રોહિત શર્માનો આ કેચ નહીં જોયો તો શું જોયું…. કમાલનો કેચ પકડ્યો છે..
કાનપુરઃ રોહિત શર્માનો આ કેચ જો તમે ના જોયો તો તમે બહુ જ મોટી વસ્તુ મીસ કરી રહ્યા છો. આ કેચ 37 વર્ષના રોહિત શર્માની ફિટનેસને લઈને ઉઠતા તમામ પ્રશ્નોનો જવાબ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચોની શ્રેણીની કાનપુર ખાતેની છેલ્લી ટેસ્ટ મેચના ચોથા દિવસે રોહિતે ફરી એકવાર પોતાની અદ્ભુત ફિલ્ડિંગ કુશળતા બતાવી હતી. રોહિત શર્મા જે રીતે હવામાં ઉછળ્યો અને લિટન દાસનો એક હાથે કેચ પકડ્યો તે જોઈને બધા જ દંગ રહી ગયા. એમ લાગી રહ્યું હતું કે ખુદ રોહિત શર્માને પણ વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે તેણે આ કેચ પકડ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રેલ બોર્ડ (બીસીસીઆઇ)એ આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને અને થોડીવારમાં જ આ વીડિયો વાયરલ થઈ ગયો છે.
વરસાદના કારણે કાનપુર ટેસ્ટ મેચના પ્રથમ ત્રણ દિવસમાં માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. બાંગ્લાદેશે મેચના પહેલા દિવસે ત્રણ વિકેટે 107 રન બનાવ્યા હતા, ત્યાર બાદ બે દિવસ સુધી એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. મેચના ચોથા દિવસે બાંગ્લાદેશે આનાથી આગળ રમવાનું શરૂ કર્યું અને 170 રનમાં છ વિકેટ ગુમાવી દીધી. બાંગ્લાદેશને પાંચમો ફટકો લિટન દાસના રૂપમાં લાગ્યો હતો, જે 30 બોલમાં 13 રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. 50મી ઓવરનો ચોથો બોલ વખતે રોહિત શર્મા મિડ-ઓફ પર ઊભો હતો અને લિટને તેને હવામાં રમ્યો હતો. લિટનનો આ શોટ ખૂબ જ ઝડપી હતો, રોહિત હવામાં ઉછળીને બોલને એક હાથે પકડી લીધો. હવામાં કૂદવાની રોહિતની ટાઈમિંગ એટલી સારી હતી કે બોલ તેના હાથમાં ફસાઈ ગયો.
ચાહકોએ આ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ કરી છે. કોઈએ તેને catch of the day ગણાવ્યો હતો તો કોઈએ કહ્યું હતું કે તે રોહિતની ફિટનેસની ટીકા કરનારાઓના મોઢા પર થપ્પડ છે.
ભારતે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 280 રને જીતી લીધી હતી. જો આ ટેસ્ટ મેચ ડ્રો થાય છે, તો તેનાથી ભારતને સૌથી મોટું નુકસાન થશે, કારણ કે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં પહોંચવાનો તેનો રસ્તો થોડો મુશ્કેલ બની શકે છે.