સ્પોર્ટસ

ગિલની ટીમ સામે 181 રન બનાવનાર મુંબઈના બૅટરને નડ્યો અકસ્માત

લખનઊ: મુંબઈના ઑલરાઉન્ડર અને ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીર ખાનને લખનઊમાં અકસ્માત નડતાં તેને ગરદનમાં ફ્રૅક્ચર થયું હતું. પરિણામે તે પહેલી ઑક્ટોબરે શરૂ થનારી ઇરાની કપની મૅચમાં નહીં રમે. એ ઉપરાંત, ત્યાર બાદ શરૂ થનારી રણજી ટ્રોફીની શરૂઆતની કેટલીક મૅચોમાં પણ તે નહીં રમે. ઉલ્લેખનીય છે કે મુશીરે આ મહિનાની શરૂઆતમાં દુલીપ ટ્રોફીમાં શુભમન ગિલની ટીમ સામેની મૅચમાં 181 રન બનાવ્યા હતા. એ ઇનિંગ્સમાં તેણે ભારતીય પેસ બોલર્સ આકાશ દીપ તેમ જ આવેશ ખાન, ખલીલ અહમદ અને કુલદીપ યાદવનો સામનો કરીને ઇન્ડિયા-બીને ઇન્ડિયા-એ સામે વિજય અપાવ્યો હતો.

19 વર્ષીય મુશીર લગભગ ત્રણ મહિના આરામ કરશે. તે તેના પિતા નૌશાદ ખાન તેમ જ બીજા બે ભાઈઓ સાથે એસયુવી (ટોયોટા ફૉર્ચ્યુનર)માં ઉત્તર પ્રદેશમાં હોમટાઉન આઝમગઢથી લખનઊ આવી રહ્યો હતો ત્યારે તેમની કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી. આ અકસ્માત નજીવો હતો, પરંતુ મુશીરને ગરદનમાં ઈજા થઈ હતી. તેને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મુશીરને થોડા દિવસમાં મુંબઈ લાવવામાં આવશે જ્યાં તેને બીસીસીઆઇ સાથે સંકળાયેલી હૉસ્પિટલમાં ચેક-અપ તથા વધુ સારવાર માટે લઈ જવામાં આવશે.
મુંબઈ રણજી ચૅમ્પિયન છે અને મુશીર આ ટીમના મુખ્ય બૅટર્સમાંનો એક છે. મુંબઈની પ્રથમ રણજી મૅચ 11મી ઑક્ટોબરે બરોડા સામે રમાવાની છે.
ટીનેજર મુશીરે નવ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ત્રણ સદીની મદદથી 716 રન બનાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button