આપણું ગુજરાત

ગુજરાતનાં ચાર શહેર પરથી આતંકી ઘાત ટળી: દિલ્હીથી પકડાયેલા આતંકીઓની તપાસ જારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત આઈએસઆઈએસના નિશાન પર હોવાનો ચોંકાવનારો ખુલાસો દિલ્હીથી પકડાયેલા આતંકવાદીએ કર્યો હતો. તેઓ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરમાં આઈઈડી બ્લાસ્ટ કરવા માગતા હતા. અયોધ્યાથી લઈ મુંબઈ સુધી આતંકી હુમલાનું તેમનું પ્લાનિંગ હતું. આઈએસઆઈએસના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્હીમાં ધરપકડ બાદ ખબર પડી કે ગુજરાતનાં વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા. આતંકીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં હુમલા માટે રેકી પણ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં પકડાયેલા આઈએસઆઈએસના આતંકીઓનું ગુજરાત કનેક્શન તપાસમાં બહાર આવ્યા બાદ એટીએસ સતર્ક થઈ છે. ગુજરાત એટીએસની એક ટીમ દિલ્હી પહોંચી હતી અને ઝડપાયેલા આતંકીઓની ગુજરાત એટીએસની ટીમ પૂછપરછ પણ કરશે. જો કે આ આતંકીઓની અત્યાર સુધીની પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો હતો કે, ગુજરાતનાં મોટા શહેરોમાં નેતાઓની ગતિવિધિઓની આ આતંકીઓએ રેકી કરી હતી અને કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાના પ્રયાસમાં હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જે ત્રણ આતંકીઓની ધરપડક કરી હતી, તેની પૂછપરછમાં ખુલાસો થયો હતો. શાહનવાઝ નામના આતંકીએ જણાવ્યું હતું કે, તેણે અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ, ગાંધીનગરમાં મોટા નેતાઓના રૂટની રેકી કરી હતી. જેનાથી આઈઈડી બ્લાસ્ટ કરાવીને તેમની હત્યા કરાવી શકાય. આ આતંકીઓ અક્ષરધામ હુમલાના આરોપી ફરતુલ્લાહ ગોરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલના સંપર્કમાં હતા. અને એમના આદેશ પર મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં ગાંધીનગર અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલામાં ગોરી સામેલ હતો. 2002માં જ ગોરીએ હૈદરાબાદમાં એટીએસ ઓફિસમાં આત્માઘાતી હુમલો કરાવ્યો હતો. હૈદરાબાદમાં રહેતો ફરતુલ્લાહ ગોરી ભારતથી ફરાર થઈને પાકિસ્તાનમાં છુપાયો હતો. ભારતે ગોરીને આતંકી ઘોષિત કર્યો છે. સોમવારે ધરપકડ કરવામાં આવેલા ત્રણ આતંકીઓએ એન્જિનિયરિગમાં સ્નાતક પૂર્ણ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button