ભારતીય રનર એશિયન બ્રૉન્ઝ પછી હવે વિશ્વ સ્પર્ધામાં નવા વિક્રમ સાથે જીત્યો ગોલ્ડ…
નિગાતા (જાપાન): ભારતનો 26 વર્ષની ઉંમરનો ગુલવીર સિંહ શનિવારે અહીં વર્લ્ડ ઍથ્લેટિક્સ કૉન્ટિનેન્ટલ ટૂરના ચૅલેન્જ કપમાં 5,000 મીટર દોડમાં ચૅમ્પિયન બન્યો હતો. તેણે નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ગુલવીર ગયા વર્ષે ચીનની એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો :ભારતની 20 વર્ષની શ્રદ્ધા કિકબૉક્સિંગના વર્લ્ડ કપમાં જીતી ગોલ્ડ મેડલ…
શનિવારે વિશ્વ સ્પર્ધામાં ગુલવીરે 5,000 મીટરનું અંતર 13 મિનિટ અને 11.12 સેકન્ડમાં પૂરું કર્યું હતું. એ સાથે તેણે પોતાનો જ 13 મિનિટ, 18.92 સેકન્ડનો નૅશનલ રેકૉર્ડ તોડી નાખ્યો હતો. એ રેકૉર્ડ તેણે આ વર્ષની શરૂઆતમાં પોર્ટલૅન્ડ ટ્રૅક ફેસ્ટિવલમાં સ્થાપ્યો હતો. જોકે ગણતરીના મહિનાઓમાં તેણે એ રેકૉર્ડ બ્રેક કર્યો છે.
પોર્ટલૅન્ડમાં ગુલવીરે દેશના ટોચના રનર અવિનાશ સાબળેનો 13 મિનિટ, 19.30 સેકન્ડનો રેકૉર્ડ પાર કર્યો હતો.
આ વર્ષના માર્ચમાં ગુલવીરે કૅલિફોર્નિયામાં 10,000 મીટર દોડમાં નૅશનલ રેકૉર્ડ તોડ્યો હતો. એ રેસ તેણે 27 મિનિટ, 41.18 સેકન્ડમાં પૂરી કરી હતી. તેણે ત્યારે ભારતીય મેન્સ ઍથ્લેટિક્સ (ટ્રૅક ઍન્ડ ફીલ્ડ)નો બીજા નંબરનો સૌથી જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. એમાં તેણે 2008ની સાલમાં સુરેન્દર સિંહે રચેલો 28 મિનિટ, 02.89 સેક્ન્ડનો રેકૉર્ડ પાર કર્યો હતો.
ગુલવીર સિંહ ઉત્તર પ્રદેશના સિરસા ગામના જાટ પરિવારનો સભ્ય છે.