટમ જ નથી.

છેલ્લાં કેટલાંક વરસોથી ખાનગી એજન્સીઓ એ દિશામાં મથ્યા કરે છે પણ એલન મસ્કની સ્પેસએક્સ સિવાય બીજી કંપનીને સફળતા મળી નથી. સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને દુનિયાની વિમાનો બનાવતી સૌથી મોટી કંપની બોઈંગના સ્પેસક્રાફ્ટમાં મોકલાયેલાં પણ એ મિશન સફળ ના થયું. બોઈંગે મોકલેલું પહેલું મિશન પણ સફળ નહોતું થયું અને તેનું મિશન નિષ્ફળ નિવડ્યું હતું. બોઈંગનું સ્ટારલાઇનર આ મહિનાની શરૂઆતમાં ન્યુ મેક્સિકોમાં સુરક્ષિત રીતે કેનેડી સ્પેસ સેન્ટર પર ઉતર્યું હતું. અત્યારે બોઇંગ તેના સ્ટારલાઇનરમાં રહેલી ટેકનિકલ ખામી સુધારવા સતત કામ કરી રહ્યું છે એ જોતાં ભવિષ્યમાં બોઈંગનાં સ્પેસક્રાફ્ટ સ્પેસમાં જઈ શકે એવું બને પણ માત્ર બે કંપની ને મુઠ્ઠીભર એજન્સીઓના જોરે સ્પેસ કોલોનીઓ ના બનાવી શકાય.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત