ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક પર પોલીસના દરોડા
નવી દિલ્હી: ચીન તરફી પ્રચાર માટે પૈસા મળ્યા હોવાના આરોપ બાદ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક અને તેના પત્રકારો સાથે જોડાયેલા 30 સ્થળે દરોડા પાડ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઉર્મિલેશ અને અભિસાર શર્મા સહિત કેટલાક પત્રકારોને પૂછપરછ માટે લોધી રોડ સ્પેશિયલ સેલની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જ તેમણે એકસ પર પોતાનો ફોન અને લેપટોપ જપ્ત કરાશે એવી બૂમરાણ મચાવી હતી.
પોલીસે તેમની વિદેશ યાત્રા, શાહીન બાગ વિરોધ, ખેડૂતોના વિરોધ અને અન્ય આંદોલન સંબંધિત પચીસ પ્રશ્નો તેમને પૂછયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થને ન્યૂઝક્લિક દક્ષિણ દિલ્હીની ઑફિસમાં લઈ જવામાં આવ્યા હતા. ફોરેન્સિક ટીમે ન્યૂઝક્લિકની દક્ષિણ દિલ્હીની ઓફિસમાં તપાસ કરી હતી.
આ વેબસાઈટ તાજેતરમાં અમેરિકી કરોડપતિ નેવિલ રોય સિંઘમ પાસેથી કથિત રીતે ભારતમાં ચીન તરફી પ્રચાર માટે નાણાં મેળવવા માટે હેડલાઈન્સમાં આવી હતી.
ભુવનેશ્વરમાં એક સભાને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે દેશમાં તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે અને કાયદા અનુસાર કામ કરે છે. જો કોઈએ કંઈક ખોટું કામ કર્યું હોય, તો તપાસ એજન્સીઓ તેના પર કામ કરે છે. ક્યાંય એવું લખ્યું નથી કે જો તમે ગેરકાયદેસર રીતે પૈસા મેળવ્યા હોય અથવા કંઈક વાંધાજનક કર્યું હોય, તો તપાસ એજન્સીઓ તેની તપાસ કરી ન શકે.
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સની તપાસને ટાંકીને, ઠાકુરે તાજેતરમાં દાવો કર્યો હતો કે ન્યૂઝક્લિકની તપાસ “ભારત વિરોધી એજન્ડા” જાહેર કરે છે.
પોલીસે ન્યૂઝક્લિકના કેટલાક પત્રકારોના લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
મંગળવારે વહેલી સવારે શરૂ થયેલા દરોડા ઑગસ્ટમાં કાયદાની અન્ય કલમો હેઠળ નોંધાયેલા કેસ પર આધારિત છે, જેમાં કલમ 153એ (બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને 120બી (ગુનાહિત ષડયંત્ર)નો સમાવેશ થાય છે.
અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેના ભંડોળના સ્ત્રોતોની તપાસ કરવા માટે ફર્મના પરિસરમાં દરોડા પાડ્યા હતા. ઇડી દ્વારા આપવામાં આવેલા ઇનપુટ્સના આધારે સ્પેશિયલ સેલે આ દરોડા પાડ્યા છે.
સ્પેશિયલ સેલે આતંકવાદ વિરોધી કાયદા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ નવો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.
જેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, એમાં ઈતિહાસકાર સોહેલ હાશ્મીનો પણ સમાવેશ થાય છે. તેની બહેન શબનમે એકસ પર એવો આરોપ લગાવ્યો હતો કે વહેલી સવારે દરોડો પાડનાર પોલીસે સોહેલની બે કલાક પૂછપરછ કરી હતી અને તેનું કોમ્પ્યુટર, ફોન, હાર્ડ ડિસ્ક અને ફ્લેશ ડ્રાઇવ જપ્ત કરી હતી.