કચ્છમાં નવલાં નોરતાના આગમનનો આગોતરો થનગનાટ: ટ્રેડિશનલ વસ્ત્રોના મંડાયા હાટડા…
ભુજ : કચ્છમાં આશ્વિન નવરાત્રી પર્વનું આગમન થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે અને દેશભરમાંથી પદયાત્રીઓનું ઘોડાપૂર કચ્છ તરફ આવી રહ્યું છે ત્યારે પલટાયેલા સમયની સાથે ખેલૈયાઓ નવરાત્રીમાં પહેરે તેવા ટ્રેડિશનલ અને ઇથેનિકસ તૈયાર વસ્ત્રોનું રોડ સાઈડ વેંચાણ શરૂ થઇ ચૂક્યું છે.
આ પણ વાંચો : નોરતા પર્વને લઈને માતાના મઢ ખાતે તડામાર તૈયારીઓ: ઉમટશે ભાવિકોનું ઘોડાપૂર…
ટ્રેડિશનલ અને ઇથેનિક્સના નામે મોટી દુકાનો, શોપિંગ મોલ તેમજ ઓનલાઇન શોપિંગમાં મોંઘાદાટ વસ્ત્રો વેંચાય છે ત્યારે આ રોડસાઈડ હાટડીઓમાં ખૂબ સસ્તા ભાવે આવા વસ્ત્રો વેંચાઈ રહ્યા છે, જે પદયાત્રીઓ કચ્છના લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલા જગ મશહૂર આશાપૂરા માતાના મંદિરે પહોંચવા પદયાત્રા કરી રહ્યા છે તેઓ આવા સ્ટોલ પર ઘડીક રોકાઈને આરામની સાથે આવા ટ્રેડિશનલ વસ્ત્રો હોંશે હોંશે ખરીદી રહ્યા છે.
ભુજમાં આવેલા ઐતિહાસિક આશાપુરાના મંદિરને પ્રણાલીગત રીતે ચોખ્ખું-ચણક કરી દેવાયું છે. સોની યુવક મંડળના સભ્યોએ મંદિરના મયૂરાસન સહિતના ચાંદીના આભુષણોને અરીઠા,લીંબડા,કપૂર જેવા હર્બલ દ્રવ્યોની મદદથી ચમકાવી નાખ્યા છે. ઠેર ઠેર નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને સમગ્ર કચ્છ પર આશાપુરી ધૂપની મહેકની જાણે પકડ જામી રહી છે. ભુજના પ્રણાલીગત વિસ્તારોમાં આદ્યશક્તિની ઉપાસનાના પ્રતીકસમા કલાત્મક ગરબાઓનું વેંચાણ પણ શરૂ થઇ ચૂક્યું છે.