નેશનલ

દિલ્હી MCDની સ્થાયી સમિતિની છેલ્લી સીટ પર ભાજપનો કબજો: આપનું સંખ્યાબળ ઘટ્યું

નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની સ્થાયી સમિતિમાં ખાલી પડેલી જગ્યાઓ માટે શુક્રવારે મતદાન યોજાયું હતું. ભાજપના ઉમેદવાર સુંદર સિંહ તંવર આ ચૂંટણીમાં બાજી મારી ગયા છે. તેમણે દિલ્હી MCDની છેલ્લી બેઠક પાર જીત મેળવી છે. દિલ્હીમાં ચૂંટણીને લઈને ભારે રાજકીય નાટક જોવા મળ્યું હતું. MCD સદનમાં કૉંગ્રેસના કોઈ કોર્પોરેટર નહોતા, જ્યારે સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટરો મતદાનથી દૂર રહ્યા હતા. બીજેપી ઉમેદવાર સુંદર સિંહને 115 વોટ મળ્યા હતા, જ્યારે AAP ઉમેદવાર નિર્મલા કુમારીને એક પણ વોટ ન મળ્યો.

સ્થાયી સમિતિ MCDની નિર્ણયો લેનારી સર્વોચ્ચ સંસ્થા છે. આ જીત સાથે ભાજપની પેનલમાં હવે 10 સભ્યો થઈ ગયા છે જ્યારે AAP પાસે માત્ર આઠ સભ્યોનું સંખ્યાબળ છે. આ સીટ ત્યારે ખાલી પડી જ્યારે ભાજપના કમલજીત સેહરાવત આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ દિલ્હીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. AAP અને કોંગ્રેસની હાજરી વિના પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી.

આમ આદમી પાર્ટી (AAP)ના જોરદાર વિરોધ બાદ MCD સ્ટેન્ડિંગ કમિટીની ખાલી પડેલી એકમાત્ર સીટ માટે ચૂંટણી કરવાનો નિર્ણય લેવાયો હતો. અધિક કમિશનર જિતેન્દ્ર યાદવની હાજરીમાં મતદાન થયું હતું. 5 ઓક્ટોબરના રોજ દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે MCD કમિશનરને સ્ટેન્ડિંગ કમિટીના છઠ્ઠા સભ્ય માટે ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. હવે AAPએ અચાનક ચૂંટણીમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો.

આ પહેલા મેયર શૈલી ઓબેરોયે ચૂંટણી પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, બપોરે 1 વાગ્યે ચૂંટણી યોજવા માટે આપવામાં આવેલો આદેશ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને સદનના કામકાજમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર ન હોવો જોઈએ. શેલી ઓબરાયે આ ચૂંટણી પર સવાલો ઉઠાવ્યા હતા અને આ સાથે તેણે સ્પષ્ટ કર્યું કે તેઓ આ ચૂંટણીમાં ભાગ નહીં લે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button