પ્રાંસગિક: કેમ કરાય છે મહિષાસુર મર્દિનીને નફરત ને મહિષાસુરને પ્રેમ?
-રાજેશ યાજ્ઞિક
ભારત વિવિધતાઓનો દેશ છે. આપણે ત્યાં ભાષા, પહેરવેશ, ખાન-પાન, પરંપરાઓ, ધર્મ, જાતિની એવી વિવિધતા છે જે જગતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે જ ભારતને એક ઉપવનની ઉપમા આપીએ તો ખોટું નથી, જેમાં અનેક પ્રકારનાં પુષ્પો પોતપોતાના વિવિધ રંગ અને વિશિષ્ટ સુગંધ સાથે અલગ છતાં લગોલગ રહે છે. જ્યાં વિવિધતા હોય ત્યાં વિરોધાભાસ પણ હોવાનો. પૃથ્વીના એક ગોળાર્ધમાં જ્યારે સૂર્ય પ્રકાશિત હોય, ત્યારે અન્ય ગોળાર્ધમાં અંધકાર હોય છે. આપણે એમ તો ન કહી શકીએ પ્રકાશ સત્ય છે અને અંધકાર અસત્ય. આપણે ત્યાં આ જ વાત ધર્મને પણ લાગુ પડે છે. સનાતન ધર્મમાં આસ્તિકતાની સાથે નાસ્તિકતાનો પણ સ્વીકાર જોવા મળે છે. અહીંયા રામની પૂજા પણ થાય છે તો એવા પ્રદેશો પણ છે જ્યાં રાવણની પણ પૂજા થાય છે. આ
વાત તો બહુ જાણીતી છે, પણ આપણા દેશમાં અસુર રાજ મહિષાસુરની પણ પૂજા થાય છે તે એક જાણવા જેવી વાત છે. કોણ કરે છે મહિષાસુરની પૂજા? શા માટે થાય છે?
એ તો સર્વવિદિત છે જ કે મા દુર્ગાએ નવ દિવસ યુદ્ધ કરીને દસમે દિવસે મહિષાસુરનો વધ કર્યો. આ કથા માર્કણ્ડેય પુરાણમાં ઉલ્લેખિત છે. આપણે આ નિમિત્તે નવરાત્રી પર્વ ઉજવીએ છીએ અને વિજયદશમીનું પર્વ મનાવાય છે. મહિષ અસુર હોવાથી મહિષાસુર કહેવાતો હતો. આપણા દેશમાં એક જાતિ એવી છે જે પોતાને અસુર જાતિના અને આ મહિષ એટલે કે મહિષાસુરના વંશજ માને છે. પ્રસિદ્ધ ઈતિહાસકાર ડી.ડી. કોસંબીએ મહિષાસુરને પશુપાલકોના આરાધ્ય તરીકે વર્ણવ્યા છે, જેને ‘બ્રાહ્મણ ધર્મમાં’ મહિષાસુર મર્દિનીએ માર્યા હતા (પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને સભ્યતા, રાજકમલ પ્રકાશન). ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક આદિવાસી વિસ્તારોમાં મહિષાસુરની પૂજા કરવામાં આવે છે.
આદિવાસીઓ તેમને તેમના પૂર્વજ માને છે. તેઓ કહે છે કે દેવી દુર્ગાએ તેને કપટથી મારી નાખ્યો હતો. મહિષાસુર તેમના પૂર્વજ હતા અને દેવતાઓએ રાક્ષસોને નહિ પરંતુ તેમના પૂર્વજોને માર્યા હતા. આવા જ કેટલાક આદિવાસી સમુદાયના લોકો ઝારખંડના ગુમલામાં રહે છે. ગુમલાની પહાડીઓમાં અસુર નામની આદિજાતિ રહે છે. ઝારખંડના સિંહભૂમ વિસ્તારના કેટલાક આદિવાસીઓ પણ મહિષાસુરને તેમના પૂર્વજ માને છે. આ વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન મહિષાસુરનો શહીદ દિવસ ઉજવવામાં આવે છે. બંગાળના કાશીપુર વિસ્તારમાં આદિવાસી સમુદાયના લોકો મહિષાસુર શહાદત દિવસ ધામધૂમથી ઉજવે છે.
