આયાતી તેલમાં સુધારો, સિંગતેલમાં ₹ ૧૦ વધ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના નવેમ્બર વાયદામાં ૯૩ રિંગિટનો અને ડિસેમ્બર વાયદામાં ૧૦૦ રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા, જ્યારે ગઈકાલે શિકાગો ખાતેના સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૪૬ અને ૧૨૫ સેન્ટ ઘટી આવ્યાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈતરફી વલણ જળવાઈ રહેવાની સાથે છૂટીછવાઈ માગને ટેકે હાજરમાં આયાતી તેલમાં આરબીડી પામોલિન અને સન રિફાઈન્ડના ભાવમાં અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૨૦ અને રૂ. ૧૫ વધી આવ્યા હતા.
વધુમાં ગઈકાલે મથકો પર દેશી તેલના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે આજે સ્થાનિકમાં દેશી તેલમાં ખાસ કરીને કપાસિયા રિફાઈન્ડમાં ૧૦ કિલોદીઠ રૂ. ૪૦નો, સરસવમાં રૂ. ૧૫નો અને સિંગતેલમાં રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં ગોલ્ડન એગ્રીના રૂ. ૧૩૦૦ અને એએનએના રૂ. ૧૨૯૦ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૧૨૬૨, સનફ્લાવર રિફાઈન્ડના રૂ. ૧૨૮૫ અને સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૭૫ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૨૭૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૮૦, સન રિફાઈન્ડના રૂ. ૧૨૮૫, સિંગતેલના રૂ. ૧૫૫૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૩૦ અને સરસવના રૂ. ૧૪૨૫ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતના મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૯૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫૦૦ના મથાળે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.