ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

બગાસું ખાતા મોંમાં પતાસું આવી પડ્યું

સ્પોટ લાઈટ -મહેશ્વરી

એક નાની અમથી તિરાડ પ્રકાશના કિરણ માટે પૂરતી છે અંધારા ઓરડામાં પ્રવેશી એમાં ઉજાસ પાથરવા માટે. તિમિર (અંધકાર) સામેના સંગ્રામમાં પ્રકાશના માત્ર એક જ કિરણનું આયુધ વિજય અપાવી શકે છે એ ભાવનાનો જાણે કે મને સાક્ષાત્કાર થઈ રહ્યો હતો. સાવ કામ વિનાના બેઠા હોઈએ ત્યારે જાણે કે અંધકારમાં ઘેરાઈ ગયા હોય એવી પ્રતીતિ થતી હોય છે. હું પણ એવો જ અનુભવ કરી રહી હતી, પણ ટેલિવિઝન માટે ‘સંપત્તિ માટે’ નાટકમાં એક નાનકડો મળેલો રોલ મારા માટે અંધકાર સામેની લડાઈમાં એક અસરકારક હથિયાર સાબિત થયું.

પ્રતિકૂળ સંજોગો સામે લડવા માટે નવું બળ મળ્યું. મને આ નવી તક મળી પ્રભાકર કીર્તિ (રંગલાલ નાયક)ને કારણે અને પ્રભાકરનો એક અર્થ થાય છે સૂર્ય. મને વિનયકાંત દ્વિવેદી પાસે તેઓ લઈ ગયા એ બાબત મારા માટે સૂર્યના એક કિરણ જેવો સધિયારો સાબિત થઈ.

નર્સનો રોલ હતો નાનકડો, પણ મારા માટે તો ત્યારે જીવાદોરી બની આવ્યો હતો અને મેં નિષ્ઠાથી રિહર્સલ કર્યા. એક સમયે જે નાટકના પ્રહસન વિભાગમાં હું હિરોઈનનો રોલ કરતી હતી એમાં નાનકડો રોલ કરવામાં મેં કોઈ નાનપ ન અનુભવી. ઈશ્ર્વરનો પ્રસાદ મળે ત્યારે એ કેટલો છે એના પર આપણી નજર નથી હોતી. બલકે આપણા ભાગમાં પ્રસાદ આવ્યો એનો હરખ હોય છે. નર્સનો રોલ મળ્યાનો મને હરખ હતો.

એ દિવસ આવી પહોંચ્યો જ્યારે ‘સંપત્તિ માટે’ નાટકનું ટીવી માટે શૂટિંગ કરવાનું હતું. ઈષ્ટદેવનો મનોમન આભાર માની હું શૂટિંગ સ્થળે નિર્ધારિત સમય કરતા વહેલી પહોંચી ગઈ. ટાંટિયામાં હવે જોર આવી ગયું હતું. નક્કી કરેલા સમય સુધીમાં લગભગ બધા જ કલાકાર અને અન્ય સાથીઓ આવી ગયા હતા. હવે રાહ જોવાઈ રહી હતી મુખ્ય અભિનેત્રી મેઘના રોયની. ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા એમ વિનુભાઈનાહૃદયના ધબકારા પણ વધી રહ્યા હતા. એ સમયે મોબાઈલ જેવી કોઈ સગવડ પણ નહોતી કે ફટાક કરતાં પૂછી લેવાય કે ‘કેટલે પહોંચી? શૂટિંગમાં મોડું થાય છે’.

અંતે ધીરજ ખૂટી અને મેઘના રોય નહીં જ આવે એવું મન વિનુભાઈએ મનાવી લીધું. હવે કરવું શું? નાટકનો શો હોય તો કેન્સલ કરી શકાય, પણ ટેલિવિઝનનું શૂટિંગ તો અટકાવી ન શકાય. એ સમયે દૂરદર્શનમાં ગુજરાતી વિભાગમાં જ્યોતિ વ્યાસનો નિર્માત્રી તરીકે ભારે દબદબો હતો. બહુ કડક, કામ બાબતે કોઈ બાંધછોડ કરતાં નહીં. નાટકની મેઈન હિરોઈન જ નહીં આવવાથી બધા મૂંઝાઈ ગયા હતા, ઉદાસ ચહેરે બેઠા હતા. એવામાં જયંત વ્યાસ બોલ્યા કે ‘અરે, આ રોલ મહેશ્ર્વરી પાસે જ કરાવી લઈએ તો. થિયેટરમાં આ રોલ એ જ કરતી હતી. એટલે એને ડાયલોગ યાદ હશે અને મુવમેન્ટથી પણ વાકેફ હશે.

થોડું બ્રશ અપ કરી લઈશું તો સમય સચવાઈ જશે.’ અંતે એ રોલ મેં કર્યો અને નાટકનું શૂટિંગ સમયસર આટોપી લીધું.
આવી હતી નર્સનો એક મામૂલી રોલ કરવા અને કર્યો હિરોઈનનો મેઈન રોલ. આને શું કહેવાય? નસીબની બલિહારી, ઈશ્વરની કૃપા કે બીજી કોઈ ઉપમા પણ આપી શકાય. મારા માટે તો ‘બગાસું ખાતા મોંમાં પતાસું આવી પડ્યું’ જેવો ઘાટ થયો. આ રોલ મેં અનેકવાર ભજવ્યો હતો એટલે બહુ આસાનીથી હું એ પરફોર્મ કરી શકી હતી. શૂટિંગ પૂરું થયા પછી વિનુભાઈએ મને કહ્યું કે ‘શોના મહેનતાણા પેટે ચેક મળશે’. મારે પૈસાની તાત્કાલિક જરૂર હતી. એટલે મેં તેમને કહ્યું કે ‘ચેક તમે રાખી મને રોકડા આપી શકો તો સારું.’ એ વ્યવસ્થા થઈ ગઈ અને મારું ગાડું ધીરે ધીરે ગબડવા લાગ્યું.

