જુનાગઢમાં હાથિયો જામ્યો: ગિરનાર પરથી વહ્યા પાણીના ધોધ, દામોદર કુંડમાં બિહામણું સ્વરૂપ
જૂનાગઢ: રાજ્યમાં ભાદરવા મહિનામાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે, ઉપરથી તેમને હાથિયા નક્ષત્રનો સાથ છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે.
આ વરસાદમાં જૂનાગઢ શહેરમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જુનાગઢના ગિરનારના જંગલ અને ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો હતો જેના પગલે સીડી પરથી પાણીનો પ્રવાહ ધોધની માફક વહ્યો હતો. તળેટીમાં સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ભવનાથમાં દામોદર કુંડમાં પણ પાણીનું બિહામણું સ્વરૂપ જોવા મળ્યું હતું.
આપણ વાંચો: જાણો મુંબઈમાં સિઝનનો કેટલો વરસાદ પડ્યો, ક્યારે વિદાય થશે મેઘરાજા?
હાલ રાજ્ય પર બે સિસ્ટમ સર્જાયેલી છે જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 6 જિલ્લા અને બે સંઘપ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણ જિલ્લા અને એક સંઘપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જો કે રાજ્યમાં આવતીકાલથી વરસાદનું પ્રમાણ ઘટે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે જૂનાગઢમાં બપોરના ચાર વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લગભગ પાંચ વાગ્યા સુધીમાં ગિરનાર પર્વત અને જુનાગઢમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જુનાગઢ શહેરના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. સાથે જ ગિરનારમાં પણ પાણીના ધોધ વહ્યા હતા. ગિરનાર પર્વત પર પડેલા ધોધમાર વરસાદને લઈને ભવનાથ અને દામોદરકુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો.