અગાઉના શાસનની જૂની કાર્યપદ્ધતિ નાબૂદ કરી છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
પુણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘નગર વિકાસ માટે આયોજન અને દીર્ઘદ્રષ્ટિના અભાવ’ બદલ અગાઉની સરકારોની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પૂણે મેટ્રો પ્રોજેક્ટ ‘જૂની કાર્યપદ્ધતિ’ માં આગળ વધ્યો ન હોત એટલે જ તેને નાબૂદ કરી હતી.
આ પણ વાંચો :મેટ્રો-૩ના ૨૬ સ્ટેશનમાં ઍન્ટ્રી-ઍક્ઝિન, બસ-ટેક્સી-રિક્ષા સરળતાથી મળી એ માટે યોજના
વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રૂ. 11,200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતાં મોદીએ જણાવ્યું હતું કે પુણે મેટ્રોના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિથી શહેરમાં ઈઝ ઓફ લિવિંગમાં સુધારો થશે. મોદીએ કહ્યું હતું કે જો જૂની કાર્યપદ્ધતિ અને અગાઉની સરકારોનો અભિગમ પ્રબળ હોત તો પુણે મેટ્રો પ્રોજેક્ટ ક્યારેય શરૂ ન થયો હોત. મહારાષ્ટ્રને નવા ઠરાવો અને મોટા લક્ષ્યોની જરૂર છે, તેમણે ઉમેર્યું હતું કે પુણેને શહેરી વિકાસના કેન્દ્રમાં રૂપાંતરિત કરવાની જરૂર છે. વધતી વસ્તીને કારણે શહેરની ગતિ ધીમી ન પડવી જોઈએ, પરંતુ તેની ક્ષમતામાં વધારો થવો જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટને આધુનિક બનાવવામાં આવે અને કનેક્ટિવિટી સુધારવામાં આવે તો જ આવું થઈ શકે. આ મહાયુતિ સરકાર (મહારાષ્ટ્રમાં)નો અભિગમ છે, એમ તેમણે કહ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે પૂણેની આધુનિક જરૂરિયાતોને પૂરી કરવાનું કામ ઘણું વહેલું શરૂ થઈ જવું જોઈતું હતું. કમનસીબે અગાઉ નગર વિકાસ માટે દીર્ઘદ્રષ્ટિ અને આયોજનનો અભાવ હતો. પ્રત્યેક પ્રોજેક્ટમાં વિલંબની જૂની કાર્યપદ્ધતિને કારણે દેશ અને રાજ્યને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. પુણે મેટ્રો પ્રોજેક્ટની કલ્પના 2008માં કરવામાં આવી હતી, પરંતુ અમે 2016માં પાયો નાખ્યો હતો અને હવે તે વિસ્તરી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું. અગાઉની સરકાર આઠ વર્ષમાં મેટ્રો પ્રોજેક્ટનો એક પિલર પણ લગાવી શકી ન હતી, એમ તેમણે જણાવ્યું હતું.
વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂર છે અને જ્યારે તેમાં વિરામ આવે છે ત્યારે મહારાષ્ટ્ર ભોગવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મોદીએ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર કર્યા છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ પર આધારિત હોવું જોઈએ અને જ્યારે ભવિષ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય ત્યારે તેનો લાભ સમાજના દરેક વર્ગને મળવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
પુણેના ભીડેવાડા ખાતે ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલેની પ્રથમ ક્ધયા શાળા માટે સ્મારકનો શિલાન્યાસ કરનારા મોદીએ કહ્યું કે વારસાને જાળવી રાખવાની સાથે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ.
મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વારગેટથી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુધી પુણે મેટ્રોના અંડરગ્રાઉન્ડ સેક્શનના ઉદઘાટન ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. વિકસિત ભારતનું ‘શિખર’ હાંસલ કરવા માટે આપણે ઘણા તબક્કાઓ પાર કરવાના છે, એમ તેમણે કહ્યું હતું. મોદીએ આશરે રૂ. 2,955 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર પુણે મેટ્રો ફેઝ-1ના સ્વારગેટ-કાત્રજ એક્સ્ટેંશનનો શિલાન્યાસ પણ કર્યો હતો. લગભગ 5.46 કિમીનું આ દક્ષિણ વિસ્તાર માર્કેટ યાર્ડ, પદ્માવતી અને કાત્રજ નામના ત્રણ સ્ટેશનો સાથે સંપૂર્ણપણે ભૂગર્ભમાં છે. વડા પ્રધાને રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 7,855 એકર વિસ્તારને આવરી લેતી પરિવર્તનશીલ પ્રોજેક્ટ બિડકિન ઇન્ડસ્ટ્રિયલ એરિયાનું પણ ઉદ્ઘાટન કર્યું. તે છત્રપતિ સંભાજીનગરથી 20 કિમી દક્ષિણે આવેલું છે. દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ વિકસિત આ પ્રોજેક્ટ મરાઠવાડા ક્ષેત્રમાં વાઈબ્રન્ટ ઈકોનોમિક હબ તરીકે અપાર સંભાવનાઓ ધરાવે છે. કેન્દ્ર સરકારે ત્રણ તબક્કામાં વિકાસ માટે 6,400 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. મોદીએ સોલાપુર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું જે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે, સોલાપુરને પ્રવાસીઓ, વેપારી પ્રવાસીઓ અને રોકાણકારો માટે વધુ સુલભ બનાવશે. સોલાપુરના હાલના ટર્મિનલ બિલ્ડિંગને વાર્ષિક આશરે 4.1 લાખ મુસાફરોને સેવા આપવા માટે નવીકરણ કરવામાં આવ્યું છે. (પીટીઆઈ)