સ્પોર્ટસ

12 કરોડ રૂપિયાવાળો MS Dhoni હવે 4 કરોડનો!

આઈપીએલના નિયમોમાં જાણો ક્યા ધરખમ ફેરફારો થયા…

મુંબઈ: પાંચ વખત આઈપીએલનું ટાઈટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું ફ્રેન્ચાઇઝી જો હવે મહેન્દ્રસિંહ ધોનીને આગામી આઈપીએલ માટે રીટેન કરવા માગતી હશે તો તેને અનકૅપ્ડ પ્લેયર (ભારત વતી એકેય આંતરરાષ્ટ્રીય મેચ ન રમનાર ખેલાડી) તરીકે ટીમમાં જાળવી શકશે.

જો કોઈ ભારતીય ખેલાડીની નિવૃત્તિને પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય તો ફ્રેન્ચાઈઝી તેને અનકૅપ્ડ પ્લેયર તરીકે રીટેન કરી શકે અથવા ખરીદી શકે. આ નિયમ 2008ના પ્રથમ વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ 2021માં રદ કરાયો હતો. જોકે 2025ની સીઝનથી હવે આ નિયમ પાછો લાવવામાં આવતા ફ્રેન્ચાઇઝીઓ પાંચ વર્ષ પહેલાં (2020માં કે એ અગાઉ) નિવૃત્ત થઈ ચૂકેલા ખેલાડીઓને અનકૅપ્ડ પ્લેયર તરીકે રીટેન કરી શકશે.

આઈપીએલની 2022ની સીઝન પહેલાં સીએસકેએ ધોનીને 12 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. 2020માં રિટાયરમેન્ટ લીધા પછી ધોની માત્ર આઈપીએલમાં જ રમ્યો છે. જો સીએસકે હવે ધોનીને રીટેન કરવા માગશે તો તેને અનકૅપ્ડ પ્લેયર તરીકે ચાર કરોડ રૂપિયામાં રીટેન કરી શકશે.

જોકે 2023ની આઈપીએલમાં પાંચમું ટાઇટલ જીત્યા પછી મુંબઈમાં ઘૂંટણમાં સર્જરી કરાવનાર ધોની 2025ની આઈપીએલમાં રમશે કે નહીં એ મોટો સવાલ છે. 2024ની આઈપીએલથી તેણે કેપ્ટન્સી ઋતુરાજ ગાયકવાડને આપી દીધી હતી અને પોતે લગભગ બધી મેચોમાં નીચલા ક્રમે બૅટિંગ કરવા આવ્યો હતો. તાજેતરમાં જ ધોનીએ અને સીએસકેએ એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે તેઓ રિટેન્શનને લગતા નિયમોની જાહેરાત સુધી રાહ જોઈ રહ્યા છે.


આઈપીએલના બીજા મહત્વના નિયમોમાં થયા આ ફેરફારો…

(1) આઈપીએલનું દરેક ફ્રેન્ચાઇઝી હવે વધુમાં વધુ છ ખેલાડીને રીટેન કરી શકશે. રીટેન કરનારા પ્લેયર્સના કોન્ટ્રાક્ટ મનીની એક સીઝનની રકમ આ પ્રમાણે રહેશે: રીટેન થનારા પ્રથમ નંબરના પ્લેયરને 18 કરોડ રૂપિયા, બીજા નંબરના પ્લેયરને 14 કરોડ રૂપિયા, ત્રીજા નંબરના પ્લેયરને 11 કરોડ રૂપિયા, ચોથા નંબરના પ્લેયરને 18 કરોડ રૂપિયા અને પાંચમા નંબરના પ્લેયરને 14 કરોડ રૂપિયા. છઠ્ઠા એટલે કે અનકૅપ્ડ પ્લેયરને 4 કરોડ રૂપિયા સુધીની રકમ આપી શકાશે.

(2) 2025ની સીઝન પહેલાંના મેગા ઓકશન માટે રાઇટ ટુ મૅચ (આરટીએમ) વિકલ્પ પાછો લાવવામાં આવ્યો છે. આમાં જો કોઈ ફ્રેન્ચાઇઝીએ કોઈ ખેલાડીને હરાજી માટે રિલીઝ કર્યો હોય તો હરાજી દરમ્યાન પોતાના એ પ્લેયરને પાછો મેળવવાનો પહેલો હક એ ફ્રેન્ચાઇઝીને મળશે.

(3) ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ 2027 સુધી લાગુ રહેશે. આમાં દરેક ટીમ મૅચ દરમિયાન ઇલેવનમાંથી કોઈ એક ખેલાડીની જગ્યાએ કોઈ એક સ્પેશિયાલિસ્ટ બૅટર કે બોલરને ટીમમાં સમાવી શકે છે.

(4) દરેક ફ્રેન્ચાઇઝી હરાજીમાં ખેલાડીઓને ખરીદવા પાછળ કુલ 120 કરોડ રૂપિયા વાપરી શકશે, કારણ કે આઈપીએલના સત્તાધીશોએ આ રકમ 100 કરોડથી વધારીને 120 કરોડ રૂપિયા સુધીની કરી છે.

(5) હવેથી જો કોઈ વિદેશી ખેલાડીને ઑકશનમાં ખરીદવામાં આવશે અને પછી તે ખેલાડી યોગ્ય અથવા વજૂદવાળા કારણ વગર પોતાનું નામ આઈપીએલની એ સીઝનમાંથી પાછું ખેંચી લેશે તો તેના રમવા પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે.

(6) હવેથી દરેક ખેલાડીને કોન્ટ્રેક્ટ મની ઉપરાંત પ્રત્યેક લીગ મૅચ રમવાના 7.5 લાખ રૂપિયા મળશે. જો કોઈ પ્લેયરે તમામ 14 લીગ મૅચ રમી હશે તો તેને કોન્ટ્રેક્ટ મની ઉપરાંત બીજા કુલ 1.05 કરોડ રૂપિયા આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button