સ્પોર્ટસ

અધધધ…ન્યૂ ઝીલૅન્ડે એક દિવસમાં ગુમાવી 13 વિકેટ, જુઓ તો ખરા શ્રીલંકાએ કેવી હાલત કરી!

ગૉલ: શ્રીલંકાએ અહીં ન્યૂ ઝીલૅન્ડને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં 63 રનના મોટા માર્જિનથી હરાવ્યા બાદ હવે બીજી અને અંતિમ ટેસ્ટમાં કિવીઓને એક દાવથી હરાવવાની તૈયારી કરી લીધી છે. શનિવારે ત્રીજા દિવસે ટિમ સાઉધીના નેતૃત્વમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ પહેલા દાવમાં ફક્ત 88 રનમાં ઑલ આઉટ થઈ ગઈ. શુક્રવારે બાવીસ રનમાં બે વિકેટ પડી હતી અને શનિવારે બાકીની આઠ વિકેટ કિવીઓએ ગુમાવી હતી. ફૉલો-ઑન બાદ આ ટીમે બીજા દાવમાં 200 રન પહેલાં જ પાંચ વિકેટ ગુમાવી દેતાં આખા એક દિવસમાં કિવીઓની (8+5 સહિત) કુલ 13 વિકેટ પડી હતી. જો વરસાદને લીધે રમત વહેલી પૂરી ન થઈ હોત તો કિવીઓએ વધુ કેટલીક વિકેટો ગુમાવી દીધી હોત.

આ પણ વાંચો: કાનપુર ટેસ્ટનો બીજો દિવસ ધોવાઈ ગયો, રવિવારે પણ મેઘરાજા નડી શકે…

88 રન શ્રીલંકા સામે ન્યૂ ઝીલૅન્ડનો સૌથી નીચો ટેસ્ટ-સ્કોર છે.
રમત બંધ રહી ત્યારે ન્યૂ ઝીલૅન્ડનો બીજા દિવસનો સ્કોર પાંચ વિકેટે 199 રન હતો. વિકેટકીપર ટૉમ બ્લન્ડેલ 47 રને અને ગ્લેન ફિલિપ્સ 32 રને રમી રહ્યો હતો. એ પહેલાં, ડેવૉન કૉન્વે 61 રન અને કેન વિલિયમસન 46 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પહેલા દાવમાં આ બે બૅટરે અનુક્રમે નવ તથા સાત રન બનાવ્યા હતા.

શ્રીલંકાએ પહેલો દાવ પાંચ વિકેટે 602 રનના સ્કોર પર ડિક્લેર કર્યો હતો. ન્યૂ ઝીલૅન્ડ પ્રથમ દાવમાં 88 રનમાં આઉટ થઈ જતાં શ્રીલંકાએ 514 રનની વિક્રમજનક સરસાઈ મેળવી હતી. ત્યાર બાદ કિવીઓએ પાંચ વિકેટે 199 રન બનાવ્યા હતા. એમ છતાં, સાઉધીની ટીમ શ્રીલંકાની ટીમ કરતાં 315 રન પાછળ હતી.

આ પણ વાંચો: શ્રીલંકાએ કર્યો રનનો ઢગલો, 600 રન બનાવીને તોડ્યો 19 વર્ષ જૂનો રેકૉર્ડ

16મી ટેસ્ટ રમી રહેલા શ્રીલંકાના લેફ્ટ-આર્મ સ્પિનર પ્રભાત જયસૂર્યાએ ન્યૂ ઝીલૅન્ડના પ્રથમ દાવમાં 42 રનમાં છ વિકેટ લીધી હતી. ત્રણ વિકેટ નવા ઑફ-સ્પિનર નિશાન પેઇરિસે તથા એક વિકેટ પેસ બોલર અસિથા ફર્નાન્ડોએ લીધી હતી. કિવીઓની ટીમમાં ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનરના 29 રન હાઇએસ્ટ હતા. છેલ્લી છ વિકેટે માત્ર 36 રનમાં પડી હતી.
ન્યૂ ઝીલૅન્ડને ફૉલો-ઑન આપવામાં આવી હતી અને બીજા દાવમાં ખરાબ શરૂઆત કરી હતી. ઓપનર ટૉમ લેથમ પેઇરિસની પહેલી જ ઓવરના છઠ્ઠા બૉલ પર કૅચઆઉટ થયો હતો. જોકે ત્યાર બાદ કૉન્વે-વિલિયમસન વચ્ચે 97 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ કૅપ્ટન ધનંજય ડિસિલ્વાના બૉલમાં કૉન્વેએ વિકેટકીપર દિનેશ ચંદીમલને કૅચ આપી દીધો એ સાથે ધબડકો શરૂ થયો હતો અને સમયાંતરે વિકેટ પડતી રહી હતી. 121મા રને રાચિન રવીન્દ્રની પાંચમી વિકેટ પડ્યા બાદ બ્લન્ડેલ અને ફિલિપ્સ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 78 રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે રવિવારના ચોથા દિવસે શરૂઆતના એક-બે સેશનમાં જ શ્રીલંકનો આ મૅચ જીતી લેશે એવી ધારણા છે.

કિવીઓના બીજા દાવમાં પણ નિશાન પેઇરિસે ત્રણ વિકેટ લીધી છે. એક વિકેટ પ્રભાત જયસૂર્યાને અને એક વિકેટ ધનંજયને મળી છે.

શ્રીલંકાના પ્રથમ દાવના 602/5ના સ્કોરમાં કામિન્દુ મેન્ડિસના સૌથી વધુ 182 રન હતા. તે પ્રથમ ડબલ સેન્ચુરી પૂરી કરે એ પહેલાં જ કૅપ્ટન ધનંજયે દાવ ડિક્લેર કરી દીધો હતો. વિકેટકીપર દિનેશ ચંદીમલે 116 રન અને કુસલ મેન્ડિસે અણનમ 106 રન બનાવ્યા હતા.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