રાજ્યમાં ભાદરવો ભરપૂર પણ કચ્છમાં છુટોછવાયો વરસાદ…
ભુજ: મોસમ વિભાગે નૈઋત્ય ચોમાસાંની સત્તાવાર વિદાય જાહેર કરી દીધી હોવા છતાં ગુજરાત પર સર્જાયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ, દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાં સાથે આફતરૂપ વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાંબો વિરામ રાખ્યા બાદ રણપ્રદેશ કચ્છના ભુજ અને તેની આસપાસના વિસ્તારો, અંજાર, નખત્રાણા, ભચાઉ સહિતના સ્થળોએ શનિવારની રાત્રે ગાજવીજ સાથે છુટોછવાયો વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
આ પણ વાંચો : બંધ કરી દેવાયેલ સમુદ્રી સીમાદર્શન પ્રોજેકટ ફરી ટૂંક સમયમાં શરૂ થશે…
ભુજ ઉપરાંત માતાના મઢ ખાતે પણ માવઠું ત્રાટકતાં આગામી આસો નવરાત્રી નિમિતે દર્શનાર્થે આવેલા ભાવિકો વરસાદી પાણીમાં ભીંજાયા હતા.
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના કાંઠાળ ગામોમાં પણ રાત્રીના અરસામાં અષાઢી માહોલ સર્જાયો હતો અને જંગી ગામમાં ઝાપટું થતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આ વર્ષે ચોમાસાએ અદભુત માહોલ ખડો કરી દીધો છે અને સમગ્ર ગુજરાતની જેમ કચ્છમાં પણ જ્યાં દુનિયાનો સૌથી વધારે વરસાદ પડે છે તે પૂર્વના રાજ્યો મેઘાલય અને આસામ જેવો માહોલ ખડો કર્યો છે. આટલું લાબું અને યાદગાર ચોમાસુ કચ્છમાં છેલ્લા ૨૦૦ વર્ષમાં નોંધાયું નથી.
નવરાત્રી પર્વને હવે જયારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યની સાથે સાથે રણપ્રદેશ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાઓ વરસતા આસો મહિનાના પ્રારંભ પહેલાં અષાઢી માહોલ ખડો થયો છે. હજુ જામેલા ચોમાસાને પગલે ગરબીના આયોજકોને પણ મુશ્કેલી ઉભી થવા પામી છે. ખેલૈયાઓને કાદવ-કીચડમાં રાસડા લેવા પડે તેવો તાલ સર્જાયો છે.