ભારે વરસાદને પગલએ મહાકાલ મંદિર પાસે દીવાલ ધરાશાયી: 2 લોકોના મોત
ઉજ્જૈન: હાલ મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મહાકાલ નગરી ઉજ્જૈનમાં શુક્રવારે સાંજે એક મોટો અકસ્માત થયો છે. મહાકાલ મંદિરની સામે ગણેશ મંદિર પાસે જૂની દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ હેરિટેજ ઈમારત તરીકે વિકસાવવામાં આવી રહેલા મહાકાલ મંદિર પાસે આવેલી મહારાજ વાડા સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. અકસ્માતમાં જયસિંહપુરાના ફરહીન (ઉંમર 22) અને શિવશક્તિ નગરના અજય (ઉંમર 27)નું મોત થયું હતું. શારદા બાઈ (ઉંમર 40) અને રૂહી ઉંમર (3) ઘાયલ થયા છે. તેમને ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઈન્દોર-ઉજ્જૈન, જબલપુર અને ગ્વાલિયર ડિવિઝનમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર MPમાં અત્યાર સુધી સરેરાશ 42.6 ઇંચ વરસાદ થયો છે. હકીકતે હવાના ઉપરના ભાગમાં ચક્રવાત સર્જાયું છે, જેના કારણે શુક્રવારથી ઉત્તર મધ્ય પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધી ગયું છે. હાલ રાજ્યમાં આગામી 2-3 દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ખાસ કરીને ઈન્દોર, ઉજ્જૈન, રીવા, ગ્વાલિયર અને સાગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.