શેરબજારમાં ૧૨૦૦ના તોતિંગ કડાકા વચ્ચે મેટલ ઇન્ડેક્સમાં ઉછાળો કેમ આવ્યો? જાણો કારણ
નિલેશ વાઘેલા
મુંબઇ: પ્રાદેશિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે સોમવારે ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપી અને તીવ્ર કડાકા જોવા મળ્યા હતા. ખાસ કરીને ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, ટિસીએસ અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં સારું ધોવાણ જોવા મળ્યું હતું.
સત્રની શરૂઆતે સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ નીચામાં ખુલ્યો અને નિફ્ટી ૨૬,૧૦૦ની નીચે ખુલ્યો હતો.
આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૨૩૩ પોઇન્ટના તોતિંગ કડાકા સાથે ૮૪,૪૦૦ની નીચે ઘૂસી ગયો છે.નિફ્ટી પણ ૩૬૦ પોઇન્ટના કડાકા સાથે ૨૫,૮૦૦ નજીક પહોંચ્યો છે.
જ્યારે ટ્રેન્ડ થી વિપરીત નિફ્ટી મેટલ ઈન્ડેક્સ ૧૨૦ પોઇન્ટના જોરદાર ઉછાળા સાથે ૧૦,૨૦૦ની સપાટીએ પહોંચ્યો છે. ચીનની માગ નીકળવાની આશા વચ્ચે આ સુધારો જોવા મળ્યો છે. બજારના કડાકાનું કારણ પણ ચાઇના છે.
આ પણ વાંચો : નિફ્ટી માટે ટૂંકાગાળાનો લક્ષ્યાંક ૨૬,૫૦૦: મામૂલી અવરોધો વટાવતો આખલો સહેજ પોરો ખાઇને આગળ વધવા પ્રયાસ કરશે
સેક્ટોરલ મોરચે, નિફ્ટી મેટલ ૧.૧૬ ટકા ઊછળ્યો છે. પોતાની ધીમી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ચીન દ્વારા અનેક પગલાંની થયેલી જાહેરાતને પગલે મેટલ શેરોમાં લવલાવ જોવા મળી હતી
આ સેકટરમાં એનએમડીસી, હિન્દાલ્કો અને સેઇલ ઇન્ડેક્સમાં ટોપ ગેનર બન્યો હતો. ભારત રિસ્ક ઇન્ડેક્સ નવ ટકા વધ્યો હતો.
દરમિયાન, આર્બિટ્રેશન કેસમાં જીત મળવાથી રિલાયન્સ ઇન્ફ્રામાં બે ટકા ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે સરકાર દ્વારા નિકાસ જકાત મુક્તિ જાહેર થઈ હોવાથી ચોખાના સ્ટોકમાં પાંચ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.
માર્કેટ એનલિસ્ટ જણાવે છે કે, બજાર નજીકના ગાળામાં કોન્સોલિડેશનના તબક્કામાં જાય તેવી શક્યતા છે. એક નોંધપાત્ર પરિબળ જે વિદેશી પોર્ટફોલિયોને પ્રભાવિત કરી રહ્યું છે, તે ચીનના શેરોનું આઉટપરફોર્મન્સ છે જે સપ્ટેમ્બરમાં હેંગસેંગ ઇન્ડેક્સમાં લગભગ ૧૮ ટકા જેટલા મોટા ઉછાળામાં પ્રતિબિંબિત થાય છે. ચીની સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલ નાણાકીય અને રાજકોષીય ઉત્તેજનાના પ્રતિભાવમાં ચીનના અર્થતંત્રમાં પુનરુત્થાનની આશાને કારણે આ ઉછાળો આવ્યો છે.