કોંગ્રેસ હરિયાણાના ‘દર્દના દાયકા’નો અંત લાવશે: રાહુલ ગાંધી
હરિયાણા કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કર્યો; મહિલાઓને 2000 રૂપિયાની માસિક સહાય, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસની આવનારી સરકાર ‘દર્દના દાયકા’નો અંત લાવશે અને પાર્ટીએ રાજ્યના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.
હરિયાણા કોંગ્રેસે પાંચમી ઑક્ટોબરે યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે તેનો વિગતવાર ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં ખેડૂતોના કલ્યાણ માટે કમિશનની રચના, શહીદ સૈનિકોના પરિવારો માટે રૂ. 2 કરોડ, રોજગાર પેદા કરવા માટે શ્રમ-સઘન એકમોને પ્રોત્સાહન અને હરિયાણા લઘુમતી આયોગનું પુનર્ગઠન સહિતના અનેક વચનો આપ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હિન્દીમાં એક પોસ્ટ મૂકીને રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે એક દાયકામાં ભાજપે હરિયાણાની સમૃદ્ધિ, સપના અને સત્તા છીનવી લીધી છે. અગ્નિવીર યોજનાએ દેશભક્ત યુવાનોની આકાંક્ષાઓ છીનવી લીધી, બેરોજગારીએ પરિવારોનું સ્મિત છીનવી લીધું અને મોંઘવારીએ મહિલાઓની આત્મનિર્ભરતા છીનવી લીધી, એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
કાળા કાયદાઓ લાવીને તેમણે ખેડૂતોના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને નોટબંધી અને ખોટા જીએસટી દ્વારા તેઓએ લાખો નાના વેપારીઓનો નફો છીનવી લીધો હતો, એમ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસના વચનોની યાદી આપતા ગાંધીએ કહ્યું કે, પાર્ટીની સરકાર બે લાખ કાયમી નોકરીઓ, ડ્રગ્સ-મુક્ત હરિયાણા, પચીસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર, મહિલાઓને 2,000 રૂપિયા પ્રતિ માસ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, ગરીબોને 100 યાર્ડનો પ્લોટ આપશે. ગરીબોને 3.5 લાખના ખર્ચે બે રૂમનું મકાન, જૂની પેન્શન યોજના પાછી લાવવી, વૃદ્ધો, વિધવાઓ અને વિકલાંગોને 6,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન, 300 યુનિટ મફત વીજળી, ખેડૂતોને એમએસપીની ગેરંટી, તાત્કાલિક પાકનું વળતર, જાતિ આધારિત વસતી ગણતરી અને ક્રીમી લેયરની મર્યાદા 10 લાખ રૂપિયા કરવામાં આવશે. (પીટીઆઈ)