નેશનલ

દિલ્હીમાં કારના શોરૂમમાં ફિલ્મી સ્ટાઇલ ફાયરિંગ, વિસ્તારમાં ભયનો માહોલ

નવી દિલ્હી: શુક્રવારે મોડી સાંજે દિલ્હીના નારાયણ વિસ્તારના એક કારના શોરૂમમાં બદમાશોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ શોરૂમમાં 20 થી વધુ ગોળીઓ ચલાવી હતી. આ ફાયરિંગમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. જો કે, પોલીસનું કહેવું છે કે 10 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હીના મહિપાલપુરમાં અને નાંગલોઇ વિસ્તારમાં પણ ગોળીબાર થયો હોવાના સમાચાર મળતા લોકોમાં સોંપો પડી ગયો છે.

આ ઘટના પાછળ ખંડણી માંગવાનો મામલો હોવાનું જાણવા મળ્યું છે. જો કે ખંડણીની રકમની પુષ્ટિ થઈ નથી, પરંતુ કેટલાક અહેવાલો અનુસાર આ રકમ લગભગ 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘટના નારાયણ રોડ સ્થિત ફ્યુઝન કારના શોરૂમમાં બની હતી. ઘટના સ્થળની નજીક નારાયણ પોલીસ સ્ટેશન પણ આવેલું છે, છતાં બદમાશો કોઈ પણ ડર વગર ગુનાને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. ગોળીબાર બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી અને આસપાસના લોકો ડરી ગયા હતા. પોલીસ ઉપરાંત ઓપરેશન સેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની ગંભીરતાને જોતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

આ પહેલા પણ પશ્ચિમ દિલ્હીમાં કારના શોરૂમની ઘણી ઘટનાઓ બની હતી, જેમાં ગેંગસ્ટર હિમાંશુ ભાઉનો હાથ હતો, તેથી હાલની ફાયરિંગની આ ઘટનામાં કુખ્યાત ગેંગસ્ટર હિમાંશુ ભાઉનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હિમાંશુ ભાઉએ તાજેતરમાં શોરૂમના માલિકને ધમકી આપી હતી, જેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે તે ખંડણીની માંગણીમાં સામેલ હોઈ શકે છે. પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે અને બદમાશોને પકડવા માટે તમામ સંભાવનાઓ પર ધ્યાન આપી રહી છે. સ્થાનિક લોકોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ છે અને તેઓ પોલીસ પાસેથી કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. પોલીસ પ્રશાસને લોકોને અપીલ કરી છે કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તરત તેની જાણ પોલીસને કરે જેથી સમયસર પગલાં લઈ શકાય.

આ ઉપરાંત દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં પણ ગોળીબારની ઘટના બની હતી, જ્યાં એક બદમાશ દ્વારા એક હોટલમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં ગોળીબારની ત્રીજી ઘટના બની હતી, જ્યાં એક રાશનની દુકાન પર ગોળી ચલાવવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button