ST બસમાં આકાશગંગા, અબ્દુલ કલામ, ગણિતના સમીકરણો! જુઓ આ અજબ બસની શું છે ખાસિયત
શિક્ષણને પ્રોત્સાહન આપતા બીડની મહિલા કંડકટર અને ડ્રાઇવર
છત્રપતિ સંભાજીનગર: ગ્રામીણ વિસ્તારોમાં સ્કૂલ-કોલેજ લાંબે હોવાથી વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડતો હોય છે. ઘણી વખત ગરીબ લોકોના બાળકો શિક્ષણ અધૂરું મૂકી દેતા હોય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રત્યે બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમના વાલીઓમાં જાગરૂકતા લાવવાનું કામ બીડ જિલ્લામાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) દ્વારા હાથ ધરાયું છે.
આ પણ વાંચો: 1200 રૂપિયાનો પાસ કઢાવો અને આખા Maharashtraમાં જ્યાં મન થાય ત્યાં ફરો…, જાણો શું છે આખી સ્કીમ
સામાન્ય રીતે એસટી બસ સફેદ-નારંગી રંગમાં દેખાતી હોય છે, પણ અહીં બસની અંદર અને બહાર આકાશગંગા, ગ્રહો, સ્વામી વિવેકાનંદ, ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ જેવા મહાનુભવોના, કહેવતો, ઘડિયા, યોગાસન, ગણિતના સમિકરણો વગેરે જોવા મળે છે.
‘બસમાં જે ઇન્ટિરિયર કરવામાં આવ્યું છે તે વિદ્યાર્થીઓને ગમે છે. રોજ બન્ને દિશા પ્રમાણે ૨૦૦ કિલોમીટરનું અંતર કાપવામાં આવે છે. બીડ-નલવાંડી રૂટ પરના ગામથી વિદ્યાર્થીઓને તેમના સ્કૂલ-કોલેજમાં છોડવામાં આવે છે’, એમ કંડકટર વૈશાલી મુલેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: સેફ્ટી ફર્સ્ટઃ ચાલતી બસમાં ડ્રાઇવરને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં રહેશે પ્રતિબંધ…
‘આ કાર્ય માટે મેં અને મારા ડ્રાઇવર સાથી સિરાજ પઠાણે પોતાના ખિસ્સામાંથી ૩૫,૦૦૦ ખર્ચ કર્યા હતા. અમારી બસમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ગરીબ મજૂરોના બાળકો છે. તેઓને બાળકોને સ્કૂલમાં મોકલવામાં વધુ રસ હોતો નથી. અમારું માનવું છે કે અમારા આ કાર્યથી તેમને બાળકોને, ખાસ કરીને છોકરીઓને સ્કૂલમાં મોકલવા માટે પ્રોત્સાહન મળશે’, એમ મુલેએ જણાવ્યું હતું.
ડિવિઝનલ ટ્રાન્સપોર્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ બીડ શિવરાજ કરાડે જણાવ્યું હતું કે આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબ લોકોમાં તેમના બાળકોને શિક્ષણ અપાવવા અંગે જાગરૂકતા લાવવાનો છે. આ વર્ષે બસમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૦થી ૨૯૦ પર પહોંચી છે. વિદ્યાર્થિનીઓની વધેલી સંખ્યા ઉલ્લેખનીય છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.