નિફ્ટી માટે નવી નિર્ણાયક સપાટી 19,450નો સ્તર
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં રસાકસીનો ખેલ ચાલું રહ્યો છે. એફઆઇઆઇની એકધારી વેચવાલી સાથે અમેરિકાના ટે્રઝરી બિલ અને ડોલર ઇન્ડેક્સના ઉછાળા વચ્ચે તેજીવાળા મૂંઝાઇ ગયા છે. એક તરફ વિદેશી ફંડો વેચવાલ રહ્યાં છે અને તેને બીજી તરફ આ વેચવાલી વધુ તીવ્ર બને એવા પરિબળોમાં ડોલર ઇન્ડેક્સ 10 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જ્યારે યુએસ ટે્રઝરી યિલ્ડ 16 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. આ પરિબળો બજારને નીચી સપાટીએ ખેંચવા માટે પર્યાપ્ત છે. બજારને ટેકો આપે એવા એકમાત્ર પરિબળમાં ક્રૂડ ઓઇલના ભાવનો ઘટાડો ગણી શકાય! જોકે, નિફ્ટીએ મંગળવારના સત્ર દરમિયાન 19,500ની સપાટી તોડી હતી, પરંતુ તેમ છતાં તેણે આ સપાટી ટકાવી હોવાથી તેજીવાળા હજુ આશાવાદી રહ્યાં છે, ત્યારે ટેક્નિકલ એનાલિસ્ટ આ અંગે શું માને છે તે જોઇએ. ટોચના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટીએ બેરીશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે પરંતુ હાલમાં, તે તેના 19,450 પોઇન્ટના મજબૂત સપોર્ટ લેવલની નજીક છે. જો બેન્ચમાર્ક આ સ્તર તોડશે તો તે નીચામાં 19,200 સુધી ખેંચાઇ જશે. નિફટી માટે તાત્કાલિક પ્રતિકાર 19,630 પોઇન્ટની છે અને ટે્રન્ડ રિવર્સલ માટે ઇન્ડેક્સને 19,730 પોઇન્ટની ઉપર મક્કમ બંધ આપવો પડશે. એક અન્ય ટોચના વિશ્લેષકે જણાવ્યું હતું કે, બેન્ચમાર્ક માટે 19580 તાત્કાલિક પ્રતિકાર ક્ષેત્ર બની શકે છે, જેની ઉપર ઇન્ડેક્સ 19700-19725 સુધી આગળ વધી શકે છે. બીજી બાજુ 19450 અને 19480 મજબૂત સપોર્ટ ઝોન છે. જો નિફ્ટી 19450 પોઇન્ટની તોડશે તો તે 19375-19350 સુધી લપસી શકે છે.