જીત તો મેળવીશું જ, એમ કહી શરદ પવારે રોહિત પવાર અંગે આપ્યું મોટું નિવેદન…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ બેઠકોની વહેંચણીની ચર્ચાઓએ વેગ પકડ્યો છે અને મહાવિકાસ આઘાડી (MVA)માં પણ બેઠકોની વહેંચણીનો અંગે અંતિમ નિર્ણય થોડા જ દિવસોમાં આવી જશે તેવું લાગે છે. એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે પણ આગામી દસ દિવસમાં બેઠકોની વહેંચણીનો નિર્ણય લેવામાં આવશે, તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીએ કોઇપણ કિંમતે વિજય મળવવો જ પડશે, તેમ પવારે જણાવ્યું હતું. જોકે, શરદ પવારે આપેલા સૌથી સૂચક નિવેદનમાં રોહિત પવારને મહાવિકાસ આઘાડી પોતાના મુખ્ય પ્રધાનપદનો ચહેરો બનાવી શકે એવું જણાયું હતું.
શરદ પવારે રોહિત પવાર વિશે વાત કરતા કહ્યું હતું કે રોહિતે પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રની સેવા કરી છે અને આગળ પણ મહારાષ્ટ્રની સેવા કરતા રહેશે. આમ કહ્યા બાદ પવારે પોતે વિધાનસભ્યથી માંડીને કૃષિ પ્રધાન, ગૃહ રાજ્ય પ્રધાન બન્યા ત્યારથી માંડીને મુખ્ય પ્રધાન બન્યા તેની સફર કહી સંભળાવી હતી. આમ આડકતરી રીતે રોહિત પવારે પણ મુખ્ય પ્રધાન બનવા સુધીની સફર ખેડવાની છે, એમ પવારે કહ્યું હતું.
આ પણ વાંચો : …લોકો તારો બંદોબસ્ત કરશેઃ આવું કોને કહ્યું શરદ પવારે?
બેઠકોની વહેંચણી મુદ્દે તેમણે કહ્યું હતું કે તમે બધી જ બેઠકો પર ચૂંટણી ન લડી શકો. તમારા બે સાથી પક્ષો છે તેમને પણ તેમના ઉમેદવારો ઊભા કરવા દેવા જોઇએ, કારણ કે તમારે એકસાથે મળીને કામ કરવાનું છે. જીત મેળવવા વિશે તેમણે કહ્યું હતું કે કોઇ પણ ભોગે મહાવિકાસ આઘાડીએ ચૂંટણીમાં વિજય મેળવવા માટે તમામ બનતા પ્રયત્નો કરવા જોઇશે.