‘કોર્ટની ટિપ્પણીનો કોઈ અર્થ નથી’, અક્ષય શિંદે એન્કાઉન્ટર કેસ પર દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન
મુંબઈ: બદલાપુર યૌન ઉત્પીડન કેસમાં આરોપી અક્ષય શિંદેના પોલીસ એન્કાઉન્ટરમાં મોત બાબતે હાઈ કોર્ટે કરેલી કેટલીક ટિપ્પણી અંગે પુછવામાં આવતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કોર્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીનો કોઈ અર્થ નથી. બુલડોઝર કાર્યવાહી ઉત્તર પ્રદેશથી પ્રેરિત ન હોવાની પણ સ્પષ્ટતા તેમણે કર હતી.
રાજ્યના ગૃહ ખાતાનો પદભાર સંભાળતા ફડણવીસે કહ્યું હતું કે અક્ષય શિંદેના કેસમાં પોલીસની કાર્યવાહી યોગ્ય હતી. તેણે પહેલા પોલીસ પર ગોળી ચલાવી હતી. આવા કિસ્સામાં પોલીસકર્મી તેની સામે હાથ જોડીને તેને શાંતિની અપીલ કરી શકતો નથી. તેણે ગોળીબાર કરતાં પોલીસે પણ સ્વ-બચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસે કંઈ ખોટું કર્યું નથી. આ ઘટનાને નકલી એન્કાઉન્ટર કહેવું ખોટું છે.
આ પણ વાંચો :‘Raut ના કારણે દિઘે પર TADA લાગ્યો’: શિંદે જૂથના નેતાનો ચોંકવનારો દાવો…
અક્ષય શિંદેના માતા-પિતાએ આ એન્કાઉન્ટર વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અંગે બોલતા તેમણે કહ્યું કે, હજુ સુધી હાઈકોર્ટ સમક્ષ સ્થિતિ આવી નથી. કોર્ટે કેટલાક અવલોકનો કર્યા છે. કોર્ટમાં શું કહેવામાં આવે છે તે મહત્વનું નથી. કોર્ટમાં શું લખવામાં આવે છે તેનું મહત્ત્વ છે. કોર્ટે તેના લેખિત આદેશમાં આવી કોઈ ટિપ્પણી કરી નથી. તેથી એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી, એમ ફડણવીસે જણાવ્યું હતું.
શું બુલડોઝર એક્શન અને એન્કાઉન્ટર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પ્રેરિત હતા? એવા પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાંથી પ્રેરણા લેવા જેવી બીજી ઘણી બાબતો છે. ચાલો આપણે એ હકીકત પરથી પ્રેરણા લઈએ કે તેઓએ રામ મંદિરનું નિર્માણ કર્યું. અમારે એન્કાઉન્ટરથી પ્રેરિત થવાની જરૂર નથી. એક સમયે માત્ર મહારાષ્ટ્ર જ વિકાસમાં સૌથી આગળ હતું. આજે ઉત્તર પ્રદેશ પણ વિકાસ કરી રહ્યું છે, અમે ખુશ છીએ. પરંતુ મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે બધાથી આગળ નીકળી ગયું છે. મહારાષ્ટ્રને અન્ય રાજ્યોમાંથી પ્રેરણા લેવાની જરૂર નથી.