Express ટ્રેનમાં રાજ ઠાકરેને આ બાળકે કહ્યું ‘જય મહારાષ્ટ્ર’, અને પછી…

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે પોતાના આક્રમક મિજાજ અને ગંભીર સ્વભાવ માટે ઓળખાય છે, પરંતુ હાલ તે આખા મહારાષ્ટ્રના પ્રવાસે છે અને વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે. આ દરમિયાન ટ્રેન પ્રવાસ વખતે એક બાળક સાથે તેમની મુલાકાત થઇ અને એ દરમિયાન રાજ ઠાકરેનો રમતિયાળ સ્વભાવ હોવાનું જાણવા મળ્યું, જ્યારે તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
રાજ ઠાકરે વિદર્ભની મુલાકાતે હતા ત્યારે અંબા એક્સ્પ્રેસમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે એક બાળકે તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાજ ઠાકરેએ પણ એ બાળકને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બાળક રાજ ઠાકરેને મળતાની સાથે જ તેને નમસ્તે કરે છે અને ત્યાર બાદ ‘જય મહારાષ્ટ્ર’નો નારો લગાવે છે. સામે રાજ ઠાકરે પણ તેને ‘જય મહારાષ્ટ્ર’નું અભિવાદન કરે છે અને પછી તેની સાથે ગમ્મત કરે છે.
બાળકનું ઉતરવાનું સ્ટેશન આવતા રાજ ઠાકરે તેને મૂકવા માટે ટ્રેનના દરવાજા સુધી પણ આવે છે અને એ દરમિયાન પણ બાળક હાથ ઊંચો કરીને રાજ ઠાકરેને ‘જય મહારાષ્ટ્ર’ કહે છે. સામે રાજ ઠાકરે પણ હાથ ઊંચો કરીને ‘જય મહારાષ્ટ્ર’નો નારો લગાવે છે.
આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની યુવા પાંખે પણ આ વીડિયો ટ્વીટ કર્યો છે. રાજ ઠાકરે પોતે પણ દાદા છે અને તેમના દીકરા અમિત ઠાકરેના પુત્ર સાથે ગમ્મત કરતા હોય છે. તે પોતાના દોહિત્ર સાથે કેવી રીતે ગમ્મત કરતા હશે તેની એક ઝલક આ વીડિયોમાં જોવા મળે છે. વિધાનસભાની ચૂંટણીમાં મનસે પણ ઝંપલાવવાની હોઇ રાજ ઠાકરે મહારાષ્ટ્ર પ્રવાસે છે અને મનસે આ વખતે કેટલી બેઠકો પોતાના નામે કરી શકે છે તેના પર બધાની નજર છે.