Gujarat Tourism: છોટાઉદેપુરના આ ગામને મળ્યો શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-૨૦૨૪નો એવોર્ડ…
ક્વાંટ: મા નર્મદાનો ગુજરાતમાં જ્યાંથી પ્રવેશ થાય છે એવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ‘હાફેશ્વર’ ગામને આજે ‘વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે’ કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024″નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિકસ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ‘તાજેતરમાં જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂા. 10 કરોડના બજેટ સાથે હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવાસીઓની સુવિધાના હેતુસર પાર્કિંગ, વૉટર જેટી, ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન અને વોલ્ક વે નું નિર્માણ કરવામાં આવનાર છે.
તેમણે કહ્યું હતું કે, હાફેશ્વર એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું એક એવું સ્થળ છે જ્યાંથી માઁ નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે. સાતપૂડા અને વિંધ્યાચલ પર્વતમાળાની વચ્ચેથી પસાર થતી મા નર્મદા નદી જે જગ્યાએથી ગુજરાતમાં પ્રવેશે છે તે કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું હાફેશ્વર ગામ છોટાઉદેપુરના મુખ્ય શહેરથી આશરે 40 કિમી દૂર ક્વાંટ તાલુકામાં આવેલું છે. અહીં એક પ્રાચીન શિવ મંદિર છે અને સરદાર સરોવર જળસ્ત્રાવ વિસ્તારમાં નર્મદા નદીના પાણીમાં મહદઅંશે ડૂબેલી સ્થિતિમાં છે. હાલમાં હોડીની સવારી કરીને માત્ર મંદિરનો ધ્વજ જ જોઈ શકાય છે. જેથી વર્ષ 2002માં આ મંદિરની મૂર્તિઓને નવા મંદિરમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી જે ડૂબી ગયેલ મંદિરથી ૧.૫ કિમી દૂર બનાવવામાં આવ્યું છે.
એક અંદાજ મુજબ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરની મુલાકાતે આવતા પર્યટકોમાંથી વાર્ષિક લગભગ એક લાખ પર્યટકો હાફેશ્વરની મુલાકાતે આવે છે. નજીકમાં જ કડીપાની, તુરખેડા હીલ, નખલ ધોધ અને ધારસિમેલ ધોધ જેવા અન્ય જોવાલાયક પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓ ફરવા માટે આવે છે. આ ગામ તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપી તેનું સંરક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. આદિવાસી વસ્તી ધરાવતું ગામ હોવાને પરિણામે, તે પેઢીઓથી વિકસતી જૂની પરંપરા અને સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે.
શ્રેષ્ઠ પ્રવાસન ગામ કઈ રીતે પસંદ કરવામા આવે છે?
કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ માટેના પાત્રતા માપદંડોમાં મુખ્યત્વે એવા સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે જે ૨૫ હજારથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા હોય. પ્રખ્યાત સ્થળો, પ્રવાસન સ્થળ અથવા લેન્ડસ્કેપની ત્રિજ્યામાં સ્થિત હોય અને કૃષિ, હસ્તકલા, ભોજન વગેરે સહિતની પરંપરાગત પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય. સ્પર્ધાના મૂલ્યાંકન માટે સાંસ્કૃતિક-કુદરતી સંસાધનો, આર્થિક-સામાજિક સ્થિરતા, પર્યાવરણીય સ્થિરતા, પ્રશાસન-પ્રવાસનને પ્રાથમિકતા, આરોગ્ય, સલામતી-સુરક્ષા, સાંસ્કૃતિક સંસાધનોનો પ્રચાર-સંરક્ષણ, પ્રવાસન વિકાસ અને મૂલ્ય શૃંખલા, એકીકરણ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ટૂંકમાં શ્રેષ્ઠ પ્રવાસન ગામને માન્યતા પૂરી પાડનારી શ્રેણીઓમાં હેરિટેજ, એગ્રી- એડવેન્ચર ટુરિઝમ, હસ્તકળા, જવાબદાર પ્રવાસન, વાયબ્રન્ટ ગામો, સમુદાય આધારિત પ્રવાસન અને ગામની સુખાકારીને લક્ષ્યમાં લેવામાં આવે છે.