શું છે માન્યતા?
અસુર આદિવાસી સમુદાયના લોકો માને છે કે દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચેનું યુદ્ધ વાસ્તવમાં આર્યો અને બિન-આર્ય વચ્ચેનું યુદ્ધ હતું.
આ યુદ્ધમાં આર્યોએ મહિષાસુરનો વધ કર્યો હતો. ઘણી જગ્યાએ મહિષાસુરને રાજા પણ માનવામાં આવે છે. અસુર જાતિના લોકો નવરાત્રી દરમિયાન દસ દિવસ સુધી શોક કરે છે. આ સમય દરમિયાન શુભ કાર્યો પણ તેમના માટે વર્જ્ય છે. કેટલાક આદિવાસીઓ માને છે કે મહિષાસુરનું સાચું નામ હુદુર દુર્ગા હતું. તે એક બહાદુર યોદ્ધા હતો. મહિષાસુરે સ્ત્રીઓ સામે શસ્ત્રો ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી તેથી, દેવી દુર્ગાને આગળ કરવામાં આવ્યાં હતાં અને કપટ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આજે પણ આદિવાસીઓ તેમનાં બાળકોને મહિષાસુરની વાર્તાઓ સંભળાવે છે અને આ રીતે મહિષાસુરને તેમના પૂર્વજ માનવાની પરંપરા આજે પણ ચાલુ છે. આ જનજાતિનાં બાળકો માટીના બનેલા સિંહના રમકડા સાથે રમે છે અને તેઓ સિંહની ગરદન મરોડી નાખે છે. તેઓ આવું એટલા માટે કરે છે કારણ કે દેવી દુર્ગાનું વાહન સિંહ છે. અસુર જાતિના લોકો સિંહોને નફરત કરે છે.
મૈસુર શહેરનું નામ મહિષાસુર ઉપરથી પડ્યું છે?
એક દંતકથા અનુસાર, કર્ણાટકમાં મૈસુર શહેરનું નામ મહિષાસુર પરથી પડ્યું હતું. ઘણા ઈતિહાસકારો પણ આ વાતને સમર્થન આપે છે. અહીંની લોકવાયકા મુજબ મહિષાસુરનો વધ માતા ચામુંડેશ્ર્વરીએ કર્યો હતો. મૈસુરમાં એક ટેકરીનું નામ ચામુંડેશ્ર્વરી દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ટેકરી પર મહિષાસુરની પ્રતિમા સ્થાપિત છે.
મહિષાસુર શહીદ દિવસનો વિવાદ
મહિષાસુરના શહીદ દિવસ અને તેની પૂજાને લઈને ઘણા વિવાદો થયા છે. મહિષાસુરને પણ ઘણી વખત રાજકારણમાં ખેંચવામાં આવ્યા છે. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં મહિષાસુર શહીદ દિવસનું અનેકવાર આયોજન કરવામાં આવ્યું છે, જે ૨૦૧૧થી ચાલુ છે. ૨૦૦૮માં ઝારખંડના તત્કાલીન મુખ્યમંત્રી શિબુ સોરેને દશેરાના અવસર પર રાવણ દહન કાર્યક્રમમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. રાંચીના મોરાબાદી મેદાનમાં રાવણ દહન કાર્યક્રમમાં તેમણે એમ કહીને ભાગ લીધો નહોતો કે રાવણ આદિવાસીઓના પૂર્વજ છે.
આદિવાસીઓમાં દાંસાય નૃત્ય કરવામાં આવે છે. દેવી દુર્ગાની પૂજાના વિરોધમાં આ નૃત્ય કરવામાં આવતું હોવાનું તેમના આગેવાનો કહે છે. સમુદાયના વીર પુરુષો સ્ત્રીઓની જેમ, ધોતી જેવી સાડી પહેરીને, સમૂહમાં સેરેંગ નામનું ગીત ગાય છે અને ભૂઆગ નામક ઢોલ જેવું વાદ્ય લઈને દાંસાય નૃત્ય કરે છે.