મણિપુર પર પ્રથમ ધ્યાન આપો: મલ્લિકાર્જુન ખડગેનો અમિત શાહ પર વળતો પ્રહાર…
નવી દિલ્હી: મલ્લિકાર્જુન ખડગે અને અમિત શાહે જમ્મુમાં જાહેર રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કૉંગ્રેસના નેતાની ટિપ્પણીને મુદ્દે એકબીજા સાથે શાબ્દિક યુદ્ધ છેડ્યું છે.
આ પણ વાંચો : અયોધ્યામાં હાર બાદ પ્રથમ વાર સામે આવી કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah ની પ્રતિક્રિયા, કહી આ વાત…
અમિત શાહે તેમના અંગત સ્વાસ્થ્યના મુદ્દાઓમાં ‘પીએમ મોદીને ખેંચવા’ બદલ ખડગેની નિંદા કર્યાના એક દિવસ પછી કૉંગ્રેસના વડાએ ગૃહ પ્રધાનને વધુ ગંભીર મુદ્દાઓ મણિપુર અને જાતિ આધારિત વસ્તી ગણતરી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.
રવિવારે જમ્મુમાં એક જાહેર સભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ એવું નિવેદન કર્યું હતું કે વડા પ્રધાન મોદીને સત્તા પરથી હટાવવામાં આવે તે પહેલાં તેઓ મૃત્યુ પામશે નહીં. શાહે ખડગેની આ ટિપ્પણીઓને ‘એકદમ અરુચિકર અને શરમજનક’ ગણાવી હતી.
ગૃહ પ્રધાન પર વળતો પ્રહાર કરતા મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, ‘ગૃહ પ્રધાન અમિત શાહે મણિપુર, વસ્તી ગણતરી અને જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારી સરકારનો પોતાનો સર્વે કહે છે કે શહેરી ગટર અને સેપ્ટિક ટાંકીઓની સફાઈ કરતા 92 ટકા કર્મચારીઓ એસસી, એસટી, ઓબીસી શ્રેણીઓમાંથી આવે છે.’
કૉંગ્રેસ જાતિ આધારિત વસ્તી ગણતરી માટે પ્રતિબદ્ધ હોવાનું ભારપૂર્વક જણાવતાં ખડગેએ કહ્યું હતું કે, ભાજપ જાતિ આધારિત વસ્તી ગણતરીની વિરુદ્ધ છે કારણ કે પછી તે જાણી શકાશે કે એસસી, એસટી, ઓબીસી, ઈસીડબ્લ્યુ અને અન્ય તમામ વર્ગો ક્યા કામ દ્વારા તેમની આજીવિકા કમાઈ રહ્યા છે. તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ શું છે? તેમને સરકારી યોજનાઓના કેવા પ્રકારના લાભ મળવા જોઈએ? ‘અમે તે પૂર્ણ કરીશું,’ એમ તેમણે કહ્યું હતું.
ખડગે રવિવારે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ‘સિંકોપલ એટેક’નો ભોગ બન્યા પછી બીમાર પડ્યા હતા. તેમણે થોડો વિરામ લીધો અને બોલવાનું ફરી શરૂ કર્યું હતું અને કહ્યું કે તેમની ઉંમર હોવા છતાં વડા પ્રધાન મોદીને સત્તા પરથી હટાવવામાં આવે તે પહેલાં તેઓ મૃત્યુ પામશે નહીં.
મારે વાત કરવી હતી પણ ચક્કર આવવાને કારણે હું બેસી ગયો. કૃપા કરીને મને માફ કરો. હું 83 વર્ષનો છું. હું આટલો વહેલો મરવાનો નથી. જ્યાં સુધી પીએમ મોદીને સત્તા પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હું જીવતો રહીશ, એમ કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું.
ખડગે પર પ્રહાર કરતા અમિત શાહે એક્સ પર પોસ્ટમાં કહ્યું હતું કે, ગઈકાલે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના ભાષણમાં એકદમ અણછાજતું અને શરમજનક નિવેદન કરીને, તેમના નેતાઓ અને તેમની પાર્ટીને પાછળ રાખી દીધા છે.
ખડગેના સ્વાસ્થ્યની વાત કરીએ તો, મોદીજી પ્રાર્થના કરે છે, હું પ્રાર્થના કરું છું અને આપણે બધા પ્રાર્થના કરીએ છીએ કે તેઓ લાંબુ, સ્વસ્થ જીવન જીવે. તેઓ ઘણા વર્ષો સુધી જીવતા રહે અને તેઓ વિકસિત ભારતનું નિર્માણ જોવા માટે 2047 સુધી જીવે, એમ અમિત શાહે જણાવ્યું હતું. (પીટીઆઈ)