દક્ષિણ મુંબઈના ક્લાસીસમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મથી ખળભળાટ: ત્રણ શિક્ષકની ધરપકડ
કાઉન્સેલિંગ દરમિયાન કિશોરીએ આપવીતી જણાવી: એક આરોપી વિદ્યાર્થિનીને વયસ્કો માટેની ફિલ્મ દેખાડવા થિયેટરમાં પણ લઈ ગયો હતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બદલાપુરની ખાનગી શાળામાં બે બાળકી સાથે સફાઈ કર્મચારીએ કુકર્મ ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં દક્ષિણ મુંબઈમાં શિક્ષકના દરજ્જાને કલંક લગાડવાની ઘટના પ્રકાશમાં આવી હતી. નવમા ધોરણની વિદ્યાર્થિની સાથે ક્લાસીસમાં જ અશ્ર્લીલ ચેનચાળા સાથે કથિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તો એક આરોપી વિદ્યાર્થિનીને વયસ્કો માટેની ફિલ્મ દેખાડવા થિયેટરમાં પણ લઈ ગયો હતો. કાઉન્સેલિંગ દરમિયાન કિશોરીએ આપવીતી જણાવતાં પોલીસે ક્લાસીસ ચલાવતા ત્રણેય શિક્ષકની ધરપકડ કરી હતી.
એલ. ટી. માર્ગ પોલીસે આ પ્રકરણે શનિવારે ગુનો નોંધી આરોપી ભાઈઓ ગૌતમ રાજપુરોહિત અને તરુણ રાજપુરોહિતની ધરપકડ કરી હતી. કોર્ટે બન્ને આરોપીને 30 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. દક્ષિણ મુંબઈમાં ક્લાસીસ ચલાવતા બન્ને આરોપીનો ભાઈ સત્યરાજ રાજપુરોહિત વડીલો સાથે કુલુ-મનાલી ફરવા ગયો હતો. રવિવારે તેને પણ તાબામાં લેવાયો હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર દુરાચારનું આ પ્રકરણ લગભગ વર્ષ સુધી ચાલ્યું હતું. 16 વર્ષની કિશોરીનાં માતા-પિતા અલગ થયા પછી કિશોરી માતા સાથે મધ્ય મુંબઈમાં રહે છે અને 10મા ધોરણમાં ભણે છે. છેલ્લા કેટલાક મહિનાથી વિદ્યાર્થિનીના વર્તનમાં બદલાવ જણાતાં માતાએ તેને કાઉન્સેલિંગ માટે એક ખાનગી સંસ્થામાં મોકલી હતી. કાઉન્સેલિંગ દરમિયાન પણ ચૂપચાપ રહેતી કિશોરીએ તેની સાથે બનેલી ઘટનાની કોઈને જાણ કરી નહોતી.
માતા-પિતા અલગ થયાં અને છેલ્લી ઘડીએ શાળા બદલવામાં આવી તેનાથી પુત્રી માનસિક રીતે ભાંગી પડી હોવાનું શરૂઆતમાં માતાને લાગ્યું હતું. જોકે બાદમાં માતાએ જ કાઉન્સેલિંગ કરનારી મહિલાને વિદ્યાર્થિની સતત કોઈની સાથે વ્હૉટ્સઍપ પર ચૅટિંગ કરતી હોવાની વાત કરી હતી. કાઉન્સેલરે વિશ્ર્વાસમાં લઈ વિદ્યાર્થિનીને પૂછતાં આખરે તેણે આપવીતી જણાવી હતી.
વિદ્યાર્થિની નવમા ધોરણમાં હતી ત્યારે દક્ષિણ મુંબઈમાં રહેતી હતી અને નજીકના જ ખાનગી ક્લાસીસમાં જતી હતી. 2022થી ડિસેમ્બર, 2023 દરમિયાન આ ક્લાસીસમાં વિદ્યાર્થિની સાથે કુકર્મ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીને રજાને દિવસે પણ ક્લાસીસમાં બોલાવવામાં આવતી. ક્લાસીસના સમય પહેલાં અને પછી પણ તેને બેસાડી રાખવામાં આવતી. પછી તેની સાથે અશ્ર્લીલ ચેનચાળા કરી ક્લાસીસ ચલાવનારા આરોપી શિક્ષણ દ્વારા કથિત દુષ્કર્મ કરવામાં આવતું હતું.
આ પ્રકરણે કાઉન્સેલરે કિશોરીની માતાને જાણ કરી હતી. કહેવાય છે કે આ મામલે એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ગુનો એલ. ટી. માર્ગ પોલીસની હદમાં બન્યો હોવાથી કેસ ત્યાં ટ્રાન્સફર કરાયો હતો. પોલીસ આ પ્રકરણે વધુ તપાસ કરી રહી છે.