નેતન્યાહુએ આ દેશોને ગણાવ્યા વિશ્વ માટે વરદાન અને શાપરૂપ દેશો: ભારતનો પણ કર્યો ઉલ્લેખ….
ન્યુયોર્ક: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે યુએન જનરલ એસેમ્બલીમાં જોરદાર રીતે પોતાની વાત રાખી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે બે નકશા બતાવતા કહ્યું હતું કે એક નકશો આખી દુનિયા માટે વરદાન છે, જ્યારે બીજો નકશો શ્રાપ છે; જો કોઈને લાગે કે આ માત્ર ઈઝરાયલ માટે છે, તો તેમણે ફરીથી વિચાર કરવો જોઈએ કારણ કે આ સમગ્ર વિશ્વ માટે છે. આ શ્રાપના મૂળમાં રહેલું ઈરાન દુનિયાની સામે મસીહા બનવાની કોશિશ કરી રહ્યું છે, પોતાના દેશમાં સતત અત્યાચાર કરે છે અને અનેક આતંકવાદી સંગઠનોને રક્ષણ આપે છે.
આ પણ વાંચો: ‘ઇઝરાયલ માનવ અધિકારોનું ઉલંઘન કરી રહ્યું છે…’, બ્રિટને આપ્યો નેતન્યાહુને મોટો ઝટકો
હાલ તો હમાસ અને હિઝબુલ્લા સાથે વેર વારવા માટે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલના વડા પ્રધાને ઈરાનને ધમકી આપતા કહ્યું કે હું તેહરાનમાં બેઠેલા સરમુખત્યારોને કહેવા માંગુ છું કે જો તેઓ ઈઝરાયલ પર હુમલો કરશે તો તેમને ભયંકર જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આ દેશો વિશ્વ માટે વરદાન:
નેતન્યાહુ દ્વારા જે વરદાન વાળો નકશો બતાવવામાં આવ્યો તે વેપારનો હતો. જેને અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશો ચીનની BRIની સમકક્ષ ઊભા કરવા માંગે છે. આ માટે અમેરિકા આરબ દેશો અને ઇઝરાયેલ વચ્ચેની દુશ્મનાવટને સમાપ્ત કરીને સમજૂતી પર પહોંચવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યું છે. આના દ્વારા હિંદ મહાસાગરથી આરબ દેશો અને ઇઝરાયેલ સુધીનો વેપાર માર્ગ બનાવવામાં આવે તો સીધો ભૂમધ્ય સમુદ્ર અને ત્યાંથી યુરોપ જોડાય જાય. આ માર્ગ ભારતના પશ્ચિમ કિનારેથી શરૂ કરવામાં આવી રહી હતી. આનાથી ભારત, યુરોપ અને આરબ દેશો વચ્ચે વેપારને વેગ મળ્યો હોત અને કરોડો લોકોનું જીવન સુધર્યું હોત. આ બધું 7 ઓક્ટોબર, 2023 પહેલા સાચું પડવા જઈ રહ્યું હતું પણ હમાસના હુમલાએ આ પ્રોજેક્ટને અટકાવી દીધો.
કોનો સમાવેશ શ્રાપ દેશની યાદીમાં:
બીજા નકશામાં ચાર દેશોને કાળા રંગમાં બતાવીને ઈઝરાયેલના વડાપ્રધાને તેમને આખી દુનિયા માટે શ્રાપ ગણાવ્યા છે. જેમાં ઈરાન, ઈરાક, સીરિયા અને યમનને કાળો અભિશાપ ગણાવ્યો હતો. ઈઝરાયેલના વડાપ્રધાને કહ્યું કે આ સમગ્ર વિશ્વ માટે ખતરો છે અને તેના મૂળ ઈરાનમાં છે કારણ કે ઈરાન પોતાની કટ્ટરતા માટે આતંકવાદી સંગઠનોને સતત મદદ કરે છે. તે બેલેસ્ટિક મિસાઈલો બનાવી રહ્યો છે જેથી તે ન્યુક્લિયર વોરહેડ બનાવીને આખી દુનિયાને કાબૂમાં રાખી શકે. ઈરાનના સહયોગથી હિઝબુલ્લાહ સતત અમારા પર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે. હકીકતે ઈરાન સહિતના આ દેશો ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યા છે. સીરિયામાં આતંકવાદી સંગઠન આઈએસનું નિયંત્રણ છે અને ઈરાકમાં પણ આવું જ છે. યમનમાં ઈરાન સમર્થિત બળવાખોરો ઈઝરાયેલને હેરાન કરવાનું ચાલુ રાખે છે.