ટીવીના શોનું રિહર્સલ ચર્ની રોડ સ્થિત ‘સાહિત્ય સંઘ મંદિર’માંચાલી રહ્યું હતું. દાદર સ્થિત શિવાજી નાટ્ય મંદિર અને ચર્નીરોડ સ્ટેશનની સાવ અડોઅડ આવેલું ‘સાહિત્ય સંઘ મંદિર’ મરાઠી નાટકોનાં બે ધબકતાં કેન્દ્ર. નાટ્ય સૃષ્ટિના મહારથીઓ અહીં નાટકો ભજવે. ‘સાહિત્ય સંઘ’માં મારી મુલાકાત થઈ જયંત સાવરકર નામના મરાઠી નાટકો અને ફિલ્મોના એ સમયના ઊંચા ગજાના કલાકાર સાથે. ‘એક ચ પ્યાલા’ તેમજ ‘ટિળક આણી આગરકર’ તેમના ગાજેલાં નાટકો. એક દિવસ રિહર્સલ શરૂ કરતા પહેલા જયંત ભાઉની ઓફિસમાં દાણો ચાંપી જોવા ગઈ અને તેમને કહ્યું કે ‘મરાઠી નાટકમાં કામ કરવાની તક મળે? મારે કામની બહુ જ જરૂર છે.’

મારા નાટ્ય પ્રવાસની અને મરાઠી નાટકોમાં મેં જે કામ કર્યું હતું એ જાણી લઈ તરત દાદરના શિવાજી મંદિરમાં ‘કલા વૈભવ’ નામની નાટ્ય સંસ્થાના માલિક મોહન તોંડવળકરને ફોન કર્યો. તેમને મારા વિશે વિગતવાર વાત કરી કોઈ રોલ હોય તો આપવા જણાવ્યું. તેમના કહેવા અનુસાર હું મોહન તોંડવળકરને મળી.

સદનસીબે એ સમયે વસંત સબનીસ લિખિત તેમના નાટકના રિહર્સલ ચાલુ હતા. એમાં રાજા ગોસાવી, સુધીર જોશી, નયના આપટે વગેરે કલાકારો હતાં. મને રાજા ગોસાવીની પત્નીનો રોલ કરવા કહ્યું અને એ મેં સહર્ષ સ્વીકારી લીધું. ‘ગાડું ગબડતું રાખવા’ માટે મેં બે હાથ જોડી ઈશ્વરનો આભાર પણ માની લીધો. આ રીતે મરાઠી નાટકમાં મારી એન્ટ્રી થઈ. એક નવા અધ્યાયનો પ્રારંભ થયો.

૮૬ વર્ષ પહેલા નાટકમાં ૭૦૦૦ રૂપિયાનું સિંહાસન
પ્રભુલાલ દ્વિવેદીની મહત્તમ ખ્યાતિ ‘વડીલોના વાંકે’ નાટકના લેખક તેમજ ‘ઝટ જાઓ ચંદન હાર લાવો’ તેમજ ‘એક સરખા સુખના દિવસો કોઈના જાતા નથી’ જેવા અફાટ લોકપ્રિયતાને વરેલાં ગીતોને કારણે છે. જોકે, ૨૫ વર્ષની ઉંમરે તેમણે લખેલા ‘શંકરાચાર્ય’ (૧૯૧૭) નાટકથી આવતી કાલના ઉજ્જ્વળ લેખકના એંધાણ રંગભૂમિને એ સમયે મળી ગયા હતા. ત્યારબાદ ઉત્તરોત્તર નાટ્ય લેખક તરીકે તેમની પ્રતિભા ખીલવા લાગી હતી. ૧૯૨૦માં ભજવાયેલા તેમના ‘અરુણોદય’ નાટકે તખ્તાની કાયાપલટ કરી નાખી એમ કહેવાયું હતું. આ નાટકને રસિક વર્ગમાં એવો બહોળો આવકાર મળ્યો કે એ ૪૦૦ નાઈટ ચાલ્યું હતું. ૧૯૩૬માં પ્રભુલાલ દ્વિવેદીના ‘સજ્જન કોણ?’નાટકના માત્ર ત્રણ પ્રયોગોની આવક ૧૮હજાર રૂપિયા આવી હતી જે ત્યારે એક અનોખો વિક્રમ ગણાયો હતો. રંગભૂમિની આ વિરલ ઘટના કહેવાઈ હતી.

લેખકશ્રીએ જે ઐતિહાસિક નાટકો લખ્યા એમાં ૧૯૩૮માં અવતરેલું ‘અક્ષયરાજ’ આ પ્રકારનું પ્રથમ નાટક હતું. એ નાટક માટે આજથી ૮૬ વર્ષ પહેલા ૭,૦૦૦ રૂપિયા ખર્ચીને સિંહાસન બનાવવામાં આવ્યું હતું જેથી સ્ટેજ પર પ્રભાવ પડી શકે. તેમના ‘માલવપતિ મુંજ’ને પણ નાટ્યપ્રેક્ષકોએ વધાવી લીધું હતું. સમયાંતરે પ્રભુલાલ દ્વિવેદી ગુજરાતના ‘નાટ્ય મહર્ષિ’ તરીકે પંકાયા અને અનુગામી નાટ્યકારોમાં ગુરુપદ પામ્યા. (સંકલિત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button