જાણો મુંબઈમાં સિઝનનો કેટલો વરસાદ પડ્યો, ક્યારે વિદાય થશે મેઘરાજા?
મુંબઈઃ ભાદરવા મહિનામાં મુંબઈ સહિત પરાના વિસ્તારો તેમ જ કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરારમાં મુશળધાર વરસાદ પડવાનું ચાલુ છે ત્યારે હવે લોકો મેઘરાજાની વિદાયની રાહ જોઈ રહ્યા છે. મુંબઈના જળાશયો પણ છલકાયા પછી હવામાન વિભાગે જણાવ્યું છે કે મુંબઈમાં આ વર્ષે સામાન્ય કરતા 600 મિલિમીટર (એમએમ) વરસાદ નોંધાયો છે.
આ વર્ષે કુલ 2,900 મિલિમીટર વરસાદ ખાબક્યો
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ૫ ઓક્ટોબર સુધીમાં મહારાષ્ટ્રમાંથી ચોમાસું વિદાય લેશે. બુધવારે રાત્રે ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ખાસ કરીને મુંબઈ અને પુણેમાં પાણી ભરાઈ ગયા હતા.
મુંબઈમાં સામાન્ય રીતે ત્રણથી ચાર મહિનાની ચોમાસાની ઋતુમાં લગભગ ૨,૩૦૦ મીમી વરસાદ પડે છે. આ વર્ષે, કુલ ૨,૯૦૦ મીમી વરસાદ પડ્યો છે , જે સામાન્ય કરતાં ૬૦૦ મીમી વધારે છે, એમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
પાંચમી ઓક્ટોબર સુધીમાં વિદાય લઈ થઈ શકે
આગામી ૫-૬ દિવસમાં વરસાદમાં ઘટાડો થશે અને ૫ ઓક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ છે પરંતુ કેટલીકવાર તે ખેંચાઈ શકે છે તેથી વિદાયની તારીખ ૧૦ ઓક્ટોબર સુધી લંબાઈ શકે છે.
ચોમાસું તીવ્ર બની રહ્યું હોવાથી મુંબઈ માટે અગાઉ રેડ એલર્ટ અને બાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ગઈકાલે બપોર સુધી, મુંબઈમાં ઓરેન્જ એલર્ટ હતું, પરંતુ પરિસ્થિતિ વધુ વણસી જતાં આજે સવારે ૮:૩૦ વાગ્યા સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, પરંતુ એની વચ્ચે આજે દિવસભર હળવાથી ભારે વરસાદના ઝાપટા મુંબઈ અને પરા વિસ્તારમાં પડ્યા હતા, પણ ટ્રેનસેવા પર અસર થઈ નહોતી.
બુધવારે કોલાબા, ચેમ્બુરમાં પડ્યો હતો વધુ વરસાદ
બુધવારે, કોલાબા, સાંતાક્રુઝ અને ચેમ્બુર વરસાદથી સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગના ડેટા મુજબ ઓટોમેટિક વેધર સ્ટેશન દ્વારા કોલાબા અને સાંતાક્રુઝમાં ૧૭૦ મિલિમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે ચેમ્બુરમાં ૨૦૦ મિલિમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ આવા કિસ્સાઓમાં, ભારતીય હવામાન વિભાગ રેડ એલર્ટ જારી કરે છે અને એસએમએસ અને ઇમેઇલ દ્વારા જિલ્લા સત્તાવાળાઓને જાણ કરે છે.
આ કારણે મધ્ય રેલવેએ ખોડંગાઈ હતી
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વ્યાપક પાણી ભરાયા હતા, જેના કારણે મુંબઈ અને પુણેમાં ટ્રેન, બસ અને ફ્લાઈટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ગુરુવારે સવાર સુધીમાં, ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી જતાં ટ્રેન અને બસની કામગીરી ફરી શરૂ થઈ ગઈ હતી. ભાંડુપમાં નાળું સાંકડું કરવાને મધ્ય રેલવેની ટ્રેનસેવા ખોડંગાઈ હતી. રેલવેએ કહ્યું હતું કે ધોધમાર વરસાદ વખતે 45 ફૂટના નાળાને પહોળું કરવાના કામને કારણે પાણી ભરાયા હતા. આ કામને કારણે નાળાની પહોળાઈ ઓછી થઈ ગઈ હતી, તેથી લાખો મુંબઈગરાઓ રઝળી પડ્યા હતા.
બુધવારે મધ્ય રેલવેની લોકલ ટ્રેનો રાતના આઠ વાગ્યાથી ઠપ થઈ ગયા પછી રાતના અગિયાર વાગ્યે શરુ થઈ હતી, જેમાં સેંકડો લોકલ ટ્રેનો રદ કરવાની સાથે અનેક ટ્રેનો બેથી ત્રણ કલાક મોડી પડતા પ્રવાસીઓને રેલવેથી તોબા પોકારી હતી.