વેપાર

નિફ્ટી માટે ટૂંકાગાળાનો લક્ષ્યાંક ૨૬,૫૦૦: મામૂલી અવરોધો વટાવતો આખલો સહેજ પોરો ખાઇને આગળ વધવા પ્રયાસ કરશે

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારમાં એકધારી તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને બેન્ચમાર્કે સતત ત્રીજા સપ્તાહમાં આગેકૂચ જાળવી રાખી છે. આ સપ્તાહે ઊંચા વેલ્યુએશન અને મધ્યપૂર્વની ભૂરાજકીય તંગદીલી વચ્ચે સહેજ રૂકાવટ વચ્ચે પણ કોન્સોલિડેશનનો તબક્કો વટાવીને બજાર આગેકૂચ જાળવી રાખે એવી સંભાવના છે. સાપ્તાહિક ધોરણે માત્ર એફએમસીજી ઈન્ડેક્સ નીચી સપાટીએ ગબડ્યો હતો, જ્યારે મેટલ શેરો સૌથી અધિક વધ્યા હતા. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૪૭૮.૪૧ લાખ કરોડ રહ્યું હતું, જે ૨૦ સપ્ટેમ્બરના શુક્રવારના અંતે રૂ. ૪૭૧.૭૧ લાખ કરોડ હતું. આમ બીએસઇ પર લિસ્ટેડ કુલ શેરોના માર્કેટ કેપિટલમાં રૂ. ૬.૭ લાખ કરોડનો વધારો નોંધાયો હતો.

ઓટો, ઓઇલ એન્ડ ગેસ, મેટલ અને ફાર્મા શેરોમાં તેજીને ટેકો મળતા એફઆઇઆઇના વેચાણના કેટલાક દબાણ છતાં દલાલ સ્ટ્રીટ પર તેજીવાળાની પકકડ મજબૂત રહેતાં શેરબજારે સમીક્ષા હેઠળના સપ્તાહમાં આગેકૂચ જારી રાખી હતી. તેજીના કારણોમાં વિદેશી ફંડોના મજબૂત આંતરપ્રવાહ, ક્રૂડ ઓઇલન ભાવના ઘટાડા, અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા નોંધપાત્ર રેટ કટ અને ચીનના ઇકોનોમિક સ્ટિમ્યુલસનો પણ સમાવેશ છે.

બજારના નિષ્ણાતોના મતે, પ્રોડકશન અને સવિઇસસ પીએમઆઇ ડેટા, ઓટો વેચાણના માસિક આંકડા, યુએસ જોબ ડેટા અને આગામી સપ્તાહમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના ભાષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સંભવિત એકત્રીકરણ વચ્ચે એકંદર સેન્ટિમેન્ટ સકારાત્મક રહી શકે છે.

સમીક્ષા હેટળના સપ્તાહમાં નિફ્ટી ૫૦ ૨૬,૦૦૦ની ઉપર ટકી રહ્યો હતો અને ૩૮૮ પોઈન્ટ અથવા ૧.૫ ટકા વધીને ૨૬,૧૭૯ની નવી બંધ સપાટીએ પહોંચ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ ૧,૦૨૮ પોઈન્ટ અથવા ૧.૨ ટકા વધીને ૨૬,૧૭૯ની નવી વિક્રમી બંધ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ માત્ર ૦.૩ ટકા વધવા સાથે અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ અડધા ટકાના ઘટાડા સાથે, વ્યાપક બજારોએ બેન્ચમાર્ક સામે નબળું પ્રદર્શન જારી રાખ્યું હતું.

ટેક્નિકલ નિષ્ણાતો અનુસાર નવી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ થાક ખાવા માટે વિરામના સંકેતો દર્શાવે છે. દૈનિક ચાર્ટ પર સ્મોલ બેરિશ કેન્ડલની રચના થોડા સત્રો માટે રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગમાં સંભવિત શિફ્ટ સૂચવે છે, જે અગાઉના બજારચક્રમાં જોવા મળેલી પેટર્ન છે. જો કે, આ કોન્સોલિડેશન કામચલાઉ રહેવાની ધારણા છે, નજીકના ભવિષ્યમાં વધુ એક અપવર્ડ બ્રેકઆઉટની શક્યતા છે. નિફ્ટી વધતી ચેનલ બ્રેકઆઉટ ઉપર સાપ્તાહિક બંધ સાથે મજબૂતી દર્શાવે છે. ટૂંકા ગાળામાં નિફ્ટી ૨૬,૫૦૦ સુધી આગળ વધી શકે છે.

ક્ષેત્રીય મોરચે, રોકાણકારોનું ધ્યાન આઇટી અને બેંકિંગ સ્પેસ તરફ વળી શકે છે કારણ કે કંપનીઓ આ અઠવાડિયે તેમના પ્રી-ક્વાર્ટરલી અપડેટ્સ બહાર પાડશે. દરમિયાન બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે.

વૈશ્ર્વિક સ્તરે રોકાણકારો ખાસ કરીને સપ્ટેમ્બરની બેઠકમાં નોંધપાત્ર ૫૦ બેસિસ રેટ કટ પછી, યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના ૩૦ સપ્ટેમ્બરના રોજના ભાષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત અમેરિકાના માસિક જોબ ઓપનિંગ્સ અને ક્વિટ્સ, બેરોજગારી દર, નોન-ફાર્મ પેરોલ્સ, વાહનોનું વેચાણ અને યુએસમાંથી ફેક્ટરી ઓર્ડર ડેટા પર પણ રોકાણકારોની નજર રહેશે. સ્થાનિક મોરચે, ઓગસ્ટ માટે રાજકોષીય ખાધ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા અને ૨૦૨૪ ના જૂન ક્વાર્ટર માટે કરંટ આકાઉન્ટ અને એક્સટર્નલ ડેટના આંકડા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે તમામ ૩૦ સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત છે. વધુમાં, મેન્યુફેકચરિંગ અને સર્વિસીસ પીએમઆઇના સપ્ટેમ્બર ડેટા અનુક્રમે ૧ ઓક્ટોબર અને ૪ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

એફઆઈઆઈએ છેલ્લા સપ્તાહ દરમિયાન કેશ સેગમેન્ટમાં રૂ. ૩,૯૩૩ કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં રૂ. ૨૨,૪૦૪ કરોડના ખરીદદારો રહ્યા હતા, જ્યારે સપ્તાહમાં ડીઆઈઆઈ પાસેથી રૂ. ૧૫,૯૬૨ કરોડની જંગી ખરીદી થઈ હતી. મહિના માટે કુલ પ્રવાહ રૂ. ૨૪,૨૧૨ કરોડ થયો છે.

પ્રાથમિક બજારના મોરચે, માનબા ફાઇનાન્સ અને કેઆરએન હીટ એક્સ્ચેન્જરનું લિસ્ટિંગ થશે. ટેક્સટાઇલ ક્ષેત્રની પેરામાઉન્ટ ડાઇ ટેક આજે મૂડી બજારમાં પ્રવેશ કરશે, પ્રાઇસ બેન્ડ રૂ. ૧૧૧થી રૂ. ૧૧૭ છે. ભરણું ત્રીજી ઓકટોબરે બંધ થશે. કંપની વેસ્ટ સિન્થેટિક ફાઇબરમાંથી યાર્નનું ઉત્પાદન કરે છે. લિસ્ટિંગ આઠમીએ થવાની સંભાવના છે. એ જ રીતે, ક્રાફ્ટ પેપર અને ડુપ્લેક્સ બોર્ડનું ઉત્પાદન કરતી સુબમ પેપર્સ પણ આજે મૂડીબજારમાં ભરણું લાવી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૪૪થી રૂ.૧૫૨ પ્રતિ શેર છે. શેરની ફાળવણી શુક્રવારે અને લિસ્ટિંગ આઠમીએ થશે. જ્યારે ડિફ્યુઝન એન્જિનિયર્સ, સાજ હોટેલ્સના ભરણાં બંધ થશે.

ટોચના માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ભારતીય બેન્ચમાર્ક્સે સપ્તાહ માટે ૧.૭ ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે સતત ત્રીજી સાપ્તાહિક આગેકૂચને રેખાંકિત કરે છે. આ વલણ પાછલા સપ્તાહના યુએસ રેટ કટ દ્વારા નોંધપાત્ર રીતે પ્રભાવિત થયું હતું. બજારે ફેડરલ રિઝર્વના રેટ કટ અને સ્થિર આર્થિક ડેટા પોઈન્ટ્સને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો, જેણે તેજીને વેગ આપ્યો હતો.

આ ઉપરાંત, ચીનના ઇકોનોમિક સ્ટિમ્યુલસની જાહેરાતે રોકાણકારોના વિશ્ર્વાસમાં વધારો કર્યો છે, જેના પરિણામે વૈશ્ર્વિક બજારોમાં ખાસ કરીને મેટલ્સ અને કોમોડિટી સંબંધિત શેરોએ સારો દેખાવ કર્યો છે, જ્યારે આઇટી અને એક્સપોર્ટ કંપનીના શેરોમાં વધારો થયો છે. ઓઇલ સહિતની કોમોડિટીના નરમ ભાવો સ્થાનિક અર્થતંત્ર માટે અનુકૂળ છે અને સરકારી ખર્ચના વધારાને કારણે કોર્પોરેટ કમાણીમાં સુધારાની અપેક્ષા છે.

એક નોંધપાત્ર બાબત એ છે કે આ રેલીનું નેતૃત્વ મુખ્યત્વે લાર્જ કેપ શેરો દ્વારા કરવામાં આવ્યું હતું, જે મિડ અને સ્મોલ કેપ્સની તુલનામાં પ્રમાણમાં વાજબી મૂલ્ય ધરાવે છે. તેજી માટેનું જોખમ વુ પડતા ઊંચા વેલ્યુએશનમાં છે. ચીન જેવા આકર્ષક વેલ્યુએશનને જોતાં, વિદેશી ફંડો પૂર્વ એશિયન દેશોની બજાર તરફ ફંટાઇ શકે છે. આગળ જતાં રોકાણકારો કમાણી આઉટલૂકમાં સુધારાની અપેક્ષા સાથે બીજા ક્વાર્ટરના કોર્પોરેટ પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

દરમિયાન, નાણા મંત્રાલયે વૈશ્ર્વિક શેરબજારોમાં સંભવિત કરેક્શન અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિભાગે ચેતવણી આપી છે કે શેરબજારમાં આવેલા એકતરફી બુલ રન અને સૌથી મહત્વનું કે ઓવરવેલ્યુએશનને કારણે આગામી સમયમાં બજારોમાં કડાકો આવી શકે છે અને આ કરેક્શનની અસર સમગ્ર વિશ્ર્વમાં જોવા મળી શકે છે. નાણા મંત્રાલયે ઓગસ્ટની માસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું છે કે કેટલાક દેશોમાં તાજેતરની મોનિટરી પોલિસી સંબંધિત જાહેરાતોને કારણે શેરબજારમાં તેજી છે અને હવે કરેક્શનની શક્યતા વધી ગઈ છે.

બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૪૯ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૩૮ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૧.૨ ટકા, બીએસઈ મિડકેપ ૦.૬૭ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૦૨ ટકા વધ્યા હતા. આઈપીઓ ૦.૨૨ ટકા ઘટ્યો અને એસએમઈ આઈપીઓ ૩.૨૪ ટકા વધ્યો હતો.

સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર એફએમસીજી ઈન્ડેક્સ ૦.૨૨ ટકા ઘટ્યો હતો, જ્યારે અન્ય બધા ઈન્ડેક્સ વધ્યા હતા, જેમાં મેટલ ૭.૧૧ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૫.૮૬ ટકા, ઓટો ૪.૩૪ ટકા, પાવર ૨.૪૪ ટકા, ઈન્ફ્રા ૧.૬૧ ટકા, રિયલ્ટી ૧.૫૫ ટકા, હેલ્થકેર ૦.૬૮ ટકા, ટેક ૦.૬૧ ટકા કેપિટલ ગુડ્સ ૦.૪૫ ટકા, બેન્કેક્સ ૦.૩૨ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૧૫ ટકા અને ઈન્ફોર્મેશન ટેક્નો લોજી ૦.૧૩ ટકા વધ્યા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા પાંચ શેરોમાં ટાટા સ્ટીલ ૮.૬૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૭.૨૨, મારુતિ ૬.૫૨ ટકા, બજાજ ફિનસર્વ ૪.૬૬ અને સન ફાર્મા ૪.૨૮ ટકા વધ્યા હતા. જ્યારે સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૫૮ ટકા, લાર્સન ૨.૪૨ ટકા, કોટક બેન્ક ૧.૭૬ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૧૫ ટકા અને ટેક મહિન્દ્ર ૦.૭૭ ટકા ગબડ્યા હતા.

એ ગ્રુપની ૭૨૮ કંપનીઓમાં ૩૭૮ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૩૪૯ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને એકનો સ્થિર રહ્યો હતો. બી ગ્રુપની ૧,૦૭૯ કંપનીઓમાંથી ૫૨૦ વધી હતી, ૫૫૫ ઘટી અને ચાર સ્થિર રહી હતી. સેન્સેક્સમાંની ૨૪ સ્ક્રિપ્સ વધી હતી અને છ ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૭૬ સ્ક્રિપ્સ વધી હતી અને ૨૪ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૧૩૮ સ્ક્રિપ્સ વધી અને ૬૨ ઘટી હતી, મિડકેપમાંની ૧૩૨ સ્ક્રિપ્સમાંથી ૮૫ વધી, ૪૭ ઘટી હતી.

સ્મોલ કેપમાંની ૯૫૦ સ્ક્રિપ્સમાંથી ૩૯૫ વધી હતી, ૫૫૪ ઘટી હતી અને એક સ્થિર રહી હતી. સપ્તાહ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની (ડીઆઈઆઈ) રૂ.૧૧,૫૩૪.૬૩ કરોડની અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઈઆઈ) રૂ.૧૦,૧૩૧.૨૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button