ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

મોસીનરમ એટલે વરસાદ જ વરસાદ..!

હેં… ખરેખર?! -પ્રફુલ શાહ

IPL શબ્દથી તો તમે પરિચિત છે. હવે સાંભળો: RPL એટલે કે ‘રેન પ્રીમિયર લીગ’નો નવા સુપરસ્ટારનું નામ છે મોસીનરમ. સ્પેલિંગ થોડો અલગ છે હો: Mawsynarm એ હજી બહુ પ્રચલિત થયો નથી. ભારતના ઉત્તર પૂર્વ રાજ્યનો ખેલાડી છે, પરંતુ હજી એ જ રાજ્યના ચેરાપુંજીની જ બોલબાલા છે. બન્ને વરસાદમાં એટલા ખીલે અને ખૂલે કે વાત ન પૂછો. ઘણીવાર તો ચોમાસાના ચાર મહિનામાં આઉટ કે નિવૃત્ત થવાને બદલે બારેય મહિના બેટિંગ કરતા રહે. આ છે કિંગ્ડમ ઓફ રેન મેઘરાજાનું સામ્રાજય.

સામાન્યપણે ભારતમાં સૌથી વધુ વરસાદ પડે એવા સ્થળ તરીકે ચેરાપુંજી લોકપ્રિય છે, પરંતુ હવે હકીકત બદલાઈ ગઈ છે. ચેરાપુંજીથી માત્ર ૧૫ કિલોમીટરના અંતરે આવેલું મોસીનરમ વિશ્ર્વનું સૌથી ભીનું સ્થળ – The Wattest Place in the Earth છે.

મેઘાલયની રાજધાની શિલોંગથી ૬૧ કિલોમીટરના અંતરે ઈસ્ટ ખાસી જિલ્લાનું નાનકડું શહેર મોસીનરમનો વિસ્તાર ૨૭૮૮ કિલોમીટર. અહીં સરેરાશ ૪૬૭.૪ ઈંચ એટલે કે ૧૧,૮૭૨ મિલિમીટર વરસાદ પડે છે. ‘ગિનિસ ઑફ વર્લ્ડ રેકોર્ડસ’ની નોંધ મુજબ મોસીનરમમાં ૧૯૮૫માં પડેલું એક હજાર ઈંચ પાણી વિશ્વવિક્રમ છે.

મોસીનરમમાં ચોક્કસ ભૌગોલિક સ્થિતિ અને આબોહવાને પ્રતાપે ભારે વરસાદ પડે છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે અત્યંત જોરદાર મેઘમહેર રહે જ, પણ બાકીનું આખું વરસ પણ કેડો ન મૂકે. એવું જ લગભગ ચેરાપુંજીમાં ય ખરું.

આવી વિશિષ્ટતાને લીધે મોસીનરમમાં એવાં પાકાં મકાન જ બંધાય કે જે બારેય માસના વરસાદમાં ટકી રહે. જેમને પાકા મકાન ન પરવડે એ કાચાં મકાનમાં એક વિશિષ્ટ પ્રકારના ઘાસનો ઉપયોગ કરે છે. આ લોકો કાયમ વાંસની બનાવેલી છત્રી સાથે રાખે છે, જેને પકડવા માટે હાથના ઉપયોગની જરૂર પડતી નથી.

આ પહાડી વિસ્તાર પર સતત વાદળ છવાયેલાં દેખાય. ક્યારેક તો જાણે પર્યટકના માથાને સ્પર્શીને ય વાદળ રમત કરતાં દેખાય. આ વાદળની સાથોસાથ ધુમ્મસ પણ ઘેરી વળે. ક્યારેક તો નજીકનું ય કંઈ ન દેખાય. આવું અદ્ભુત કુદરતી સૌંદર્ય પર્યટકોને ન જાણે ક્યાં-ક્યાંથી મોસીનરમ ખેંચી લાવે છે. સતત વરસાદ, વાદળ, ધુમ્મસ અને પહાડ ઉપરાંત અવિરતપણે વહેતાં ઝરણાં ઠેરઠેર રસ્તામાં ભેટી જાય.

આ બધા ઉપરાંત અહીં પર્વતો પર ભટકવાની-મટકવાની, ટ્રેકિંગ કરવાની અલગ જ મજા છે. આ શહેરના અમુક પહાડ પરથી તમે બાંગલાદેશ જોઈ શકો.
મોસીનરામની બીજી વિશિષ્ટતાઓમાં આવે ગુફાઓ. માઉજિમ્બુઈન નામક ગુફામાં છત પરથી ટપકતાં પાણીમાંથી કુદરતી શિવલિંગ બની ગયું છે. અન્ય એક જાણીતી ગુફા છે કેમપુરી. આ રેતીના પથ્થરમાંથી બનેલી વિશ્ર્વની સૌથી લાંબી ગુફા છે. અમુક ગુફામાં લાખો – કરોડો વર્ષ પુરાણા અવશેષો જોવા મળે છે.

હા, જો તમે રખડવા જ નીકળ્યા હો તો મોસીનરમથી ચેરાપુંજી જવા જેવું છે. અહીં રસ્તામાં વિશ્વના સૌથી મોટા ધોધમાંનો એક એવો નોહકલિકાઈ ધોધ જોવા મળશે.

મોસીનરમ કેવી રીતે જવું, ક્યાં રહેવું અને શું ખાવા-પીવા મળશે એ બધી વિગત તો આસાનીથી મળી રહેશે. આ અફાટ કુદરતી સૌંદર્ય વચ્ચે જાત સાથે સંવાદ સાધવાની તક તમને અવશ્ય મળશે. એનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક પ્રજાને હિન્દી કે અંગ્રેજી ભાષા આવડતી નથી. બસ, ઈશારાથી કામ ચલાવી લેવાનું. એમને તો આ ઈશારાબાજીની સારી ફાવટ છે ,જે તમને ય ઝડપભેર આવડી જશે.

-તો રેન, વરસાદ, વર્ષા અને મેઘમાં તરબરત થવા ક્યારે નીકળો છો?
બાય ધ વે, સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે આહ્લાદક અને ખુશનુમા હવામાન હોય છે સથવારામાં. ઓછામાં ઓછો વરસાદ નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ખુલ્લું આકાશ, ઓછો વરસાદ અને ૧૦થી ૨૦ સેન્ટીગ્રેડ તાપમાન મળે. જુલાઈથી સપ્ટેમ્બર – ઑક્ટોબર વચ્ચે ચોમાસાનો સત્તાવાર અંત આવે, પણ ભારે વરસાદ મળે હો… અને ઑક્ટોબરમાં ચોમેર લીલીછમ વનરાજી, તાજગીભરી હવા અને ધુમ્મસિયું વાતાવરણ આવકારે.
-તો નીકળી પડીએ વિશ્વના સૌથી વધુ વરસાદવાળા નગરમાં દિલથી ભીંજાવા માટે?!

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button