આલિયા ભટ્ટે સાંવરિયાને આ રીતે કહ્યું હેપ્પી બર્થ ડે બેબી, રણબીરે આપી ફેન્સને આ ગિફ્ટ…
પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, ઋષી કપૂર અને હવે રણબીર કપૂર. ચાર પેઢીથી કપૂર ખાનદાન દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. આજે ચોથી પેઢીના ચમકતા સિતારા રણબીર કપૂરનો 42મો જન્મદિવસ છે. સાંવરિયા ફિલ્મથી ફિલ્મજગતમાં આવેલા રણબીર કપૂરે પરિવારનું નામ વધારે ઉજળું કર્યું છે. મોરના ઈંડા ચિતરવા ન પડે તેમ તેની અભિનયકલા ફિલ્મે ફિલ્મે નિખરતી જાય છે. તાજેતરમાં રિલિઝ થયેલી તેની ખૂબ વિવાદાસ્પદ એનિમલ ફિલ્મ માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.
રણબીરની પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહે છે. તેના જેટલી જ ટેલેન્ટેડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે તેના લગ્ન અને હવે રાહા જેવી ક્યૂટ દીકરીનો તે પિતા બની ગયો છે. આ ક્યૂટ કપલ તેમના ક્યૂટ ચાઈલ્ડ સાથે સોશિયલ મીડિયામાં ઝળક્યા કરે છે અને ફેન્સને તેમને જોવા ખૂબ જ ગમે છે ત્યારે આલિયા ભટ્ટે હસબન્ડના બર્થ ડે પર ફેન્સને ટ્રીટ આપી છે.
આમ તો આલિયાએ રણબીરને વિશ કરતો મેસેજ પોસ્ટ કર્યો છે, પણ તેની સાથે સુંદર તસવીરો પણ શેર કરી છે.
આલિયાએ લખ્યું કે ક્યારેક એક ટાઈટ હગની જ તમારે જરૂર હોય છે અને જીવન જીવવા જેવું લાગે છે. હેપ્પી બર્થ ડે બેબી. આ કેપ્શન સાથે આલિયાએ એક જાયન્ટ ટ્રીને હગ કરતો ફોટો શેર કર્યો છે, જેમાં આલિયા, રણબીર અને રાહા છે. આ સાથે તેમે બીજી તસવીરો શેર કરી છે.
આલિયા ઉપરાંત નીતૂ સિંહ, રિદ્ધીમા સહિત પરિવારજનો મિત્રો અને ફેન્સ રણબીર પર પ્રેમ વરસાવી રહ્યા છે.
ધૂમ-4માં ધૂમ મચાવશે રણબીર
રણબીરના બર્થ ડેના દિવસે જ ફેન્સને એક જબરજસ્ત ન્યૂઝ મળ્યા છે. અભિષેક, રીતિક અને આમિર ખાન બાદ હવે રણબીર ધૂમ મચાવવા ધૂમ-4માં આવી રહ્યો છે. મેકર્સે કન્ફર્મ કર્યું છે કે ધૂમ-4માં રણબીર કપૂર હીરો હશે. બીજી બાજુ આલિયાની જીગરા રિલિઝ થઈ રહી છે. મા બન્યા બાદ તેની આ પહેલી ફિલ્મ છે અને તે આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે. ત્યારે આપણે પણ કહી દઈએ રણબીરને હેપ્પી બર્થ ડે