હાથરસની (Hathras Horror)ઘટના આપણુ કાળજું પણ કંપાવી નાખે તેવી છે, ભૂલકાંના માતા-પિતાની શું હાલત હશે?
તમે દિવસ-રાત મહેનત કરો અને તમારા સંતાનોને સારા શિક્ષણ માટે સ્કૂલે મોકલો. પણ ક્યારેક સ્કૂલેથી ફોન આવે કે તમારું બાળક નથી મળતું. ત્યારબાદ તેનો મૃતદેહ મળે અને ખબર પડે કે સ્કૂલના નરાધમ પ્રિન્સિપાલે તમારી ભૂલકીને પિંખી નાખી અને ત્યારબાદ મારી દાટી દીધી. કાં તો તમારી નાનકડી ચકલી ઘરે આવીને ફરિયાદ કરે કે તેને પ્રાઈવેટ પાર્ટસમાં તકલીફ થાય છે અને પછી ખબર પડે કે એક નરાધમ તેની સાથે રાક્ષસી કૃત્ય કરતો હતો.
મહારાષ્ટ્ર-થાણેના બદલાપુર અને ગુજરાતના દાહોદમાં બનેલી આ ઘટના દીકરીઓના પરિવારને વધારે વિહવળ બનાવે અને એક અજંપા ભરી સ્થિતિમાં સતત જીવતા કરી દે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ઘટના દીકરાઓના માતા-પિતાને પણ હચમચાવી નાખે તેવી છે. આ ઘટના ભલે જાતીય સતામણીની નથી, પરંતુ શાળામાં તમારા સંતાનો કેટલા અસુરક્ષિત છે અને જેમને તમે તેના ભવિષ્યના ઘડવૈયા માનો છો તે જ તેમના ભક્ષક બની ગયા છે.
આ પણ વાંચો : બિહારના સમસ્તીપુરમાં ટ્રેન પર પથ્થરમારો થતા કોચના કાચ તૂટ્યા, ઘણા મુસાફરો ઘાયલ
આ ઘટના લખતા પણ હાથ કાંપે એવી છે, જેમાં દિલ્હીમાં કામ કરતા એક સોફટવેર એન્જિનિયરના 11 વર્ષના પુત્ર કૃતાર્થનું સ્કૂલના માલિક, તેના દીકરા અને અન્ય ત્રણ શિક્ષકોએ મળી કાસળ કાઢી નાખ્યું. આ પાછળનું કારણ વધારે પરેશાન કરે એવું છે. હાથરસની ડી એલ પબ્લિક સ્કૂલના માલિક યશોધન સિંહ તાંત્રીક વિદ્યામાં માનતા હતા. તેમને થયું કે એક વિદ્યાર્થીની બલિ આપવાથી સ્કૂલ આગળ આવશે અને નામ રોશન થશે. તેની આ અઘોરી વૃત્તિને સ્કૂલના ડિરેક્ટર અને યશોધનના પુત્ર દિનેશ બઘેલએ સાથ આપ્યો અને સાથે ત્રણ શિક્ષકો જોડાયા. કૃતાર્થ અહીંની હોસ્ટેલમાં રહેતો હતો. પાંચેય જણા તેના રૂમમા ગયા અને તેને ખાલી રૂમમાં લઈ જઈ તેનું ગળું દબાવી દીધું ને તેને પાછો તેની જગ્યાએ સુવડાવી દીધો.
કૃતાર્થ સવારે ન ઉઠતા હોબાળો થયો અને ડિરેક્ટર દિનેશ તેને પોતાની કારમાં લઈ ગયો. માતા-પિતાને જાણ થતાં તેઓ સ્કૂલો આવ્યા પણ તેમને સંતોષકારક જવાબ મળ્યો નહીં. આથી તેમણે લોકલ પોલીસને જણાવ્યું. પોલીસે આમ તેમ ભટકતા દિનેશની કારને ઝડપી લીધી અને આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો. પોલીસે પાંચેય આરોપીની અટકાયત કરી છે અને કેસની સઘન તપાસ શરૂ કરી છે.