નેશનલ

ત્રણ વખત ગ્રેમી એવોર્ડ વિજેતા Ricky Kejએ એર ઈન્ડિયાને ખરીખોટી સંભળાવી, એરલાઈને માફી માંગી

નવી દિલ્હી: ભારતીય-અમેરિકન સંગીતકાર રિકી કેજે (Ricky Kej) ફરી એક વાર એર ઈન્ડિયા (Air India)ની સર્વિસની ટીકા કરી છે. એરપોર્ટ પર કથિત રીતે વધારાના બેગેજ માટે પેમેન્ટ બાબતે રિકીને એક કલાક રાહ જોવી પડી હતી, ત્યાર બાદ તેણે સોશિયલ મીડિયા પર એરલાઈન્સની સર્વિસ સામે સવાલ ઉઠાવ્યા હતાં. આ અગાઉ પણ રિકી એર ઇન્ડિયાની સર્વિસ અંગે નારાજગી વ્યક્ત કરી ચુક્યો છે.

ત્રણ વખતના ગ્રેમી વિજેતા રિકીએ તેના એક્સ અકાઉન્ટથી કરેલી એક પોસ્ટમાં એર ઈન્ડિયા સાથેની બે ઘટનાઓની વિગતવાર માહિતી આપી હતી. એક વર્ષમાં પાંચમી વખત હતી જ્યારે તેણે એરલાઈન સાથે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

તેણે એક્સ પરની એક પોસ્ટમાં લખ્યું કે,”મને ખાતરી છે કે થોડા લોકો મને ટ્રોલ કરશે, મને પૂછશે કે આવી ખરાબ એરલાઇનમાં કેમ મુસાફરી કરું છું, પરંતુ હું તેમને સતત તક આપવા માંગું છે અને જ્યાં સુધી તેઓ સુધરશે નહીં ત્યાં સુધી, ભૂલો માટે તેમની ટીકા કરીશ.”

એર ઈન્ડિયાએ તેમની પોસ્ટનો જવાબ આપતાં કહ્યું હતું કે “મુસાફરી દરમિયાન અનુભવેલી અસુવિધા બદલ તે દિલથી દિલગીર છે”.

14 સપ્ટેમ્બરે દિલ્હીથી બેંગલુરુ જતી વખતે બનેલી ઘટનાનું વર્ણન કરતાં, રિકી કેજે લખ્યું, “હું દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની ચેક-ઈન લાઈનમાં પહોંચ્યો હતો. બિઝનેસ ક્લાસમાં ઉડાન ભરી રહ્યો હતો. હું 2 દિવસથી સુતો ન હતો અને ITC મૌર્યમાં કોન્સર્ટ કર્યા પછી સીધો જ મુસાફરી કરી રહ્યો હતો. ચેક ઇન કાઉન્ટર પર મહિલા (દેવિકા) બે ધ્યાન હતી. મારી બેગનું વજન 6 કિલોથી વધુ હતું, મેં તરત જ પેમેન્ટ કરવાની ઓફર કરી, જેમ કે હું હંમેશા કરું છું. તેઓએ મને કહ્યું કે મારે દુર એક બીજા કાઉન્ટર પર જવું પડશે, મેં તેમને અન્ય તમામ એરલાઈન્સની જેમ ચેક-ઈન કાઉન્ટર પર વાયરલેસ પેમેન્ટ મશીન લાવવા વિનંતી કરી હતી.”

તેમણે લખ્યું કે “તેઓએ ના પાડી. તેથી તેઓ મને જે કાઉન્ટર પર જવાનું કહ્યું હતું, ત્યાં ગયો. તે કાઉન્ટર પરના વ્યક્તિએ (સુનીલ) મારી તરફ જોયું પણ નહીં અને કહ્યું કે તે વ્યસ્ત છે, થોડા સમય માટે ત્યાં રાહ જુઓ અથવા તેણે મને તેમના ટિકિટિંગ કાઉન્ટર પર જવા કહ્યું, જે ટર્મિનલના બીજા છેડે હતું, મેં બંને વિકલ્પોનો ઇનકાર કર્યો અને ચેક-ઇન કાઉન્ટર પર પાછો ગયો.”

રિકીએ લખ્યું કે “તેઓએ મને કહ્યું કે તેઓ કંઈ કરી શકે તેમ નથી અને સુનિલને ફોન કર્યો અને તેમને મારું પેમેન્ટ સ્વીકારવા કહ્યું. હું બીજી વખત સુનીલ પાસે ગયો. મેં UPI દ્વારા પેમેન્ટ કરવાની ઓફર કરી. મારી પાસે કોઈ ક્રેડિટ કાર્ડ કે કેશ ન હતાં. તેણે સ્પષ્ટપણે UPI માટે ના પાડી. તેણે કહ્યું કે UPI નકામું છે અને એર ઈન્ડિયા તેને સ્વીકારતી નથી.”

તેમણે ઉમેર્યું કે “મેં વિરોધ નોંધાવ્યો.. તેને કહ્યું કે મારી બેંકો સાથે UPI જોડાયેલ છે અને હું ખાતરી કરી શકું છું કે પેમેન્ટ થઇ શકે છે, તેણે મારી સાથે વધુ વાત કરવાનો ઇનકાર કર્યો. હું ચેક-ઇન કાઉન્ટર પર પાછો ગયો. તેઓએ મને કહ્યું કે તેઓ કંઈ કરી શકે તેમ નથી. અને તેના બદલે મારી ટિકિટ કેન્સલ કરવાની ઓફર કરી!! તેઓએ મને રિફંડ પર કોઈ વિગતો આપવાનો ઇનકાર કર્યો અને મને મારી સૂટકેસ પાછી આપી – પછી મેં તેમની સાથે દલીલ કરી – તેમને કહ્યું કે હું ઊંઘ્યો નથી.”

તેણે કહ્યું. “આખરે આ અગ્નિપરીક્ષાના 50 મિનિટ પછી, અને મારી ફ્લાઇટ લગભગ છૂટી જ ગઈ હતી, મારા આગ્રહ પર, દેવિકાએ સુનિલને ફોન કર્યો.. આખરે તે વાયરલેસ મશીન સાથે ચેક-ઇન કાઉન્ટર (જ્યાં હું હતો) આવવા માટે સંમત થયો અને UPI પેમેન્ટ સ્વીકાર્યું. થોડી જ સેકન્ડોમાં રવાના થયો અને ફ્લાઇટમાં ચડ્યો.”

આ ઉપરાંત તેમણે એર ઇન્ડિયા સાથેના તેમના અન્ય અનુભવોનું પણ વર્ણન કર્યું.

એર ઈન્ડિયાએ તેમની પોસ્ટનો જવાબ આપતાં કહ્યું હતું કે મુસાફરી દરમિયાન અનુભવેલી અસુવિધા બદલ અમે દિલથી દિલગીર છીએ. અમે આ મુદ્દાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ અને યોગ્ય પગલાં લઈશું. અમારા ધ્યાન પર આ લાવવા બદલ તમારો આભાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button