એકસ્ટ્રા અફેર

બોનીએ આટલાં વર્ષે શ્રીના ક્રેશ ડાયેટની વાત કેમ કરી?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

હિંદી ફિલ્મોની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું 2018ના ફેબ્રુઆરીમાં અચાનક મોત થયું ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયેલો કેમ કે શ્રીદેવીની વય માત્ર 54 વર્ષ હતી. સામાન્ય સંજોગોમાં 54 વર્ષની ઉંમર ગુજરી જવાની નથી. તેમાં પણ જેમની પાસે પૈસો છે એ લોકો માટે તો આ ઉંમર ગુજરી જવાની બિલકુલ નથી. શ્રીદેવી એ કેટેગરીમાં આવતી હતી કે જેને કોઈ પણ મેડિકલ સારવાર પરવડે. અત્યારે મેડિકલ સાયન્સે જબરદસ્ત પ્રગતિ કરી છે ને મરી ગયેલા માણસને ઘણા કિસ્સામાં ફરી બેઠો કરી નાખે છે ત્યારે શ્રીદેવી અચાનક જ ગુજરી ગઈ એ ઘટના હતપ્રભ કરી નાંખનારી હતી.

શ્રીદેવીનું મોત રહસ્યમય હતું તેથી જાતજાતની અટકળો ચાલી હતી. વધારે પડતો નશો કરવાની આદતે શ્રીદેવીનો જીવ લીધો કે પછી અંડરવર્લ્ડ સાથેના કનેક્શનના કારણે શ્રીદેવીને પતાવી દેવાઈ એવા સવાલો પણ ઉઠ્યા હતા. શ્રીદેવીના મોતની ઘટના તાજી હતી ત્યારે જાતજાતની અટકળો ચાલતી પણ પછી બધું બંધ થઈ ગયું. હવે તો શ્રીદેવીના મોતને સાડા પાંચ વર્ષથી વધારે સમય થઈ ગયો તેથી લોકો શ્રીદેવીને પણ ભૂલી ગયા છે ત્યાં શ્રીદેવીના પતિ બોની કપૂરે ધડાકો કર્યો છે કે, હંમેશાં ખૂબસૂરત લાગવાની ઘેલછામાં શ્રીદેવીએ પોતાનો જીવ ખોયો.

બોની કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, શ્રીદેવીના માથે હંમેશાં પોતાનું ફિગર જળવાય અને પોતે શેપમાં રહે તેનું ઝનૂન સવાર રહેતું. ફિલ્મોમાં કામ કરવાનું હોય કે ફિલ્મોની બહાર હોય, શ્રીદેવીને હંમેશાં રૂપાળા દેખાવું જ ગમતું હતું. પોતાનું ફિગર ના બગડી જાય એ માટે ખાવા-પીવા પર બહુ નિયંત્રમો રાખતી ને ઘણીવાર તો ક્રેશ ડાયેટ કરીને દિવસો સુધી ભૂખી પણ રહેતી. ઘણ વાર તો મીઠું સુદ્ધાં ખાવાનું છોડી દેતી હતી. ડૉક્ટરે તેને કહેલું કે, તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે તેથી થોડુંક મીઠું ખાવું જરૂરી છે. બીજું કંઈ નહીતો સલાડ પર થોડું મીઠું છાંટીને પણ ખાવું જોઈએ પણ શ્રીદેવી કોઈનું સાંભળતી જ નહોતી. તેના કારણે ઘણી વાર બ્લેકઆઉટ એટલે કે આંખે અંધારાં આવવાની સમસ્યા પણ થતી પણ શ્રીદેવી ડૉક્ટરની કોઈ વાત માનવા તૈયાર નહોતી.

બોની કપૂરના કહેવા પ્રમાણે, ગુજરી ગઈ ત્યારે પણ શ્રીદેવી ક્રેશ ડાયેટ પર હતી અને તેના કારણે જ તેનું મોત થયું. બોનીના કહેવા પ્રમાણે તો પહેલાં પણ શ્રીદેવી ક્રેશ ડાયેટના કારણે તકલીફમાં મૂકાયેલી. તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર નાગાર્જુન સાથે શ્રીદેવીએ ઘણી ફિલ્મો કરેલી. બોનીના કહેવા પ્રમાણે નાગાર્જુને તેમને કહેલું કે, એક ફિલ્મના શૂટિગ દરમિયાન શ્રીદેવી બાથરૂમમાં પડી ગઈ હતી અને તેના દાંત પણ તૂટી ગયા હતા. એ વખતે પણ ડૉક્ટરે તેને ક્રેશ ડાયેટ નહીં કરવા કહેલું પણ શ્રીદેવી કોઈનું માનતી નહોતી. પોતે લગ્ન પછી તેને વારંવાર સમજાવી પણ એ કોઈનું સાંભળવા જ તૈયાર નહોતી. ઘણીવાર તો બહારથી ખાવાનું મંગાવે ત્યારે ખાંડ કે મીઠા વિનાનું ખાવાનું મંગાવતી. શ્રીદેવીને લાગતું કે મીઠું ખાવાથી ડબલ ચિન થઈ જાય છે એટલે મીઠું ઓછું ખાવું જોઈએ.

બોની કપૂરે એ પણ સ્વીકાર્યું છે કે, દુબઈની પોલીસને પણ શ્રીદેવીના અચાનક મોતે આંચકો આપેલો. તેમને પણ મોત શંકાસ્પદ લાગેલું. આ કારણે તેમણે બોનીની ભારે ઉલટતપાસ કરેલી ને પોતાનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરેલો પણ અંતે રિપોર્ટમાં આવ્યું કે, આ એક્સિડેન્ટલ ડેથ હતું.

બોની કપૂરે કહેલી વાતો ખરેખર ચોકાવનારી છે અને અત્યાર લગી તેના મોત વિશે જે વાતો બહાર આવી તેના કરતાં અલગ જ છે. 2018ના ફેબ્રુઆરીમાં શ્રીદેવી દુબઈની જુમૈરાહ અમિરાત્સ ટાવર્સ હોટેલમાં રોકાયેલી. હોટેલના રૂમના બાથરૂમમાં તેનો મૃતદેહ મળ્યો ત્યારે પહેલાં સમાચાર આવેલા કે શ્રીદેવીનું મોત કાર્ડિયાક એરેસ્ટના કારણે થયેલું. અચાનક તેનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું તેમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. શ્રીદેવીના દિયર સંજય કપૂરે કહેલું કે, શ્રીદેવીને હૃદયની કોઈ તકલીફ હતી જ નહીં તેથી આ રીતે તેનું મોત થયું એ સમાચાર માની શકાય એવા નથી. અલબત્ત હૃદયની તકલીફ ના હોય તો પણ કાર્ડિયાક એરેસ્ટ અચાનક આવી શકે છે તેથી સંજયની વાતમાં દમ નહોતો.

પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં વળી નવી જ વાત બહાર આવેલી. આ રિપોર્ટ પ્રમાણે, શ્રીદેવીને કાર્ડિયાક એરેસ્ટ તો છોડો પણ હાર્ટ એટેક પણ નહોતો આવ્યો પણ શ્રીદેવીનું મોત અકસ્માતે ડૂબી જવાથી થયું હતું. શ્રીદેવીના લોહીમાં આલ્કોહોલ મળ્યો હતો એ જોતા દારૂ પીને નશામાં ચકચૂર શ્રીદેવીને ભાન ના રહ્યું તેથી બાથટબમાં ભરેલા પાણીમાં ડૂબી ગઈ અને મરી ગઈ.

શ્રીદેવીએ દારૂ પીધો હતો તેથી નશામાં ચૂર થઈને ડૂબી ગઈ એ અટકળ તેના લોહીમાં આલ્કોહોલ મળ્યો તેના આધારે થયેલી. આ અટકળ સાચી હોવા વિશે પણ શંકા કરાયેલી. સવાલ પણ થયેલો કે, શ્રીદેવી નશામાં ચૂર હતી તો જાતે ડૂબી ગઈ કે પછી કોઈએ તેને ડૂબાડી દીધી?

પોસ્ટમોર્ટમના રિપોર્ટના કારણે શ્રીદેવીનું મોત વધારે શંકાસ્પદ બની ગયેલું ને ઘણા સવાલો ઉઠ્યા હતા. મુખ્ય સવાલ એ હતો કે, શ્રીદેવી દારૂના નશામાં હતી તો બાથટબ લગી કઈ રીતે પહોંચી ? ને બાથટબમાં બેસીને ઢીંચતી હતી તો બાથટબ પાસેથી દારૂની બોટલો કેમ ના મળી ? આવા બીજા ઘણા સવાલો પોસ્ટમોર્ટમ રિપોર્ટના કારણે ઊભા થયા હતા પણ આ સવાલોના જવાબો કદી ના મળ્યા.
હવે બોની કપૂરે નવી વાત કરી છે તેથી પાછા નવા સવાલો ઉઠશે.

ભૂખે મરવાથી એટલે કે ક્રેશ ડાયેટથી ઘણાં લોકો મરી ગયાં છે તેથી બોની કપૂરે આપેલું કારણ સાવ ગળે ના ઉતરે એવું તો નથી જ પણ હવે સાડા પાંચ વર્ષ પછી બોની કપૂર ક્રેશ ડાયટની વાત કેમ લઈ આવ્યા એ સવાલ તો થાય જ છે.

ખેર, શ્રીદેવીનું મોત એ વખતે રહસ્યમય હતું ને હવે પણ રહસ્યમય જ છે. તેનું મોત ખરેખર કઈ રીતે થયું એ સવાલનો જવાબ કદી મળવાનો નથી એ જોતાં આ બધી વાતો સાંભળ્યા કરવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button