આપણું ગુજરાત

મોહનથાળના પ્રસાદમાં વપરાયેલ ઘીનો વિવાદ ઠારવા ઇલાજ

અંબાજી મંદિરનું ભોગનું સર્ટિફિકેશન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અંબાજી મંદિરના ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળના પ્રસાદ માટે વપરાતા ભેળસેળયુક્ત ઘીનો વિવાદ ચાલે છે ત્યારે અંબાજી મંદિર ખાતે પધારનાર ભાવિક ભક્તોને શુદ્ધ, સલામત અને સાત્ત્વિક ભોજન અને પ્રસાદી મળી રહે તે માટે મંદિર પરિસરનું પણ ભોગ સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે. રાજ્યના મોટા ધાર્મિક સ્થળોનું એફએસએસએઆઇ-નવી દિલ્હી દ્વારા માન્ય સ્વતંત્ર એજન્સી દ્વારા કુલ 47 મંદિર પરિસરનું ટે્રનિંગ અને ઑડિટ કરાવવામાં આવ્યું હતું અને તેમને બ્લીસફુલ હાઇજેનિક ઓફરિંગ ઓફરિંગ ટૂ ગોડ (ભોગ) સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે, જેમાં અંબાજી મંદિર ખાતે પધારનાર ભાવી ભક્તોને શુદ્ધ, સલામત અને સાત્ત્વિક ભોજન અને પ્રસાદી મળી રહે તે માટે મંદિર પરિસરનું પણ ભોગ સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે.

મેળા દરમિયાન પ્રસાદી બનાવનાર મે. મોહિની કેટરર્સની તપાસ કરતા રૂ. 8 લાખની કિમતનો 2820 કિ.ગ્રા. ભેળસેળળયુક્ત ઘીનો જથ્થો તા.28મી ઑગસ્ટના રોજ જપ્ત કરાયો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતુ કે, અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભાવિક ભક્તોને ગુણવત્તાયુક્ત પ્રસાદ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા મે. મોહિની કેટરર્સની રૂબરૂ મુલાકાત લઇ તપાસ કરી હતી. શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદી બનાવવાનો કોન્ટ્રાકટ મે. મોહિની કેટરર્સને આપવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન પ્રસાદીમાં બનાવવા ઉપયોગમાં લેવાનાર ખાદ્ય ઘી પર શંકા જણાતા તેનું સ્થળ પર જ મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે યોગ્ય ન જણાતા રૂ. 8 લાખની કિમતનો 2820 કિ.ગ્રા. ઘીનો ભેળશેળવાળો જથ્થો તા.28મી ઑગસ્ટના રોજ જપ્ત કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મે. મોહિની કેટરર્સ ના જવાબદાર આલોક અમરસિંહ ઝઝારીયા પાસેથી ભાદરવી પૂનમના મેળા પૂર્વે ઘીના બે લીગલ નમૂનાઓ લેવાયા હતા. આ બંને નમૂના અમૂલ ઘીના નામે ભળતા મે. મોહીની કેટરર્સ દ્વારા લોભ લાલચમાં આવીને ખરીદ કરવામાં આવ્યું હતું. આ ઘી ઉપયોગમાં ન લેવાય તે માટે તમામ જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરાયો છે. આ બાબતની અંબાજી મંદિરના ટ્રસ્ટને તાત્કાલિક ધ્યાન દોરતા ટ્રસ્ટ દ્વારા બનાસ ડેરીમાંથી પ્રસાદી માટેનું શુદ્ધ ઘી પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, તપાસ દરમિયાન અંદાજે રૂ. 8 લાખની કિમતના 15 કિ.ગ્રા.ના કુલ 188 ટીનમાંથી 2820 કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો અને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ સબ સ્ટાન્ડર્ડ આવતા મે. મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે કોર્ટ કાર્યવાહી ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button