નેશનલ

છઠ્ઠી ભારત-અમેરિકા વાણિજ્યિક સંવાદ બેઠકની સહ-અધ્યક્ષતા કરશે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ…

યુનાઇટેડ સ્ટેટ્સના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડોના આમંત્રણ પર ભારત સરકારના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2024 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મુલાકાત લેશે.

પિયુષ ગોયલ 2 ઓક્ટોબર, 2024નાં રોજ સચિવ રાયમોન્ડોની સાથે ભારત-અમેરિકા સીઇઓ ફોરમની સહ-અધ્યક્ષતા કરશે અને 3 ઓક્ટોબર, 2024નાં રોજ વોશિંગ્ટન ડી.સી.માં આયોજિત થનારી છઠ્ઠી ઇન્ડિયા-યુએસએ કોમર્શિયલ ડાયલોગની સહ-અધ્યક્ષતા કરશે, જે દરમિયાન બંને પક્ષો સ્થાયી આર્થિક વૃદ્ધિ, વ્યવસાય અને રોકાણનું વાતાવરણ સુધારવા તથા ભારત અને અમેરિકન વ્યાવસાયિક સમુદાયો વચ્ચેનાં સંબંધોને ગાઢ બનાવવા માટે ચર્ચા કરશે.

આ પણ વાંચો :હવે બોરીવલી મારું પહેલું ઘર છે: પીયૂષ ગોયલ

મંત્રી ગોયલ અગ્રણી અમેરિકન અને ભારતીય સીઇઓ અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે વાતચીત કરશે તથા ભારતમાં રોકાણની વિશાળ તકો પર પ્રકાશ પાડશે. અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચ દ્વારા આયોજિત એક ગોળમેજી પરિષદમાં વેપાર અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે તેમની વાતચીત ભારત અને અમેરિકાની અર્થવ્યવસ્થાઓ વચ્ચે પૂરક ક્ષમતા અને સમન્વયનો વધુ લાભ ઉઠાવવાના માર્ગો પર ભાર મૂકશે. તેઓ યંગ બિઝનેસ લીડર્સ રાઉન્ડટેબલ અને ઇન્ડિયા-યુએસએ જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ રાઉન્ડટેબલની અધ્યક્ષતા પણ કરશે.

શ્રી ગોયલ અને સચિવ રાયમોન્ડો ભારત અને અમેરિકા વચ્ચેની મહત્ત્વપૂર્ણ ખનિજ પુરવઠા શ્રુંખલાને વિસ્તૃત કરવા અને તેમાં વિવિધતા લાવવાનાં પગલાં પર પણ ચર્ચા કરશે. બંને પક્ષો એમઓયુ પર વાટાઘાટો કરી રહ્યા છે, જેનો આશય આવશ્યક મહત્ત્વપૂર્ણ ખનિજ પુરવઠા શ્રુંખલાને વધારવા અને તેમાં વિવિધતા લાવવા દ્વિપક્ષીય જોડાણ વધારવાનો તથા તેમની પૂરક ક્ષમતાનો લાભ લેવાનો છે.

મંત્રી ગોયલ વોશિંગ્ટન ડીસી ખાતે યુએસટીઆર એમ્બેસેડર કેથરિન તાઈને પણ મળશે, જેમાં ટ્રેડ પોલિસી ફોરમ હેઠળ ચાલી રહેલા સહયોગ અને બંને દેશો વચ્ચે દ્વિમાર્ગીય વેપારમાં વધુ ઉમેરો કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે.

ગોયલની મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત અને વિકસતા વેપાર અને રોકાણ સંબંધોને વેગ મળશે. તે બંને પક્ષોની પ્રાથમિકતાનાં તમામ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપશે, જેમાં મહત્ત્વપૂર્ણ ખનિજોનું નિર્માણ, પુરવઠા શ્રુંખલાની સ્થિતિસ્થાપકતાનું નિર્માણ, આબોહવા અને સ્વચ્છ ટેકનોલોજીમાં સહકાર, સર્વસમાવેશક ડિજિટલ વૃદ્ધિ, ધારાધોરણો અને સુસંગતતામાં સહકાર, પ્રવાસ અને પ્રવાસન વગેરે સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button