ભારતીય મહિલા ક્રિકેટરોએ વર્લ્ડ કપ પહેલાં જ કરી દીધી શુભ શરૂઆત…
દુબઈ: યુએઇમાં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ રમવા આવેલી ભારતની મહિલા ટીમે રવિવારે પ્રથમ વૉર્મ-અપ મૅચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવીને પ્રવાસની શુભ શરૂઆત કરી હતી.
ભારતીય ટીમે બૅટિંગ મળ્યા પછી જેમાઈમા રૉડ્રિગ્સ (52 રન, 40 બૉલ, 5 ફોર) અને યસ્તિકા ભાટિયા (24 રન, 25 બૉલ, 1 સિક્સર, 1 ફોર)ના યોગદાનોની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટે 141 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝની ઑફ સ્પિનર હૅલી મૅથ્યૂઝે ચાર વિકેટ લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ શિનેલ હેન્રી (59 અણનમ, 48 બૉલ, બે સિક્સર, છ ફોર)ની હાફ સેન્ચુરી છતાં 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન બનાવી શકી હતી.
પેસ બોલર પૂજા વસ્ત્રાકરે ત્રણ વિકેટ અને સ્પિનર દીપ્તિ શર્માએ બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ રેણુકા સિંહ, રાધા યાદવ અને આશા શોભનાને મળી હતી.
આ વોર્મ-અપ મૅચ હોવાથી બંને ટીમે 15-15 ખેલાડીઓને રમાડી હતી. જોકે બૅટિંગ અને ફીલ્ડિંગ માત્ર 11-11 ખેલાડીએ જ કરી હતી.
ભારતની બીજી વૉર્મ-અપ મૅચ આવતીકાલે (મંગળવારે) સાંજે 7:30 વાગ્યાથી સાઉથ આફ્રિકા સામે રમાશે.
ટી-20 વર્લ્ડ કપ ગુરૂવાર, 3 ઓક્ટોબરે શરૂ થશે. એમાં ભારતની પ્રથમ મૅચ શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે રમાશે અને ત્યાર બાદ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.
અન્ય કેટલીક વૉર્મ-અપ મૅચમાં પાકિસ્તાનનો સ્કૉટલૅન્ડ સામે આઠ વિકેટે, શ્રીલંકા સામે બાંગ્લાદેશનો 33 રનથી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લલૅન્ડનો 33 રનથી, અને ન્યૂ ઝીલૅન્ડ સામે સાઉથ આફ્રિકાનો આઠ વિકેટે પરાજય થયો હતો.
Also Read –