કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સામે FIR નોંધાઈ, કોંગ્રેસે રાજીનામું માંગ્યું
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રદ કરેલી ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ (Electoral Bond scheme) દ્વારા ગેરકાયદે વસૂલી કરવામાં આરોપોસર કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. બેંગલુરુ(Bengaluru)ની સ્પેશીયલ કોર્ટે FIR નોંધવા આદેશ આપ્યો હતો. જનઅધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અય્યરે નોંધાવેલી ફરિયાદમાં નિર્મલા સીતારમણ અને અન્ય કેટલાક લોકો પર ખંડણીનું રેકેટ ચલાવવાનો પણ આરોપ છે.
બેંગલુરુમાં નોંધાયેલી આ ફરિયાદમાં માત્ર નિર્મલા સીતારમણ જ નહીં પરંતુ કર્ણાટક ભાજપના નેતાઓ નરેન્દ્ર કુમાર અને બીવાય વિજયેન્દ્રનું નામ પણ સામેલ છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોર્પોરેટ સંસ્થાને હજારો કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવા દબાણ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસે BJP પ્રહારો શરૂ કર્યા છે, કોંગ્રેસે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણના રાજીનામાની માંગણી કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને અભિષેક સિંઘવીએ નાણાં પ્રધાનની કથિત સંડોવણીની નિંદા કરી અને રાજીનામાની માંગ કરી.
સિંઘવીએ જણાવ્યું કે, “નાણા પ્રધાન આ જાતે કરી શકે નહીં. અમે જાણીએ છીએ કે નંબર 1 અને નંબર 2 કોણ છે અને આ કોના નિર્દેશ પર કરવામાં આવ્યું હતું.”
ભાજપ આ કેસને રાજકીય ડ્રામા ગણાવી રહ્યું છે પરંતુ નિર્મલા સીતારમણ સામે ખંડણીના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં કરી દેવામાં આવી છે. જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આરોપી નંબર બે બનાવવામાં આવ્યું છે. કોર્ટે તિલક નગર પોલીસને શુક્રવારે આ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.
અરજદારે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ધાકધમકી અને ચૂંટણી બોન્ડ દ્વારા ઉઘરાણી કરવામાં આવી હતી.
આ મામલામાં આગામી સુનાવણી 10 ઓક્ટોબરે થશે.