શેર બજાર

ફંડોની એકધારી વેચવાલી અને એશિયાઇ બજારોની નરમાઇથી બજારનો મૂડ ખરાબ: સેન્સેક્સ 316 પોઇન્ટ ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એકધારા વિદેશી ફંડના આઉટફ્લો અને સુસ્ત એશિયન માર્કેટ સંકેતો વચ્ચે મંગળવારે બંને બેન્ચમાર્ક સૂચકાંકોમાં ધબડકો જોવા મળ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક જેવી ઈન્ડેક્સની હેવીવેઇટ કંપનીઓમાં ઘટાડો પણ બેન્ચમાર્ક ઈન્ડેક્સને નીચો ખેંચી જવામાં કારણભૂત ઠર્યો છે.

સેન્સેક્સ 316.31 પોઇન્ટ અથવા તો 0.48 ટકાના ઘટાડા સાથે 65,512.10 પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન બેન્ચમાર્ક 483.82 પોઇન્ટ અથવાતો 0.73 ટકા તૂટીને 65,344.59 પોઇન્ટની સપાટીએ અથડાયો હતો. જ્યારે નિફ્ટી 109.55 પોઇન્ટ અથવા તો 0.56 ટકા ગબડીને 19,528.75 પોઇન્ટની સપાટીને અથડાયો હતો.

સેન્સેક્સ કંપનીઓમાં મારૂતિ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જીએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એનટીપીસી મુખ્ય હતા.એશિયન પેઈન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક સિમેન્ટ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વધનારા શેરોમાં હતા.

જેએસડબલ્યુ ઇન્ફ્રા તેના ઇશ્યૂ ભાવ સામે 20 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો હતો, જ્યારે વૈભવ જેમ્સનું લિસ્ટિંગ ફલેટ રહ્યું હતું. ઈ-વેસ્ટ મેનેજમેન્ટ કંપની, ઈકો રિસાયક્લિંગ લિમિટેડે તેની રીસાઈકલિંગ ઓન વ્હીલ્સ સ્માર્ટ-ઇઆર પહેલ શરૂ કરી છે. કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહ દ્વારા ઉદઘાટિત આ ગ્રાઉન્ડબ્રેકિગ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય અનૌપચારિક ઈ-વેસ્ટ સેક્ટરને ઔપચારિક બનાવવાનો છે, જેથી કામદારોને તેમના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપતી પર્યાવરણલક્ષી પદ્ધતિઓ સુધી પહોંચ મળી શકે. ટેક્નોલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ભંડોળ પ્રાપ્ત આ પહેલ સ્વચ્છતા હી સેવા અભિયાન, સ્વચ્છ ભારત માટે વડાપ્રધાનના વિઝન સાથે એકરૂપતા ધરાવે છે.

એરોસ્પેસ અને ડિફેન્સ સેકટર માટે ગ્લોબલ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ બનાવતી આઝાદ એન્જિનિયરિંગ કંપનીએ મૂડી બજારમાં પ્રવેશવા માટે સેબી પાસે ડીએરએચપી જમા કરાવી દીધાં છે. શેરબજારમાં અપડેટર સર્વિસિસનું લિસ્ટિંગ આજે બુધવારે ચાર તારીખે થશે. ઇલેક્ટ્રિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ કંપની વી-ગાર્ડએ પ્રોડક્ટ વિસ્તરણ હેઠળ પ્રીમિયમ બીએલડીસી હાઇ-સ્પીડ ફેન, ઇનસાઇટ-જીની બજારમાં રજૂઆત કરી છે. ફેન ઉદ્યોગનો અંદાજ 12,000 કરોડનો છે અને તે આઠથી નવ ટકાના સીએજીઆર સાથે વધી રહ્યો છે. બીએલડીસી સેગમેન્ટનું મૂલ્ય 1500 કરોડ છે, જે સીલિંગ સેગમેન્ટમાં 45 ટકાની સીએજીઆર સાથે વૃદ્ધિ પામી રહ્યું છે.

એશિયન બજારોમાં ટોક્યો અને હોંગકોંગ નીચા ક્વોટ થઈ રહ્યા હતા જ્યારે શાંઘાઈમાં સુધારો જોવા મળ્યો હતો. સોમવારે યુએસ બજારો મોટાભાગે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.89 ટકા ઘટીને 89.90 ડોલર પ્રતિ બેરલ થયું છે.વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ શુક્રવારે . 1,685.70 કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી.

ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ નેટ સેલર્સ બન્યા છે અને સપ્ટેમ્બરમાં ભારતીય ઇક્વિટીમાંથી રૂ. 14,767 કરોડથી વધુનું ભંડોળ પાછું ખેંચ્યું, જેનું મુખ્ય કારણ ડોલરની વૃદ્ધિ, યુએસ બોન્ડ યીલ્ડમાં સતત વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો છે.સોમવારે મહાત્મા ગાંધી જયંતિના કારણે ઈક્વિટી બજારો બંધ રહ્યા હતા.વિશ્લેષકો કહે છે કે, ઓક્ટોબર શ્રેણી માટે મિશ્ર સંકેતો છે, જે ઐતિહાસિક રીતે બજારો માટે સારો મહિનો
રહ્યો છે.

નજીકના ગાળા માટે મુખ્ય નકારાત્મક એફઆઈઆઈનું સતત વેચાણ ચાલુ રહેશે. ડોલર ઇન્ડેક્સ 107થી ઉપર વધી રહ્યો છે અને યુએસ 10-વર્ષના બોન્ડ 4.68 ટકાની 16 વર્ષની ઊંચી ઉપજ એ બજાર માટે મુખ્ય અવરોધ છે કારણ કે ફંડો વધતા ડોલર અને યુએસ બોન્ડ યીલ્ડના પ્રતિભાવમાં વેચાણ ચાલુ રાખે તેવી શક્યતા છે.જોકે પરંતુ, સકારાત્મક બાજુએ, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પાંચ ટકાના ઘટાડા પછી તેજીવાળા ને ખરીદી કરવા માટે પ્રોત્સાહન મળી શકે છે. પાછલા સત્રમાં શુક્રવારે બેન્ચમાર્ક 320.09 પોઈન્ટ અથવા 0.49 ટકા વધીને 65,828.41 પર સેટલ થયો હતો. નિફ્ટી 114.75 પોઈન્ટ અથવા 0.59 ટકા વધીને 19,638.30 પર બંધ થયો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત