ઘાટકોપરમાં બેસ્ટની બસમાં આગ: એલબીએસ રોડ પર ટ્રાફિકજામ…
મુંબઈ: ઘાટકોપરમાં એલબીએસ રોડ પર ગાંધીનગર પુલ નજીક આજે બપોરના સમયગાળા દરિમયાન બેસ્ટની બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કોઈને ઈજાના અહેવાલ નથી અને આગ બપોરે ૨:૧૦ વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી.
સાક્ષીઓના નિવેદન મુજબ ગાઢ ધુમાડો અને જ્વાળાઓએ બસને ઘેરી લીધી હતી, ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગની જાણ બપોરે ૧:૨૪ વાગ્યે ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી અને લગભગ ૨:૧૦ વાગ્યે આગને કાબૂમાં લેવામાં આવી હતી.
સત્તાવાળાઓએ આગનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે, કારણ કે ઘટના સમયે આ વિસ્તારમાંથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા. ટ્રાફિક પોલીસે માહિતી આપી છે કે એલબીએસ રોડ પર વાહનોની અવરજવર ધીમી ગતિએ ચાલી રહી છે.
આગને અંકુશમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં જોરદાર ટ્રાફિક જામ લાગ્યો હતો, પરિણામે વાહનચાલકોને પણ પરેશાની ભોગવવી પડી હતી, જ્યારે અમુક વાહનચાલકોએ સોશિયલ મીડિયા પર તેના વીડિયો શેર કરીને લોકોને જાણ કરી હતી.