આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ દેશમાં અગ્રેસર: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પુણેનો ચોમેરથી વિકાસ થઈ રહ્યો છે અને આ વિકાસને માટે રાજ્યસરકાર માળખાકીય સેવા વિકસાવવા માટે કટિબદ્ધ છે એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારની મદદથી વિવિધ પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આજે રાજ્યમાં વિવિધ ઉદ્યોગો આવી રહ્યા છે અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર સહકાર આપી રહી છે. આખા દેશમાં આવેલા કુલ વિદેશી સીધા રોકાણમાંથી બાવન ટકા વિદેશી મૂડીરોકાણ સાથે મહારાષ્ટ્ર નંબર વન રાજ્ય બની ગયું છે. વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ સાહસિકો રાજ્ય તરફ આકર્ષાય છે અને ઉદ્યોગને વેગ આપે છે. અમારું રાજ્ય પણ ઉદ્યોગને અનુકૂળ બન્યું છે અને મહારાષ્ટ્ર ઉદ્યોગ અને માળખાકીય સુવિધાઓની દ્રષ્ટિએ દેશમાં અગ્રેસર બન્યું છે.

પુરંદર એરપોર્ટ માટે વહેલી તકે જમીન સંપાદિત કરવામાં આવશે અને ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. આ અંગેની સમસ્યાઓ દૂર કરવા માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલયની સંયુક્ત બેઠક યોજવામાં આવશે, આગામી સમયમાં પુરંદર એરપોર્ટનું કામ શરૂ થાય તે માટે રાજ્ય સરકાર વતી પ્રયાસો કરવામાં આવશે.

ભીડેવાડા ખાતે ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલેની પ્રથમ ક્ધયા શાળાના સ્મારક માટે રાજ્ય સરકારે પહેલ કરી છે અને અહીં એક ઐતિહાસિક સ્મારક બનાવવામાં આવી રહ્યું છે, એમ પણ શિંદેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : મને શું મળશે એની ચિંતા કરતો નથી: એકનાથ શિંદે…

રાજ્ય સરકાર વતી જન કલ્યાણકારી યોજનાઓ જેવી કે મુખ્યમંત્રી લાડકી બહેન યોજના, મુખ્યમંત્રી વયોશ્રી યોજના, મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના, મુખ્યમંત્રી કાર્ય તાલીમ યોજના વગેરે સામાન્ય નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે શરૂ કરવામાં આવી છે અને જેનો લાભ નાગરિકોને આપવામાં આવી રહ્યો છે, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી લાડકી બહેન યોજના હેઠળ 1.90 કરોડ મહિલાઓને લાભ મળ્યો છે, જેના માટે એક વર્ષ માટે ભંડોળની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના હેઠળ રાજ્યની પ્રથમ ટ્રેન કોલ્હાપુરથી અયોધ્યા માટે શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં પૂણેથી પણ ચાલુ કરવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે એમ તેમણે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના વિરોધ પક્ષો પર દરેક મુદ્દા પર બેવડું વલણ અપનાવવાનો આરોપ કરતાં જણાવ્યું હતું કે વડા પ્રધાનનો કાર્યક્રમ મોડો થયો તેની પાછળ રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદનું કારણ હતું, પરંતુ વિપક્ષે મેટ્રો ચાલુ કરી દેવાની ચિમકીઓ ઉચ્ચારી હતી. આવી જ રીતે અક્ષય શિંદેના કેસમાં પણ તેમણે બેવડાં વલણ અપનાવ્યા હતા. જે લોકોએ વિકાસના નામે મેટ્રોનો એક થાંભલો નથી નાખ્યો તેઓ વડા પ્રધાનની ટીકા કરી રહ્યા છે, એમ એકનાથ શિંદેએ પુણેમાં કહ્યું હતું.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુણેની મુલાકાત વરસાદના કારણે રદ કરવામાં આવી હતી, જે બાદ મહાવિકાસ આઘાડીએ વિરોધ પ્રદર્શન કરી સત્તાધારી પક્ષની ટીકા કરી હતી. આ મુદ્દાને પકડીને કાર્યક્રમમાં બોલતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિવિધ વિષયો પર વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ અવસરે શિંદેએ બદલાપુર કેસના આરોપી અક્ષય શિંદેના પોલીસ એન્કાઉન્ટરમાં મોત પર વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલી ટીકાનો આકરો જવાબ આપ્યો હતો. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘આરોપી ગોળીબાર કરે છે, તો શું પોલીસે તેમની બંદૂકો પ્રદર્શનમાં રાખવી જોઈએ?’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button