શહેરીજનો, મતદાન કેમ નથી કરતા? શહેરી મતદારોની ઉદાસીનતા ચિંતાનો વિષય
મુંબઈ: લોકશાહીમાં જનતા પોતાની મતદાનની ફરજ બજાવે એ અત્યંત જરૂરી છે, પરંતુ શહેરી વિસ્તારમાં મતદાન બાબતે લોકો ઉદાસીન હોવાનું જાણવા મળ્યું છે. ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે શનિવારે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી એ દરમિયાન આ મુદ્દા પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે શહેરી મતદારોમાં મતદાન બાબતે જોવા મળતી ઉદાસીનતા એ ચિંતાનો વિષય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરે એની ખાતરી કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ચૂંટણી પંચ સાથેની બેઠક: ભાજપે ચાલુ દિવસે મતદાનની માગણી કરી, શિવસેના અને એનસીપીએ એક જ તબક્કામાં કરાવવાની…
તેમણે કહ્યું હતું કે શહેરના કોલાબા, કલ્યાણ જેવા વિસ્તારોમાં લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી ઓછું મતદાન જોવા મળ્યું હતું. દરરોજની મજૂરી મેળવતા કામદારોને પણ જણાવવું જરૂરી છે કે મતદાનના દિવસે તેમને પેઇડ હોલિડે એટલે કે ભર પગારે રજા આપવામાં આવે છે. અમે મહારાષ્ટ્ર સરકારને ત્રણ વર્ષ કરતાં વધુ પોતાના હોમ ડિસ્ટ્રીક્ટમાં કે એક જ વિસ્તારમાં સેવા આપતા અધિકારીઓની બદલી આપવાનું પણ જણાવ્યું છે.
ઉમેદવાર ગુનાહિત ભૂતકાળ ધરાવે છે કે નહીં તે જાણવાનો મતદારો અધિકાર ધરાવે છે, એમ તેમણે કહ્યું હતું. રાજકીય પક્ષોએ પણ તે શા માટે જે તે ઉમેદવારને ચૂંટણીમાં ઉતારી રહ્યા છે તે લોકોને જણાવવાનો પ્રયત્ન કરવો જોઇએ, તેમ રાજીવ કુમારે કહ્યું હતું.
આ પણ વાંચો: Jammu Kashmir માં ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
ઉલ્લેખનીય છે કે રાજીવ કુમાર બે દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે હતા, જે પૂરી થયા બાદ તેમણે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજીને ઉક્ત મુદ્દાઓ ચિહ્નિત કર્યા હતા. બે દિવસની મુલાકાત દરમિયાન તે બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સહિતના લોકોને મળ્યા હતા. રાજકીય પક્ષોએ તેમને દિવાળી, દેવ દિવાળી, છઠ પૂજા જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખો જાહેર કરવા જણાવ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું.