ઈલેક્ટ્રોનનો અભ્યાસ કરનારા ત્રણ વૈજ્ઞાનિકને ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર
સ્ટોકહોમ: ઈલેક્ટ્રોન્સનો અભ્યાસ કરનારા ત્રણ વૈજ્ઞાનિકને મંગળવારે ફિઝિક્સના નોબેલ પુરસ્કાર વિજેતા જાહેર કરાયા હતા. અમેરિકાની ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના પિપરે એગોસ્ટીિની, જર્મનીના મ્યુનિકના મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્વોન્ટમ ઓપટિક્સના ફેરેન્ક ક્રોઉઝ અને સ્વીડનના એન હુઈલિયરને અવૉર્ડ માટે પસંદ કરાયા છે. ઈલેક્ટ્રોન્સના વિશ્વમાં શોધખોળ કરવા વૈજ્ઞાનિકોને નવા ટુલ્સ આપવામાં આ ત્રણ વૈજ્ઞાનિકના પ્રયોગોએ ભૂમિકા ભજવી છે તેવું રોયલ સ્વીડિશ અકાડેમી ઑફ સાયન્સિસે અત્રે કહ્યું હતું.
ઈલેક્ટ્રોન્સની ગતિશીલતા અથવા ઊર્જામાં બદલાવ લાવે તેવી ઝડપી પ્રક્રિયાને માપવા માટે લાઈટના એકદમ ટૂંકા પલ્સના સર્જન માટેનો માર્ગ આ વૈજ્ઞાનિકોએ દર્શાવ્યો છે તેવું અકાડેમીના નિવેદનમાં કહેવામાં આવ્યું
છે. આ વિજ્ઞાનના વ્યવહારુ ઉપયોગો હાલમાં નથી અને બ્રહ્માંડની આપણી સમજ વિકસાવવામાં ઉપયોગી છે પણ ભવિષ્યમાં ઈલેક્ટ્રોનિક્સની બહેતર સમજ વિકસાવવામાં અને રોગનું નિદાન કરવામાં ઉપયોગી નીવડશે.
ભૂતકાળમાં ફક્ત ચાર મહિલાને ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ મળ્યાં છે અને હુઈલિયર પાંચમાં મહિલા વૈજ્ઞાનિક છે જેમને આ સન્માન મળ્યું છે. સોમવારે મેડિકલનું મંગળવારે ફિઝિક્સના વિજેતા જાહેર થયા હતા અને ગુરુવારે સાહિત્યનું, શુક્રવારે પીસ પ્રાઈઝ અને સોમવારે ઈકોનોમિક્સનું નોબેલ પ્રાઈઝના વિજેતાનું નામ જાહેર થશે.
10 લાખ ડૉલરનું કેશ પ્રાઈઝ નોબેલ પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવે છે. 10મી ડિસેમ્બરે વિજેતાઓને એક સમારંભમાં અવૉર્ડ એનાયત કરવામાં આવશે. સ્વીડનના ઓસ્લો શહેરમાં પીસ પ્રાઈઝ અને સ્ટોકહોમમાં અન્ય ઈનામો આપવામાં આવશે.
ગયા વર્ષે ત્રણ વૈજ્ઞાનિકોને ફિઝિક્સ પ્રાઈઝ સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું. ટાઈની પાર્ટિકલ્સ છૂટા પાડવામાં આવે તે પછી પણ એકમેક સાથે કનેક્શન ધરાવે છે તેવું ત્રણ વૈજ્ઞાનિકે સાબિત કર્યું હતું.