આપણું ગુજરાતસુરત

છ દિવસની બાળકી ના અંગદાનથી ચાર માનવ જિંદગીને નવજીવન: સુરતનો પ્રેરણાદાયી કિસ્સો

સુરત: સુરતમાં છ દિવસની બાળકીનું નામ ચાર માનવોની જિંદગી માટે ભગવાનના સ્થાન સમાન બની ગયું છે. છ દિવસની બાળકીના મૃત્યુ બાદ કરવામાં આવેલા અંગદાને ચાર લોકોની જિંદગીમાં અજવાસ પાથર્યા છે. અંગદાન એ જ મહાદાનના નારાને ચરિતાર્થ કરીને સમાજને એક નવી રાહ ચીંધી છે. બાળકીના અંગોથી અમદાવાદના 10 વર્ષીય બાળક અને સુરતના 14 માસના બાળકમાં લીવર ટ્રાન્સપ્લાન્ટથી બંનેને જીવનદાન મળ્યું છે.

મૂળ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઢાંક ગામના વતની મયુરભાઈ ઠુંમરની નવજાત બાળકીના અંગદાનથી ચાર લોકોના જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. મયુરભાઈ સુરતમાં પ્લંબિંગ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 23 તારીખના રોજ મયુરભાઈના પત્ની મનીષાબેને બાળકીને જન્મ આપ્યો હતો. જો કે બાળકીની તબિયત ખરાબ હોવાથી તેને સુરતની ડાયમંડ હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. તબીબોએ બાળકીને બચાવવાના પૂરતા પ્રયત્નો કર્યા પણ અંતે કઈ સફળતા મળી નહિ અને બાળકી કોમામાં ચાલી ગઈ, અંતે તબીબોએ બાળકીને બ્રેઈનડેડ જાહેર કરી હતી.

હોસ્પિટલના તબીબોએ સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલભાઈ સાથે પરિવારજનોનો સંપર્ક કરાવ્યો હતો. વિપુલભાઈએ મયુરભાઈ અને તેમના પરિવાર સાથે અંગદાનને લઈને વાતચિત કરીને અંગદાનની પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું હતું કે તમારી બાળકીના અંગદાનથી ચાર લોકોની જિંદગી બચાવી શકાશે. આ સાથે જ મૃત્યુ બાદ રાખ થઈ જનારા શરીર કોઈને માટે આશીર્વાદ રૂપ બનતું હોય તો તેવા ઉમદા હેતુમાં ભાગીદાર થવા પરિવારે મંજૂરી દર્શાવી હતી.

ત્યારબાદ જ્યાં જરૂર છે ત્યાં ઓર્ગન સમયસર પહોંચાડી શકાય તે માટે ડાયમંડ હોસ્પીટલથી સુરત રેલવેસ્ટેશન સુધીનો ગ્રીનકોરીડોર તથા સુરતથી IKDRC, અમદાવાદ સુધીનો ગ્રીનકોરીડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. બાળકીના અંગને મુંબઈ પણ પહોંચાડવામાં આવ્યા હતા. રેલ્વે ઓથોરીટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો. અગાઉ ૧૦૦ કલાકના બાળકનું અંગદાન અને ૧૨૦ કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશના માધ્યમથી થયું હતું , આજરોજ ભારતદેશમાં નાનીવયે ત્રીજું અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશનના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બન્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button